અમારા રણઝણસિંહ ક્યારેક રેપિડ ફાયરના મૂડમાં હોય છે. આજકાલના ન્યૂઝ સાંભળીને એમણે ધડાધડ ફાયરિંગ કર્યું છે ! સાંભળો…
***
અમે : અમેરિકાના ટ્રમ્પ અને ઉ.કોરિયાના કિમ જોગ શાંતિ મંત્રણા કરશે.
રણઝણસિંહ : અલ્યા મન્નુડા… હામાહાંમી એકેય ગોળી છોડ્યા વિના ખાલી રાડ્યું પાડે ઈને યુદ્ધ થોડુ કે’વાય? અને હવે મૂંગા મરવાની વાતું કરશે અટલે કાંઈ શાંતિ મંત્રણા થઈ ગઈ ?
***
અમે : પણ કહે છે કે ટ્રમ્પને શાંતિ માટે નોબેલ પુરસ્કાર મળી જશે.
રણઝણસિંહ : આલેલે ! ઈ હિસાબે તો આપણા મનમોહનસિંહને સળંગ દહ-દહ વરહ લગી નોબેલ મળવો જોઈતો ’તો ! અલ્યા, મૂંગા મરશો અટલે નોબેલના હકદાર થઈ જશો ?
***
અમે : રાહુલ ગાંધી કહે છે કે કોકા-કોલાના માલિક પહેલાં શિકંજી વેચતા હતા.
રણઝણસિંહ : ઈ તો ખબર નથી, રાહુલભાઈએ ટુંડ્ર-પ્રદેશમાં જઈને ફ્રીજ જરૂર વેઈચાં લાગે છે !
***
અમે : પાકિસ્તાનના પ્રમુખ અને મોદી વચ્ચે રુબરુ માત્ર 10 સેકન્ડ વાત થઈ…
રણઝણસિંહ : પાકિ પ્રમુખ કીધું હશે “મોદીભાઈ, અમારા દેશમાં ચૂંટણીયું આવી રઈ છે.” મોદીએ કીધું હશે “બોલો, તમારા પ્રચાર માટે આવી જાઉં ?”
***
અમે : પણ આ ભારે થઈ હોં ? અખિલેશ યાદવ સરકારી બંગલો ખાલી કરતાં પહેલાં અંદરથી ઇટાલિયન મારબલના ટાઈલ્સ, લાઈટ ફિટીંગ, પંખા વગેરે બધું ઉખાડીને લઈ ગયા.
રણઝણસિંહ : આમાં હું થ્યું હેશે, ખબર છે ?
કોક ભાજપિયાએ અખિલેશને ચેલેન્જ દીધી હશે કે “તમે અમારી સરકારનું શું ઉખાડી લેશો?”
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment