ધરણાં ભલે કરો, પણ...

કેજરીવાલજીને કારણે આજકાલ ધરણાં ‘ઈન-થિંગ’ બની ગયાં છે. તમે પણ ધરણાં કરી શકો. પરંતુ જરા ધ્યાન રાખજો…

***

ચાર રસ્તે રેડ-લાઈટ સિગન્લ તોડતાં જો પોલીસ પકડે તો તમે જરૂર ધરણાં કરો. પણ…

એ પહેલાં જોઈ લેવું કે ડામરની સડકનું ટેમ્પરેચર ‘બેસવા લાયક’ તો છે ને ?

***

ટ્રેનના ડબ્બામાં બેસવાની જગા ના મળે તો ત્યાં જ ધરણાં કરો. પણ…

નીચે બેસતાં પહેલાં એકાદ છાપું જરૂર પાથરજો. નહિતર સાવ ખોટી જગાએ કાળા ડાઘા પડી જશે !

***

પેટ્રોલ-ડિઝલના વધતા ભાવ સામે વિરોધ કરવા જરૂર ધરણાં કરો. પણ….

ત્યાં પેટ્રોલપંપે જ ના બેસી જતા ! કારણ કે પેટ્રોલપંપમાં મોબાઈલ વાપરવાની મનાઈ છે. ત્યાં કલાકો લગી બેઠાં બેઠાં મોબાઈલ વિના ટાઈમપાસ શી રીતે કરશો ?

***

અરે, ‘રેસ-3’ જોયા પછી જો તમને એ સાવ ભંગાર લાગે તો જરૂર ધરણાં કરો. પણ…

થિયેટર હોલની બહાર નીકળીને બેસજો... જો અંદર બેઠા હશો તો ‘રેસ-૩’ વારંવાર જોવી પડશે !

***

ઉભરાતી ગટર જ્યાં લગી રિપેર ના થાય ત્યાં લગી ધરણાં કરવાનો આઇડિયા બેસ્ટ જ છે. પણ…

હા ! ધરણાં ઉભરાતી ગટર પાસે ના કરાય !! (જોયું ? સમજદાર થતા જાવ છો !)

***

સ્કુલોની ફી વધી ગઈ છે એના વિરોધમાં પણ ધરણાં કરી શકાય છે. પણ…

નિશાળમાં બેસીને નહિ ! કારણ કે ત્યાં તો પછી માસ્તરો ‘હાજરી પૂરવા’ આવશે : “કેમ આજે મોડા આવ્યા ? ટાઈમસર નથી અવાતું ? કાલે કેમ નહોતા આવ્યા ? ઘેરથી ચીઠ્ઠી લઈ આવજો…”

***

પત્ની તમારી મનપસંદ વાનગી ના બનાવી આપે તો પણ ધરણાં કરી શકાય. પણ…

કીચનમાં નહીં ! ડ્રોઈંગ રૂમમાં નહીં ! બાલ્કનીમાં પણ નહીં ! અરે, આખા ઘરમાં ક્યાંય નહીં…

કારણ કે તમે બેઠા હશો ત્યાં પત્ની આવીને કહેશે : “લો, જરા શાક સમારી આપો ને ? અને આ લસણ ફોલી રાખજો… કહું છું, નવરા બેઠા છો તો જરા લોટ બાંધી આપોને…”

***

(ઉપરના તમામ પ્રયોગો કેજરીવાલજી અજમાવી ચૂક્યા છે ! એટલે જ તેઓ રાજભવનના એસી રૂમમાં બેઠા હતા… ધરણાં કરવા !)

- મન્નુ શેખચલ્લી

Comments