કંપેરિઝનો અને સરખામણીઓ....

જે રીતે આઈફોનની સરખામણી ચાઈનિઝ ફોન જોડે ના થાય, એ રીતે અમુક ભલતી-સલતી ચીજોની સરખામણી શક્ય જ નથી. છતાં જુઓને, કેવી કેવી કંપેરિઝનો બંધબેસતી આવે છે !...

***

ફેસબુકમાં આવતી ‘સ્માઈલી’ અને શાકવાળાએ આપેલી ઝભલા કોથળીમાં તાત્વિક રીતે કોઈ ફરક હોતો નથી.

***

‘વિચારોત્તેજક’ પોસ્ટ વાંચીને આવતો દેશભક્તિનો ઉભરો અને શેરડીના રસ ઉપર જામેલું ફીણ… બન્ને ગુણાત્મક રીતે સરખાં જ હોય છે.

***

‘રિયાલીટી’ અને ‘વાસ્તવિક્તા’ વચ્ચે એટલું જ અંતર હોય છે જેટલું કોઈ હોલીવૂડની મૂવી અને મોંઘવારી વચ્ચે હોય છે….

કારણ કે, રિયાલીટી = હોલીવૂડ મૂવી
અને વાસ્તવિક્તા = મોંઘવારી.

***

મોબાઈલમાં વારંવાર ચોંટીને ચાલતી મૂવી અને મોલમાં વારંવાર ચોંટી જતી ગર્લફ્રેન્ડ બન્નેનો ત્રાસ સરખો હોય છે.

***

તમારી ફોરવર્ડીયા ઝુંબેશને અંગૂઠો બતાડનાર વ્યક્તિ… અને રિઅલ લાઈફમાં તમને દૂરથી જ ‘ઠેંગો’ બતાડીને છટકી જનાર વ્યક્તિ… બન્ને સઈમ હોઈ શકે છે. સાવધાન.

***

યાદ રાખો, કોઈપણ ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ વાનની સ્પીડ કરતાં પિઝા ડિલીવરી બોયની સ્પીડ હંમેશાં વધારે જ રહેવાની.

ડેડ-બોડી ઠંડુ પડી જાય તો ચાલે, પિઝા ઠંડો ન પડવો જોઈએ… યો !

***

વાઈરલ વિડીઓની નીચે વધતી જતી વ્યુઅર્સની સંખ્યા ઢોળાઈ ગયેલી ચાસણી ઉપર ભેગી થતી માખીઓ જેવી હોય છે…

અને તમે અપ-લોડ કરેલા વિડીયોના વ્યુઅર્સની સંખ્યા વાસી રોટલીને સુંઘ્યા વિના જતાં રહેતાં કૂતરાંઓ જેવી હોય છે !

***

બાકી, કોઈ નવું ‘રિ-મિક્સ’ સાંભળ્યા પછી જ.... જુનું ઓરિજિનલ ગાયન ‘કેટલું મસ્ત હતું’ એવો ખયાલ એવા  લોકોને આવે છે…

જેઓ કોઈ મેરેજમાં ડાન્સ કરી રહેલાં આન્ટીને જુએ ત્યારે જ વિચારે છે કે “યાર… આન્ટી જવાનીમાં કેવાં મસ્ત લાગતાં હશે, નંઈ !”

- મન્નુ શેખચલ્લી

Comments