દ્રશ્ય પહેલું….
સવાર સવારનો ટાઈમ છે. એક કાકા બગીચાના બાંકડા પર બેસીને છાપું વાંચતાં વાંચતાં આંગળીના વેઢાઓ ઉપર ગણત્રી કરી રહ્યાં છે
“સાલું, બહુ કહેવાય હો ? વિજય માલ્યાના 4000 કરોડ, નીરવ મોદીના 13,500 કરોડ, પેલા મેહુલ ચોક્સીના 4600 કરોડ… હજી તો રોટોમેકના ગણવાના બાકી… ICICI બેન્કનો આંકડો કેટલો નીકળશે ?... બહુ કહેવાય હોં ?”
કાકા બિચારા ટેન્શનમાં આવીને છાપાની ગડી વાળીને કપાડે બાઝેલો પસીનો સૂકવવા પંખો નાંખતા ફરી ગણવા લાગે છે. “ચાર હજાર, ને સાડા તેર હજાર, ને નવ હજાર….”
ત્યાં અચાનક પાછળથી જાણે મદારીની બીન વાગતી હોય એવો અવાજ આવવા લાગે છે!
કાકા વિચારમાં પડી જાય છે. સાલું, સવાર સવારમાં બગીચામાં મદારી ક્યાંથી આવ્યો ? કાકા ઊભા થઈને આજુબાજુ જુએ છે… પણ દૂર દૂર સુધી કોઈ મદારી દેખાતો નથી.
છતાં બીન હજી વાગી રહી છે !
કાકા હવે જરા ગભરાવા લાગ્યા છે. ત્યાં પાછળથી અચાનક કોઈ નાગણ ફૂંફાડા મારતી હોય તેવો અવાજ આવે છે ! સાથે સાથે ભેદી સૂરમાં કોઈ બોલી રહ્યું છે : “ના…. ગિન ! ના…ગિન ! ના…ગિન !”
કાકા ગભરાઈને બેહોશ થઈ જાય છે…
***
દૃશ્ય બીજું….
મધરાતનો સમય છે. સૂમસામ રોડ ઉપર રાતના સન્નાટાને ચીરતી એક પોલીસ જીપ ધસમસતી જઈ રહી છે. કેમેરો તેની પાછળ પાછળ જ છે…
જીપ જઈને એક ભેદી, રહસ્યમય લાગતા મકાન પાસે ઊભી રહે છે. એક ઇન્સપેક્ટર જીપમાંથી નીકળી ઝડપી ડગલાં ભરતો અંદર જાય છે. કેમેરો તેની પાછળ પાછળ છે. અંદર અંધારું છે પણ ઠેર ઠેર ટીવી સ્ક્રીનો ઉપર આખા શહેરમાં લગાવેલા સર્વેલન્સ કેમેરાનાં દૃશ્યો ચાલી રહ્યાં છે.
કેમેરો ફરતો ફરતો, એ સર્વેલન્સ કેમેરાનાં દૃશ્યો ઝીલતો ઝીલતો, એક દિવાલ ઉપર લગાડેલા બોર્ડ પાસે આવીને અટકે છે. બોર્ડ ઉપર લખ્યું છે : “CRIME PETROL, DIESEL, KEROSENE, GAS, LPG, CNG, ETC. ETC….”
કેમેરો નીચે ઝૂકે છે. અહીં પેલો ઇન્સ્પેક્ટર આવીને એક રહસ્યમય છતાં બોસ જેવા લાગતા ગોગલ્સધારી માણસને સલામ મારતાં કહે છે :
“બોસ, શહેરમાં કોઈ નાગિનનો ખૌફ બહુ ઝડપથી ફેલાઈ રહ્યો છે… ઠેર ઠેર લોકો ડરના માર્યા બેભાન થઈ રહ્યા છે !”
“પતા કરો, વો નાગિન કહાં છૂપી હૈ ?”
“સર, વહી તો પતા નહીં ચલતા ! સિર્ફ બીન બજતી હૈ ઔર આવાઝ આતી હૈ… ના….ગિન ! ના…ગિન !”
***
દૃશ્ય ત્રણ, ચાર, પાંચ, છ, સાત…
દેશનાં જુદાં જુદાં શહેરોમાં ભેદી ઘટનાઓ બની રહી છે… કર્ણાટકમાં ભાજપની ઓફિસમાં કોઈ ગણત્રી કરી રહ્યું છે. “110…109….108…107…106….105…104… અરેરે ! ઓન્લી 104 ?”
ત્યાં પાછળથી બીન વાગવા લાગે છે ! પછી નાગિનના ફૂંફાડા જેવો અવાજ સંભળાય છે : “ના…ગિન ! ના…ગિન ! ના…ગિન !”
પેલી બાજુ દિલ્હીની કોઈ સરકારી ઓફિસમાં બેન્કોની NPA કેટલે પહોંચશે તેની ગણત્રી થઈ રહી છે : “50 હજાર કરોડ, 80 હજાહ કરોડ, 1.10 લાખ કરોડ…”
ત્યાં પેલી ભેદી બીન વાગવા લાગે છે ! ઉપરથી આખી ઓફિસમાં સંભળાય એવા ઊંચા અવાજે નાગિનના ફૂંફાડા સંભળાય છે : “ના…ગિન ! ના…ગિન !”
કોઈ દેશમાં થતા બળાત્કારોનો આંકડો ગણે છે. કોઈ બેરોજગારોની સંખ્યા ગણે છે, કોઈ વધતી ગુનાખોરીના આંકડા ગણે છે…. પણ દર વખતે બીન વાગે છે અને સંભળાય છે : “ના…ગિન ! ના…ગિન !”
***
દૃશ્ય છેલ્લું
એક ઠાઠીયું સ્કૂટર ચલાવતો આમ આદમી પેટ્રોલપંપ પાસે આવતાં ગણી રહ્યો છે. “1 પૈસો… 7 પૈસા....1૩ પૈસા…16 પૈસા…”
ત્યાં પાછળથી ખુશીથી છલકતો ફૂંફાડો સંભળાય છે : “ગિન ! ગિન ! ગિન !!”
છેલ્લે ટાઈટલ્સમાં…
એવું લખેલું આવે છે કે “સૂત્રોં સે પતા ચલા હૈ કિ નાગિન કા તો કોઈ પતા નહીં ચલા, મગર માના જાતા હૈ કિ વો મોદી-ભક્ત હૈ !”
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment