ઠેર ઠેર રમૂજી સૂચનાઓ !


આજકાલ સિગારેટથી માંડીને મ્યુચ્યુઅલ ફંડ સુધીની તમામ ચીજો ઉપર ગંભીર સૂચનાઓ હોય છે. અમને લાગે છે કે યાર, લોકોની લાઈફને હળવી કરવા માટે થોડી રમૂજી સૂચનાઓ પણ હોવી જોઈએ….

***

સોફ્ટ ડ્રીંકની બાટલીના નીચેના ભાગે મોટા અક્ષરે લખવું. “ભાઈ, પેલી બાજુથી ખોલવાની છે !”

***

ફિલ્ટરવાળી સિગારેટના તમાકુવાળા છેડા તરફ ઝીણા અક્ષરે લખો : “બહેતર લિજ્જત માટે આ છેડો સળગાવીને પીઓ.”

***

અને ફિલ્ટર વિનાની સિગારેટ ઉપર વચ્ચોવચ વંચાય તેવા અક્ષરે લખો : “જો બે જણા આ સિગારેટ પીવા માગતા હોય તો પણ એક જ છેડો સળગાવવાનું સારું રહેશે !"

***

એ જ રીતે ‘બેબી પાઉડર’ના ડબ્બા ઉપર સૂચના હોવી જોઈએ કે “ઈસ મેં બેબી શામિલ નહીં હૈ !”

***

સ્ટેશનરીની દુકાનોમાં મળતી નોટબુકો ઉપર સ્પષ્ટ અક્ષરે લખવું જોઈએ કે “આને વાંચવાનો પ્રયત્ન કરવો નહિ, કારણ કે એમાં હજી કશું લખ્યું જ નથી!

***

આધુનિક કવિતાના પુસ્તક પાછળ સ્પષ્ટ અક્ષરે છાપી રાખવું :
“આ કવિતાઓનો જાહેરમાં ઉપયોગ કરતાં પહેલાં પોલીસ રક્ષણ મેળવી લેવું હિતાવહ છે !”

***

“ડૉ. ફિક્સ-ઈટ”ના ડબ્બા ઉપર જરૂરથી લખવું : “અમારે આઈપીએલ સાથે કોઈ સંબંધો નથી.”

 ***

… અને ચૂંટણી ઢંઢેરાની બુકલેટના છેલ્લા પાને સાવ ઝીણા અક્ષરે, કોઈક ખૂણામાં લખી નાંખવું કે,

“વેલિડ અપ ટુ રિઝલ્ટ્સ ઓન્લી !”

- મન્નુ શેખચલ્લી

Comments