રેસ-3નો 'પ્રોત્સાહક' રિવ્યુ !


ફિલ્મી, વેરી ફિલ્મી…

જુઓને, બિચારી 'રેસ-3' ફિલ્મનાં બધાએ રીવ્યુ લખી લખીને છોતરાં ફાડી નાખ્યાં છે ! એટલે જ અમને થયું કે બિચારા સલમાન ખાન અને ડિરેક્ટર રેમો ડીસોઝાને જરા પ્રોત્સાહન મળે એટલા ખાતર તેનો સારો રીવ્યુ લખવો જોઈએ...

***

પ્લસ-પોઇન્ટ નંબર : 1.... સ્ટોરી 

જુઓ ભાઈ, 156 મિનિટની ફિલ્મમાં 40 મિનિટ તો કાર, બાઈક, ટ્રક, હેલિકોપ્ટર વગેરેની મારફાડ ચેઇઝ ચાલે છે. 45 મિનિટ ફાઇટમાં જાય છે (એમાંય મશીનગનો, પિસ્તોલો, કૂંગ-ફૂ, કરાટે, બૉમ્બ-બ્લાસ્ટ બધુ જ છે) આ ઉપરાંત 30 મિનિટ ગાયનોમાં જાય છે. 5 મિનિટ એન્ડ ટાઇટલ્સમાં, 3 મિનિટ શરૂઆતના ટાઇટલ્સમાં, 1 મિનિટ પ્રોડક્શન કંપનીના બેનરો અને સ્પોન્સરોના લોગો બતાડવામાં જાય છે અને બીજી 2 મિનિટ ગુટખા - કેન્સરવાળી એડમાં જાય છે...

તો રહી કેટલી મિનિટ ? 31 મિનિટ ! હવે તમે જુઓ કે આ 31 મિનિટની વાર્તા ખરેખર એટલી કોમ્પ્લિકેટેડ છે કે ત્રણ-ત્રણ વાર કહેવી પડે છે ! અને ત્રણેય વાર એનાં અલગ-અલગ વર્ઝનો અને અલગ-અલગ સસ્પેન્સો છે !

એ તો ઠીક, પણ સ્ટોરીનું એક  વર્ઝન તો એવું છે કે એમાં બોબી દેઉલ એની સગી કઝિન સિસ્ટર જોડે સેક્સી લફરું કરીને બેઠો છે, તે વાતની ખુદ બોબી દેઉલને જ ખબર નથી હોતી !

***

પ્લસ-પોઇન્ટ નંબર : 2.... બોબી દેઉલ

અરે યાર, બોબી દેઉલ રોકસ ! માન્યું કે એના ડાચાં પર કરચલીઓ પડી ગઈ છે અને ગળાની નસો ફૂલી ગઈ છે, પણ બોસ, શું મસલ્સવાળુ બોડી બનાવ્યું છે !

એ તો ઠીક, પણ બોલો, દરેક ફિલ્મમાં સલમાન કોને ઈમ્પ્રેસ કરવા પોતાનું શર્ટ ઉતારી નાંખે છે ? હિરોઈનને બતાડવા માટે ને ? પણ આ ફિલ્મમાં સલમાન ખુદ બોબી દેઉલને બતાડવા માટે પોતાનું ટી-શર્ટ ફાડી નાંખે છે.

***

પ્લસ-પોઇન્ટ નંબર : 3.... ગર્લ્સ રેસલિંગ

'દંગલ'ની છોકરીઓની કુશ્તી તે કંઈ કુશ્તી હતી ? અહીં 'રેસ-3'માં જેકવેલિન ફર્નાન્ડીસ અને ડેઈઝી શાહ વચ્ચે જે 'ફાઇટ' થાય છે એવી ઇન્ડિયન સ્ક્રીન ઉપર ક્યારેય નથી આવી !

બોસ, બન્ને છોકરીઓ ફાઇટ કરતાં કરતાં એમના બન્ને પગ આગળ-પાછળ 180 ડિગ્રીએ જે રીતે પહોળા કરી નાંખે છે... એમાં તો આલિયા-ફાલિયા કે શ્રદ્ધા - બધ્ધાનું કામ જ નહિ ! (એ બિચારીઓ એક્ટિંગ કરી જાણે, ફાઇટ નહીં, સમજ્યા ?)

***

પ્લસ-પોઇન્ટ નંબર : 4.... એર-ડાઇવિંગ

તમે કદી સલમાનને હવામાં ઉડતો જોયો છે ? અને એ પણ કોઈ 50 માળના બિલ્ડિંગની ટોચ ઉપરથી છેક 30 કિલોમીટર દૂર આવેલા હથિયારોના ગોડાઉન સુધી ? આ તમને ફક્ત 'રેસ-3'માં જ જોવા મળશે !

એ તો ઠીક, અહીં તો સલમાન અને જેકલીન 'સજોડે' પણ આવી 'એક્શન-ફ્લાઈટ' કરી બતાડે છે ! કારણ કે એ બન્ને જણા પોતાના ખિસ્સામાં હંમેશાં એક 'એવેન્જર્સ' ટાઇપનો ઓટો-ઇન્ફ્લેટેબલ સૂટ લઈને ફરે છે, જેના વડે તમે ધારો તો હવામાં ફૂટબોલ પણ રમી શકો !

***

પ્લસ-પોઇન્ટ નંબર : 5... ફોટોગ્રાફી, કુરિયોગ્રાફી, એક્શન

'રેસ-3'માં ટોપ ગ્રેડનું એકશન છે. બેસ્ટ ક્વોલિટીનું ફોટોગ્રાફી છે, હાઈ-સ્ટાન્ડર્ડ કુરિઓગ્રાફી છે... સુપર્બ લોકેશનો છે. (મોંગોલિયા,. સ્વિત્ઝરલેન્ડ અને ગલ્ફ કન્ટ્રીના યલો ડેઝર્ટ સહિત) સોને પે સુહાગાની જેમ 'અલ્લા દુહાઈ હૈ..'નું નવું રિ-મિક્સ  વર્ઝન પણ ટનાટન છે.

***

માઈનસ પોઇન્ટ... એક જ છે !

સીરિયસનેસ ! અરે ફિલ્મમેકરોની નહિ, તમારી ! યાર, અમને ખબર છે કે તમે અમારા રિવ્યૂને સિરિયસલી લેવાના જ નથી...

બાકી, જો આ જ પોઈન્ટો ગણાવીને પેલા રેગ્યુલર રિવ્યૂ લખનારાઓએ 'રેસ-3'નાં વખાણ કર્યાં હોત, (ભલે એકાદ-બે ભૂલો બતાડીને) તેને 3 સ્ટાર કે 3.5 સ્ટાર આપ્યા હોત, તો તમે ફિલ્મ જોઈ જ આવ્યા હોત ને ?

બસ ત્યારે...

- મન્નુ શેખચલ્લી

Comments