ફૂટબોલનો વર્લ્ડ-કપ શરૂ થયો પછી માત્ર ‘ફૂટબોલ-ફિવર’ અને ‘ફૂટબોલ-મેનિયા’ નામના બે જ રોગો નથી ફેલાયા…
એ સિવાય પણ ભેદી પ્રકારના રોગો ફેલાવાની શક્યતા છે ! સાંભળજો…
***
ફૂટ-બોર-ડમ
વરસોથી માત્ર ક્રિકેટ જ જોવા ટેવાયેલા જુવાનિયાઓ જ્યારે મોટા ઉપાડે પોપ-કોર્નનાં ખોખાં લઈને ટીવી સામે ફૂટબોલની મેચો જોવા બેસે છે ત્યારે એમને તો એમ હોય છે કે બોસ, શું યે મઝાઓ આવશે !
પણ T-20ની જેમ અહીં મિનિટે મિનિટે ચોગ્ગા-છગ્ગા વાગતા નથી ! ચિયર-ગર્લ્સ તો દેખાતી જ નથી. અરે, અહીં શાહરુખ-પ્રીટી કે નીતાભાભી પણ નજરે ચડતાં નથી !
40-40 મિનિટ સુધી ‘ગોલ’ પણ નથી થતો… ત્યાં ચીસો શું જોઈને પાડવી ?
સરવાળે આ ‘હાઈપ-સ્ટ્રક’ જનરેશનને જે કંટાળો આવવા માંડે છે તેને ‘ફૂટ-બોર-ડમ’ કહે છે.
***
ફૂટ-બોલે-કચ્યુલિઝમ
પોતે બહુ ઇન્ટેલેક્ચ્યુઅલ છે એવું દેખાડવામાં અમુક લોકોને આ રોગ થઈ જાય છે !
મૂળ તો ફૂટબોલ બંગાળી લોકોની પ્રિય ગેમ હોવાથી આ ડોબાઓ તેને ‘ઇન્ટેલેક્ચ્યુઅલિઝમ’ સાથે જોડી દેવાની ભૂલ કરે છે.
ઇન્ટરનેટ પર ઠલવાતી બિન-જરૂરી માહિતી વાંચીને એમને ‘નોલેજ’નો આફરો ચડે છે. 8-10 ફૂટબોલ પ્લેયરોનાં નામ આવડી જાય એમાં તો ક્રિકેટને ‘ફાલતુ’ અને ફૂટબોલને ‘મહાન’ માનવા માંડે છે.
જોકે ફૂટબોલ બૌધ્ધિક લાગવાનું મેઈન કારણ એ છે કે ‘આર્ટ-ફિલ્મો’ની જેમ ફૂટબોલની મેચમાં પણ અડધા અડધા કલાક સુધી કશું ‘થતું’ જ નથી !
***
ફૂટ-ઘેલ-સઘરાઈ
આ રોગ મેઈનલી બંગાળ સાઈડની પ્રજાને થાય છે. થર્ડ-ક્લાસ લેવલનું ફૂટબોલ રમતી લોકલ ટીમોને જોઈને એ લોકો એટલી બધી ચિચિયારીઓ પાડે છે કે વર્લ્ડ-કપની વાત આવતાં તો પોતે ‘ફ્રી-કીક’ની જેમ ઉછળવા માંડે છે !
***
ફૂટ-નિરપેક્ષતા
આ બહુ જ વ્યાપક, કોમન અને નિર્દોષ ભારતીય રોગ છે. આના કરોડો ઇન્ડિયન રોગીઓને મિડિયા હાઈપની કોઈ જ અસર થતી નથી.
આમને માટે સિરીયામાં ચાલતું યુદ્ધ અને રશિયામાં ચાલતો વર્લ્ડ-કપ બન્ને સરખું ‘બિન-મહત્વ’ ધરાવે છે. ટાઈમ-આઉટ.
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment