ગેંગસ્ટર બન ગયા ઈન્ટેલેક્ચ્યુઅલ ! પાર્ટ -1


એનું નામ મદન બેટરી. બેટરી એટલા માટે કે એને જાડા કાચના ચશ્મા હતા.
એ હતો ડોનનો રાઈટ હેન્ડ ગેંગસ્ટર. એનું મેઈન કામ ખંડણી ઉઘરાવવા માટે ભપકી આપવાનું.

એક તો બળી ગયેલા નાળિયેર જેવો ખરબચડો કાળો ચહેરો, ઉપરથી નાના પાટેકર અને પૃથ્વીરાજ કપુરનું મિક્સ્ચર હોય એવો ખતરનાક અવાજ. કોઈ કાચાપોચાને ફોન ઉપર ધમકી આપે તો બિચારો 30મી સેકન્ડે મૂતરી પડે.

મદન બેટરીની લાઈફ સેટ થઈ ગઈ હતી. પણ એક દિવસ એને ‘ઇન્ટેલેક્ચુઅલ’ બનવાની ધૂનકી ચડી.

વાળ તો જિંથરા જેવા હતા જ, ઉપરથી દાઢી વધારવાની ચાલુ કરી. બાકી હતું તે હેન્ડલૂમના ઝભ્ભા પહેરવાનું ચાલુ કર્યા અને ચશ્માની જાડી બોર્ડરની ફ્રેમ ઠઠાડી.

ડોનને થયું કે આ સાલા મદન ચિકનાને થયું છે શું ? પણ પછી લાગ્યું કે હશે, આ તો અનુરાગ કશ્યપનાં પિક્ચરો જોઈને એકાદ નવો લુક અપનાવ્યો હશે. પણ એક દહાડો ડોન ચોંકી ગયો.

મદન બેટરીએ આવીને કહ્યું “બોસ, અપુન યે જો કરોડપતિ પાર્ટી કો ભપકીયાં દે દે કર વસૂલી માંગને કા ધંધા કરતે હૈં ના, વો ગલત હૈ.”

“ગલત ?” ડોન ચોંક્યો. “સાલે, ઇસ મેં ગલત ક્યા હૈ ?”

“બોલે તો…” મદન બેટરી જાડા ચશ્મા એડજસ્ટ કરતાં સિરિયસલી બોલ્યો : “ઇસ મેં માઈનોરીટી કુ અન્યાય હો રૈલા હૈ.”

“માઈનોરીટી ? વો ક્યા હોતા હૈ ?”

“માઈનોરીટી બોલે તો, લઘુમતી બોસ.”

ડોન એની પોચી સીટમાંથી બે ફૂટ અધ્ધર ઉછળ્યો. “અબે બેટરી કે ! અપણે ધંધે મેં લઘુમતી બહુમતી સબ બરોબર હૈ ! તૂ દેખતા નંઈ ? તુમ જિતને ભી ટપોરીલોગ હો. સબ અપણા અપણા ધરમ પાલતે ચ હો ના ? સાલા, કોઈ ગોલી ચલાને સે પહલે ભગવાન કા નામ લેવે યા અલ્લા કા, મેરે કુ ક્યા ફરક પડતા હૈ ?”

“વૈસે નંઈ…” મદન બેટરીએ ઝભ્ભાના ખિસ્સામાંથી છાપાનું એક કટિંગ કાઢતાં કહ્યું :

“દેખો… ઇસ મેં લિખેલા હૈ કિ ભારત મેં બિલિયોનેર લોગ કી સંખ્યા ખાલી સવા દો કરોડ હૈગી ! અબી તુમ સોચો બોસ, અખ્ખા ઇન્ડિયા કી બસ્તી સવા કરોડ… ઔર ઉસ મેં બિલિયોનેર સિરિફ સવા દો કરોડ ! તો વો લઘુમતી હુઈ કે નંઈ ?”

બોસને થયું કે આ મદન બેટરીને હમણાંને હમણાં કચકચાવીને બે લાફા ઠોકી દે. પણ શું થાય ? સાલો ચાર જ ભપકીમાં 40 કરોડની ખંડણી લઈ આવતો હતો. બોસે દાંત ભીંસીને પોતાનો ગુસ્સો કાબુમાં રાખતા પૂછ્યું “તો ? અબી ક્યા કરને કા ?”

“બોલે તો… લઘુમતી કો તો પ્રોટેક્સન દેના મંગતા ના ? આખિર ઉન લોગ ભી ઇન્સાન હૈ ના ?”

“એક મિનિટ !! એક મિનિટ !!” બોસે પોતાની ગન કાઢીને તેના નાળચા વડે માથું ખંજવાળવા માંડ્યુ “મેરે કુ સોચને દે…”

આખરે સવા બે મિનિટ માથું ખંજવાળ્યા પછી ડોનને આઈડિયા આવ્યો. “અબે મદન બેટરી, તૂ યે જો પૈસા વસૂલી કરતા હૈ, ઉસકુ ઇંગ્લીશ મેં ક્યા બોલતે હૈ ?”

મદન બેટરી ઇન્ટેલેક્ચ્યુઅલ બનવા માટે ઓલરેડી ઇંગ્લીશ શીખવા લાગ્યો હતો. તેણે તરત જ ક્હયું “પ્રોટેક્શન મની !”

“બસ !” બોસે પોતે જ પોતાના હાથે તાળી મારતાં કહ્યું “તો હો ગયા ના માઈનોરીટી કા પ્રોટેક્શન ?!”

***

મદન બેટરીનો ઇન્ટેલેક્ચ્યુઅલ બનવાનો પહેલો પ્રયાસ સફળ થયો કે નિષ્ફળ તેની એને પોતાને જ સમજ ના પડી. છતાં એણે કોશિશ છોડી નહીં.

ભપકી આપવાના કામમાંથી એ નવરો પડે કે તરત બુધ્ધિજીવી લોકોના અડ્ડાઓ ઉપર પહોંચી જતો.

પહેલાં એ માત્ર દારૂ પીતો હતો હવે એ દારૂ પીને ટલ્લી થતા પહેલાં બ્લેક કોફી પીતો થઈ ગયો.

પહેલાં એ મસલ્સ બનાવવા માટે વેઈટ-લિફ્ટીંગ કરતો હતો. હવે એ બબ્બે ચાર-ચાર કિલોની જાડી જાડી ચોપડીઓ લઈને ફરવા માંડ્યો.

પહેલાં એ ‘ગેગ્સ ઓફ વાસેપુર’ જેવી ફિલ્મોમાં બોલાતી ગાળો સાંભળીને ખીખી ખીખી કરીને હસ્યા કરતો હતો. હવે એ ‘અન્ડરડોગ ક્રિમિનલન્સનાં પેથોઝ એન્ડ ઈથોઝ’ એવું બધું સમજવાની કોશિશ કરતો થઈ ગયો હતો.

એક દિવસ તેને નવો મુદ્દો જડી ગયો. તે સીધો એના ડોન પાસે જઈને કહેવા લાગ્યો. “બોસ, અપન કે ધંધે મેં બહોત ‘જેન્ડર બાયસ’ ચલ રૈલા હૈ !”

“ક્યા ક્યા ક્યા ? જેન્ટલ ? ક્યા ?”

“જેન્ટલ નંઈ બોસ, જેન્ડર બાયસ… બોલે તો અપની લાઈન મેં નારી કા કોઈ ઇસ્થાન નહીં હૈ !”

“અબે….” ડોનની ખોપડી ઠનકી ગઈ. “સાલે, મૈં ગલીયોં મેં રાડા કરવાને કે લિયે લડકીયાં કિધર સે લાઉં ? છૂરાબાજી, આગજની, દાદાગિરી, હુલ્લડબાજી યે સબ કે લિયે છોકરીયોં કા કોઈ કોલેજ ચલતા હૈ  કિ મૈં વહાં સે રિક્રુટમેન્ટ કરું ?”

“નહીં કરતે હૈં, તો કરના ચાહિયે બોસ, ક્યું કિ યે તો નારીયોં કો સરાસર અન્યાય હો રહા હૈ..." મદન ચિકનાએ સિરિયસ ડાચું બનાવીને લેક્ચર ફાડવા માંડ્યું:

"દુનિયા કે એક મહત્ત્વપૂર્ણ વ્યવસાય મેં યદિ નારીયોં કો ઈસી તરહ સે અસ્પૃશ્ય માના જાયેગા તો ઇતિહાસ હમેં કભી માફ નહીં કરેગા… સમય આ ગયા હૈ કિ હર ડોન અપના હાથ નારીયોં કી તરફ બઢાયે ઔર…”

“અબે ચૂપ ! ચૂપ ! ચૂપ !!” ડોન આ વખતે મોટી મશીનગન ઉપાડીને પોતાનું માથું ખંજવાળવા લાગ્યો.

પુરી સત્તાવીસ મિનિટ પછી એને લાઈટ થઈ. એણે ચપટી વગાડી. ‘એ મદન બેટરી… સુન ! યે જો પુરા… વો ક્યા કહતે હૈ… રેડ-લાઈટ એરિયા કા બિઝનેસ હૈ, ઉસ મેં સબ સે જ્યાદા એમ્પ્લોયમેન્ટ કિસ કો મિલ રૈલા હૈ ? અરે, નાચ-નચનિયા કે કોઠે પે ભી રિક્ર્ટુમેન્ટ કિસ કા હોતા હૈ ? યે તો છોડ, ઇસ લાઈન બોસ-લોગ ભી મુન્નીબાઈ ઔર કમ્મોબાઈ ટાઈપ કી નારીયાં ચ હૈં !’

ડોને જે રીતે છેલ્લી વાર ‘નારી’ શબ્દ વાપર્યો એ મદન બેટરીને સહેજપણ પસંદ ના પડ્યો. એ ડોનની દલીલોથી છોભીલો તો પડી ગયો પણ એેને સામી કોઈ દલીલ સુઝી નહિ.

***

બિચારો મદન બેટરી દિવસો લગી મુંઝાતો રહ્યો. પોતે ઇન્ટેલેક્ચ્યુઅલ બની રહ્યો છે તેનો પરચો શી રીતે બતાડવો ? આખરે એક નવો ઉપાય મળી ગયો. એ સીધો ડોન પાસે પહોંચી ગયો.

“બોસ, મૈં અપના એવોર્ડ વાપસ કરને આયા હું !”

“એવોર્ડ ?” ડોન ગુંચવઈ ગયો. “કૌન સા એવોર્ડ ?”

“યહી… ‘બેટરી’ નામ કા એવોર્ડ !” મદન બેટરીએ સમજાવવા માંડ્યું :

“લોગ મેરે કુ મદન ‘બેટરી’ બુલાતે હૈં, કીસી કો અબ્દુલ ‘કાણિયા’ બુલાતે હૈં. કિસી કો ચંદન ‘ચિકના’, કિસી કો રાજુ ‘કાલિયા’ તો કિસી કો ભોપા ‘ગંજેરી’… મગર આજ સે રોજ એક ટપોરી અપના એવોર્ડ વાપસ કરેગા…”

ડોન ધ્રુજ્વા લાગ્યો. તેને કલ્પના નહોતી કે આગળ શું શું થવાનું હતું…

(ક્રમશઃ)

Comments