અનુષ્કાનું 'વિરાટ' ટેન્શન!


IPLમાં વિરાટ કોહલીની ટીમ 10માંથી 7 મેચો હારી ગઈ ! આમાં બિચારી અનુષ્કાને ટેન્શન થઈ રહ્યું છે…

***

અનુષ્કાએ વિરાટ કોહલીને પૂછ્યું  “યાર, તારી ટીમ કેમ સતત હારી રહી છે ?”

કોહલી કહે છે “એમાં શું છે, મોટા ભાગના પ્લેયરોનાં ફોર્મ જ બરાબર નથી.”

અનુષ્કાએ તરત જ કહ્યું “લે, તો પહેલેથી જ એમનાં ફોર્મ સરખી રીતે ભરાવી લેવાં જોઈએ ને ?”

***

અનુષ્કા તો ટીમના ખેલાડીઓ પાસે પહોંચી ગઈ. “યાર, પ્રોબ્લેમ શું છે ?”

પહેલાં તો કોઈ કંઈ બોલ્યું જ નહીં પણ પછી એક વિદેશી પ્લેયરે અનુષ્કાને સાઈડમાં લઈ જઈને કહ્યું, “મેડમ, આમાં વાંક સિધ્ધાર્થ માલ્યાનો છે.”

“વિજય માલ્યાનો દિકરો સિધ્ધાર્થ માલ્યા ? એ તો લંડનમાં બેઠો છે.”

“હા, પણ ટીમની માલિકી એની જ છે ને ? અમે અહીં આવ્યા ત્યારે અમે પૂછેલું કે તમે ટીવીમાં જે મસ્ત મસ્ત પીણાંની જાહેરખબરો બતાડો છો એનો સ્ટોક અમને સતત મળતો રહેશે ને ?”

અનુષ્કા સમજી ગઈ “અચ્છા, બિયર વ્હીસ્કી વગેરે ને !”

“હા, પણ એમાં અમારું ચિટિંગ થઈ ગયું.”

“શી રીતે ?”

“ટીવીમાં જેની એડ આવે છે એ જ પ્રોડક્ટો મળે છે… કિંગફીશર મિનરલ વોટર, મેકડોનાલ્ડ સોડા અને રોયલ ચેલેન્જ આઈસ ક્યુબ્સ !”

***

સાતમી મેચ હારી ગયા પછી વિરાટ પાછો ઘેર આવ્યો ત્યારે અનુષ્કાનું મોં ફૂલી ગયું હતું. “વિરાટ, તારે લીધે મને લાખો રૂપિયાનું નુકસાન થઈ ગયું !”

“વોટ ધ હેલ ! તેં સટ્ટો લગાડ્યો હતો ?”

“ના, પણ તમે લોકો સવારે કહેતા હતા ને કે આ મેચ આપણા માટે ‘ડુ ઓર ડાઈ’ છે…”

“હા, તો ?”

“તો શું ? તમારા બધાનો મેં જીવનવીમો ઉતરાવ્યો હતો… પણ તમે કોઈ મર્યા જ નહીં !”

***

આખરે, એક સાંજે અનુષ્કા એકદમ ઉત્તેજીત થઈને દોડતી ઘરમાં આવી.

“વિરાટ ! તારી ટીમ કેમ ફ્લોપ જાય છે એનું કારણ મને મળી ગયું !”

“શું ?”

“કર્ણાટકમાં ચૂંટણીઓ છે ને ? તો પેલા રાહુલબાબા લોકો આગળ દેખાડો કરવા માટે બેંગલોરની તમામ મેચો ટીવીમાં  જોવા બેસી જાય છે !”

- મન્નુ શેખચલ્લી

Comments