ભાવેશ જોશી ધ પેપરબેગ સુપરમેન!

(ફિલ્મી, વેરી ફિલ્મી...)

હોલીવુડમાં બેઠેલા સુપરમેનને ખબર પડે છે કે ભારતમાં એક ભલતા જ મામૂલી નામવાળો સુપરમેન આવ્યો છે ! તે ચોંકી જાય છે અને હિન્દી ફિલ્મના બે જુના સુપરમેન G1 (શાહરુખ) અને ક્રીશ (રિતિક રોશન)ને બોલાવે છે.

શાહરુખ અને રિતિક બન્ને ડોબાઓ એમ સમજે છે કે આપણને હોલીવુડમાં હીરો બનવાનો ચાન્સ મળી ગયો ! બન્ને ફટાફટ પોતપોતાના ફિલ્મી સુપરમેન કૉસ્ચ્યુમો પહેરીને મુંબઈના કોઈ હાઈ-રાઇઝ ટાવર ઉપરથી ઉડે છે...

... પણ ઓગણપચાસમી સેકન્ડે બન્ને ધારાવીની ઝૂંપડપટ્ટીમાં એક ગંદકીથી ભરેલા ખાડામાં જઈને પડે છે !

છેવટે શાહરુખ અને રિતિક સીધા સાદા વિમાનમાં બેસીને હોલીવુડ જાય છે. સુપરમેન એમને પૂછે છે :

"હેય, ટુ મારા ઇન્ડિયા મેં યે બવેશ જોશાય કોન હાય ?"

"બવેશ નહીં, ભાવેશ" રિતિક સુધારે છે.

"બા... સોરી, ભા... વેશ" સુપરમેન માંડ માંડ સરખો ઉચ્ચાર કરતાં પૂછે છે "ઉસ કા મિનિંગ ક્યા હોટા હાય ?"

"ગોડ ઓફ હાઈ-પ્રાઈસ !"

રિતિક સમજાવે છે. "યુ સી, ભાવ મિન્સ, સેલિંગ પ્રાઈસ... એન્ડ ઈશ મિન્સ ગોડ ! ઇન્ડિયા મેં મહેંગાઈ બહોત ચલ રહી હૈ... ઇસલિયે યે ભાવેશ મહેંગાઈ કા ખુદા હૈ !"

"ઓવ ! ઓવ ! ધેટ્સ ઇન્ટ્રેસ્ટીંગ.. મેંગાઈ કા ખુડા !  "

સુપરમેન સ્હેજ હસીને પૂછે "મગર હમ ટો સોશિયલ મિડિયા મેં સુના કિ ઇન્ડિયા કા સુપરમેન  કોઈ મોદી હાય !"

"નોનોનોનો.... ઉં ! નો !" શાહરુખ બોલી ઊઠે છે. "મોદીજી કભી સુપરમેન નહીં બન સકતે! "

"કયું ?"

"કયું કિ વો અપની ચડ્ડી સહી તરીકે સે પહેનતે હૈં ! તુમ્હારી ઔર મેરી તરહ અપને લેંગિગ્સ કે ઉપર નહીં !"

'લેગિંગ્સ ? વોટ  લેગિંગ્સ !' સુપરમેન ભડકી ઉઠે છે "ધીસ ઇસ એ સુટ, મેન ! સુપરમેન્સ સુપર-સૂટ !"

"કાહે કે સુપેરસુટ ભૈયા ?"

રિતિક  અકળાઈને કહે છે "સાલા, જબ પીપી લગતી હૈ તો સુટ ઉતારને મેં ઇતની દેર લગ જાતી હૈ કિ સૂટ સે પહલે હમરી પીપી નિકલ જાતી હૈ !"

"ઠીક હાય,  ઠીક હાય..." સુપરમેન કહે છે "મગર એ જૉષી ક્યા હાય ?"

"જોશી મિન્સ જ્યોતિષી, યુનો ? ઉસ કો ફ્યૂચર દિખતા હૈ."

"વાઉ !"

"કંકોડાં વાઉ ?" રિતિક કહે છે " ફિલ્મ કે રાઈટર, ડિરેક્ટર, પ્રોડયુસર, કેમેરામેન, આસિસ્ટન્ટસ... સબ કો પતા થા કી યે ફિલ્મ ફ્લોપ હોનેવાલી હૈ ! સિર્ફ હર્ષવર્ધન કપૂર કો પતા નહીં થા !"

"ઓવ,  ઓવ,  ઓવ,  ઓવ.... ઇસી વજા સે પિક્ચર મેં મનોજ જોશી, દિલીપ જોશી, શરમન જોશી ઔર મુરલી મનોહર જોશી નહીં થે ?"

***

સુપરમેનની આવી સ્ટુપિડ વાતો સાંભળીને શાહરુખ - રિતિક કંટાળી જાય છે.

એમને ખાતરી થઇ જાય છે કે હોલીવુડની કોઈ મૂવીમાં એમને સુપરમેનની ચડ્ડી ધોવાનો રોલ પણ મળવાનો નથી. બન્ને ઉભા થઈને જતા રહેવાનું વિચારતા હોય છે ત્યાં સુપરમેન એમને રોકે છે.

"વન મિનિટ ગાઇઝ ! યે બવેશ જોશી કા સ્ટોરી ક્યા હાય, યે ટો બટાઓ ?"

રિતિક-શાહરુખ શોર્ટમાં સ્ટોરી સમજાવે છે કે ભાવેશ જોશીને ભવિષ્ય જોતા આવડતું હોય છે. એને ખબર હોય છે કે ભવિષ્યમાં એકાદ પર્યાવરણ દિવસથી પ્લાસ્ટિકની ઝભલા કોથળીઓ ઉપર બાન મુકાવાનો છે.

એટલે ત્રણ દોસ્તારો બ્રાઉન પેપરની કોથળીઓ જથ્થાબંધ ભાવે ખરીદી લે છે. પણ વરસો સુધી બાન મુકાતો જ નથી !

એટલે બ્રાઉન પેપર બેગ ઉપર આંખો અને મોં ચીતરીને એ લોકો રેડ સિગ્નલ તોડનારાને, ફૂટપાથ ઉપર મૂતરનારાને તથા ગમે ત્યાં કચરો નાંખનારાને બીવડાવીને એમનો વિડીયો ઉતારીને 'ઇન્સાફ'ની માંગણી કરતા ફરે છે.

જોકે એમનો મેઈન ટાર્ગેટ તો 'ભ્રસ્ટાચાર' હોય છે પણ ભ્રસ્ટાચાર કોઈ દિવસ રસ્તા ઉપર મૂતરતો કે રેલવેના પાટા ઉપર ટટ્ટી કરતો દેખાતો નથી.

આમ કરતાં કરતાં વરસો નીકળી જાય છે. બધી પેપરબેગો પણ ખલાસ થઈ જાય છે.

છેવટે ત્રણમાંથી એક ભાઈબંધ પોતાનો પાસપોર્ટ કઢાવવા માટે 2000 ની લાંચ આપે છે, ત્યારે પણ એને ભ્રસ્ટાચાર દેખાતો નથી.

આખરે  એમને મુંબઈની વોટર લાઈનમાં ભ્રસ્ટાચાર દેખાઈ જાય છે.

પણ પપેરબેગો ખલાસ થઇ ગઈ હોવાથી એક દોસ્તનું મર્ડર થઇ જાય છે. બીજાનું અલમોસ્ટ મર્ડર થાય છે અને ત્રીજો પ્લાસ્ટિકની કોથળીઓ વાપરતો હોવાથી તે બચી જાય છે..... ધી એન્ડ.

- મન્નુ શેખચલ્લી

Comments