પેટ્રોલમાં ઘટ-ઘટ ... વધ-ઘટ ...


પેટ્રોલ-ડિઝલના ભાવમાં છેલ્લા છ-સાત દિવસથી જે 1 પૈસો, 7 પૈસા, 12 પૈસા, 20 પૈસા ઘટાડો થઈ રહ્યો છે. તે જોઈને અમુક લોકો ‘સાનંદાશ્ચર્ય’ હરખાઈ રહ્યા છે !

(એક મિનિટ. ‘સાનંદાશ્ચર્ય’ કોઈ સ્વામીજીનું નામ નથી ! એ અઘરો ગુજરાતી શબ્દ છે.
સ + આનંદ + આશ્ચર્ય = સાનંદાશ્ચાર્ય)

પણ આ સતત ઘટાડો જોઈને આપણે શું સમજવાનું ?...

***

સૌથી પહેલાં તો એ સમજી લો કે તાત્વિક રીતે વધ-ઘટની આ પેટર્ન સેંકડો દિવસોથી આવી જ રહી છે : વધ-વધ-વધ-ઘટ… વધ-વધ-વધ-ઘટ… વધ-વધ-વધ-વધ-ઘટ….

***

ક્યારેક એમાં ‘ઘટ-ઘટ-ઘટ-વધ’ની પેટર્ન આવશે. પણ ખાસ સમજી લો… ‘ઘટ-ઘટ-ઘટ’ વખતે 5-10 પૈસાની જ ઘટ-ઘટ હશે જ્યારે વધમાં એક વધ વડે 1 રૂપિયાનો ‘વધ’ થઈ જશે !

***

થોડા સમય પછી પેટ્રોલ-ડિઝલના ભાવોની વધ-ઘટ ઉપર સટ્ટો રમાતો થઈ જવાનો છે…

તે વખતે રોજ સવારે ‘ખુલતા-ભાવ’ આ રીતે ખુલશે. (પેટ્રોલના નહિ, સટ્ટાના) : આજે વધનો ભાવ - 35 પૈસા, ઘટનો ભાવ 25 પૈસા… આવતીકાલે ઘટનો ભાવ – 31 પૈસા, વધનો ભાવ 22 પૈસા…

***

એક મિનિટ યાર ! વચમાં ‘ઘટક-ઘટક’ના કર્યા કરો ! આ પેટ્રોલ છે, પાણી નથી ! ક્યાંક પેટમાં લંકા સળગી ઉઠશે !

***

બાકી, આ સિસ્ટમ જ્યારે આપણને કોઠે પડી જશે ત્યારે પેટ્રોલપંપો ઉફર જેનાં ‘ખાતાં’ ચાલતાં હશે એમના માટે પાટિયાં લટકતાં હશે :

“વધ-ઘટ લેવી-દેવી.”

***

અમુક આશાવાદી ભક્તો નવું સૂત્ર બનાવશે : “ઘટ ઘટ મેં હૈં પ્રાણ !”

***

સ્ટેન્ડ-અપ કોમેડિયનો શબ્દો સાથે ‘શ્ર્લેષ’ યાને PUN કરતા હોય છે. એ લોકો કહેશે “યાર, યે તો પેટ્રોલ કા PUN-ઘટ હો ગયા !”

***

અને જો ક્યારેક રાતોરાત પેટ્રોલ-ડિઝલના ભાવમાં એકસામટો 5-10 રૂપિયાનો ઘટાડો થઈ જાય, તો પેટ્રોલ-પંપો ઉપર જે વાહનોનો જોરદાર ધસારો થઈ જશે, એ બતાડતાં ન્યુઝ-ચેનલવાળા કહેશે :

“દેખિયે, યે કૈસા ‘જમ-ઘટ’ મચા હૈ !”

- મન્નુ શેખચલ્લી

Comments