પેટ્રોલના ભાવમાં ભડકા થવાના શરૂ થઈ ગયા છે. જો આમ જ ચાલશે તો બીજે બધે તો ઠીક, પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કેવા કેવા સીન જોવા મળશે ?
***
પ્રોડ્યુસર : (આસિસ્ટન્ટને) અલ્યા, સલમાન ખાન જોડે પૈસાની વાત થઈ કે નહીં ?
આસિસ્ટન્ટ : બોસ, સલમાન બહુ ઊંચી પ્રાઈસ માગે છે.
પ્રોડ્યુસર : કેટલા માગે છે ? વીસ કરોડ? પચ્ચીસ કરોડ? ત્રીસ કરોડ?
આસિસ્ટન્ટ : ના બોસ, એ તો કહે છે કે હું જીવું ત્યાં સુધી તમારે મારી તમામ કારોમાં પેટ્રોલ પુરી આપવાનું !
પ્રોડ્યુસર : હેં ? (બેભાન થઈ જાય છે.)
***
(પ્રોડ્યુસર રોહિત શેટ્ટી પાસે આવે છે.)
પ્રોડ્યુસર : રોહિતભાઈ, ફિલ્મનું બજેટ 20 કરોડ જેટલું ઘટાડવું પડશે.
રોહિત : એવું છે ? તો એક-બે આઈટમ સોંગ કાઢી નાંખીએ.
પ્રોડ્યુસર : ના ના, ગાયનો તો હિટ થશે.
રોહિત : તો પછી થોડી સસ્તી સ્ટાર-કાસ્ટ લઈ લેવી છે ?
પ્રોડ્યુસર : ના રોહિતભાઈ, પછી તો ફિલ્મ જોવા આવશે કોણ ?
રોહિત : તો એક કામ કરો. રજવાડી ઠાઠવાળા ભવ્ય સેટ કાઢી નાંખીએ.
પ્રોડ્યુસર : ના ના, ઝાકમઝાળ તો જોઈએ ને !
રોહિત : તો શું કરીએ ?
પ્રોડ્યુસર : એક આઈડિયા છે. લાસ્ટમાં વિલનને પકડવા માટે જે 18 મિનિટની કાર-ચેઝ ચાલે છે એમાં કારોને બદલે ઘોડા લઈ લઈએ તો ? પેટ્રોલના કરોડો રૂપિયા બચી જશે !
***
વિલન અજીત : માઈકલ, તુમ એક કામ કરો. હીરો કો તાલાબ મેં ડાલ દો ઔર ઉપર પેટ્રોલ છિડક કે આગ લગા દો…
માઈકલ : ઉસ સે ક્યા હોગા ?
અજીત : આગ સે બચને કે લિયે વો પાની મેં જાયેગા તો ડૂબ જાયેગા… ઔર બહાર નીકલેગા તો આગ સે જલ જાયેગા ! હા... હા... હા...
(માઈકલ જાય છે. થોડી વારમાં હાંફળોફાંફળો પાછો આવે છે.)
માઈકલ : બોસ બોસ ! વો તો ભાગ ગયા… ઈતના હી નહી… વો મોદી-ભક્ત બન ગયા !
(અજીતના મોં ઉપર આઘાત, આશ્ચર્ય અને ગુંચવાડો છવાઈ જાય છે.)
અજીત : …. મ ….. મ…. મોદી ભક્ત ? વો કૈસે ?
માઈકલ : બોસ, તાલાબ મેં પાની નહીં થા ઔર ટંકી મેં પેટ્રોલ ભી નહીં થા !
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment