અમારા મહેસાણાવાળા બકાને ક્યારેક ‘પાયાના’ સવાલો થાય છે. (ધોકાના નહિ.) આજકાલ તો એના પાયાના સવાલો એટલા બધા વધી ગયા છે કે ‘છાપરે’ પહોંચી ગયા છે ! લો, સાંભળો….
***
મન્નુભાઈ, પેટરોલ ને ડિઝલના ભાવ વધે છે તાણે તો રાતોરાત ૧ રૂપિયો ને દોઢ રૂપિયો વધી જાય છે. પણ હાહરા ઘટે છે તાણે દશ પૈશા ને પંન્નર પૈશા જ ઘટે છે !
…. હાહરું, એવું ચેવું, હેં ?
***
મુંબઈમાં વરશાદ પડે તાણે આખા દેશનોં ટીવીમોં ‘બારિશ… બારિશ’ કરી મેલે છે, પણ ત્યોં ચેરાપૂંજીમોં જ્યોં અગાડી આખા દેશનો હૌથી વધારે વરશાદ પડ છે, ઈંના ઓંકડા તો કદી બતાડતા જ નહીં !
… હાહરું, એવું ચેવું, હેં ?
***
રેડિયોમોં આકાસવોંણી (આકાશવાણી)ના શમાચાર હોંભરો તો રોજ પે’લ્લા વાક્યમાં ઈમ જ બોલવાના કે ‘ભારત કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ને કહા હે….’
… હાહરું એવું ચેવું, હેં ?
***
રેલવેના એકશીડંટમોં મરી જોંય, પૂર આવે તાણે ડૂબીને મરી જોંય, અરે મન્નુભઈ, લઠ્ઠાકોંડમોં ઈલ્લીગલ ઝેરી દારૂ પીને કોઈ મરી જોંય તોય શરકાર બે થી પોંચ લાખ રૂપિયા આલ છ. પણ હાહરું કોઈ ગરમીમોં ‘લૂ’થી મરી જોંય તો એક પૈશોય નહીં આલતોં !
… હાહરું એવું ચેવું, હેં ?
***
અને મન્નુભઈ, તમીં ખાસ દેખજો. શરકારના ભલભલા ખાતાનાં કર્મચારીઓ લોંચ લેતોં પકડઈ જાય છે, પણ લોંચ રૂશ્વત ખાતાનો એકેક્ય કર્મચારી કદી લોંચ લેતે નહીં પકડાતો !
… હાહરું એવું ચેવું, હેં ?
***
મન્નુભઈ, જે ભિખારી આપડોંન આસીરવાદ આલ છે કે “ભગવોંન તમોંને ધનદોલત ને ગાડી બંગલો આલશીં…” એ જ ભિખારીને ભગવોન તો કશુંય આલતો જ નહીં !
… હાહરું એવું ચેવું, હેં ?
***
અને મન્નુભઈ, કોઈ ગરીબને કેન્સર થઈ જાય તો લોકો કહેશીં “જેવોં બચાડાનોં નશીબ….” પણ કોઈ પૈશાવાળાને કેન્સર થશીં તો લોકો તરત કહેશીં કે “આ તો ઈનોં પાપ બોલે છ !”
… હાહરું એવું ચેવું, હેં ?
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment