મોદીજીએ પોતાની યોગ-કસરતોનો વિડીઓ શું જાહેર કર્યો, કોંગ્રીસીઓએ કાગારોળ મચાવી મુકી કે એક બાજુ BSFના 4 જવાન શહીદ થઈ ગયા અને બીજી બાજુ તમે પોતાના વિડીઓ અપલોડ કરવામાં બિઝી છો ? શરમ છે… શરમ છે…
આ તો ઠીક છે કે જ્યારે રાહુલ બાબુ કોઈ શિકંજી ટાઈપની જોક ના ફટકારી રહ્યા હોય ત્યારે દેશને હસાવવાની જવાબદારીઓ કોંગ્રેસીઓ લઈ લે છે, પણ ધારો કે મોદીજી એમને સિરિયસલી લેવા માંડે તો ?
***
સળંગ પંદરમા દિવસે મોદીજી એમના મિડિયા સેલને પૂછતા હોય : “ભાઈઓ, હવે તો હું એવો વિડીઓ અપલોડ કરું ને, કે હું લીંબુપાણી પી રહ્યો છું ?”
તરત જ જવાબ મળે “ના સાહેબ ! હજી દેશમાં 159 જિલ્લાઓમાં વરસાદ નથી થયો. તમે એવો વિડીઓ જાહેર કરશો તો લોકો કહેશે, અહીં લોકો તરસ્યા છે અને ત્યાં…”
“ખબર છે, ખબર છે…” બિચારા મોદીજી ચૂપ થઈ જશે.
***
એક દિવસ મોદીજીને સુંદર વિચાર આવશે. “ભાઈ, હું બગીચામાં પાણી છાંટતો હોઉં એવો વિડીઓ…”
“વિચાર પણ ના કરતા !” તરત જ ચેતવણી આવશે. "દેશનાં 7 રાજ્યો અને 98 જિલ્લામાં પૂર આવ્યા છે… અને તમને બગીચામાં પાણી છાંટવાનું સૂઝે છે?"
બિચારા મોદીજી ગમ ખાઈ જશે.
***
તોય, જ્યારે શ્રાવણ મહિનો આવશે ત્યારે મોદીજીથી રહેવાશે નહિ. “મિત્ર, હું માત્ર પાણી પીને નકોરડો ઉપવાસ કરી રહ્યો છું. તો -”
“પાણીઈઈઈ?” સામેથી રેડ-એલર્ટ વોર્નિંગ આવશે.
“મોદીજી ! બિહારમાં 7 જણા ઝેરી દારૂ પીને મરી ગયા છે ! અને તમે -”
“ઠીક છે, ઠીક છે.” મોદીજી સાદા પાણીનો કડવો ઘુંટડો પી જશે.
***
પરંતુ એક દિવસ ચમત્કાર થશે ! મિડીયા-સેલ સામેથી ફોન કરશે. “સાહેબ ! આજે તમે ફળાહાર, અન્નાહાર, મિષ્ટાન… જે ખાતા હો તેનો વિડીઓ મુકી શકો છો !”
“કેમ, શું છે આજે ?”
“પેલા કોંગ્રેસીઓ આજે 4 કલાકના પ્રતીક ઉપવાસ કરવાના છે.”
“તો ?”
“તો ઉપવાસ પહેલાં એ લોકો કચોરી, સમોસા વગેરે ખાતા બેઠા હશે તેનો વિડીયો વાઈરલ થઈ જશે ને !”
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment