સરકારે જાહેર કર્યું છે કે રાષ્ટ્રપતિજી હવેથી જાહેર સમારંભોમાં માત્ર 1 કલાક માટે હજારી આપશે.
અમને લાગે છે કે બીજા પણ થોડા 1 કલાકના પ્રોટોકોલ જાહેર કરવા જેવા છે. ભલે એનાં રિએક્શનો જુદા જુદા આવે…
***
જાહેર કરી દો કે હવેથી કોલેજીયનો માત્ર 1 કલાક માટે કોલેજમાં હાજરી આપશે !
(કોલેજીયનો રાજી રાજી થઈ જશે પણ પ્રોફેસર કહેશે કે આમાં નવી વાત શું છે ?)
***
પછી જાહેર કરો કે કોલેજીયનો દિવસમાં માત્ર 1 કલાક માટે જ મોબાઈલ વાપરી શકશે !
(પ્રોફેસરો કહેશે કે વાહ, આ નવું છે ! પણ કોલેજીયન કહેશે કે ‘આઝાદી’ છિનવાઈ રહી છે !)
***
કવિ સંમેલનમાં 1 કવિ માત્ર 1 કલાક સુધી પોતાની કવિતાઓ સંભળાવશે.
(પ્રેક્ષકોમાં હાહાકાર મચી જશે ! બહિષ્કાર... અને હાય… હાય… થઈ જશે.)
***
સોરી, સુધારો ! આખું કવિ સંમેલન જ 1 કલાકમાં પુરું કરવાનું રહેશે.
(કોઈ પ્રેક્ષક ડરતાં ડરતાં પૂછશે, “શું એ પછી તમે કવિઓને છૂટ્ટા તો નહીં મુકી દો ને ?”)
***
લગ્નના ભોજન સમારંભો માત્ર 1 કલાકમાં પતાવી દેવાના રહેશે.
(હેં ? તો તો કેટરરોએ 1200 રૂપિયાવાળા ‘ફૂડ-પેકેટો’નાં કાઉન્ટરો રાખવાં પડશે !)
***
લગ્નનું રિસેપ્શન પણ 1 કલાક જ ચાલશે.
(તો કવર આપવા માટેની લાઈનનું પણ એડવાન્સ બુકિંગ ચાલુ કરવું પડશે.)
***
રાજકીય નેતા પધારવાના હોય એવું ફંકશન પણ માત્ર 1 કલાકનું રહેશે.
(લો ! તો હવે નેતાજી 1 કલાક ‘મોડા’ શી રીતે પધારી શકશે?)
***
પ્રતિક ઉપવાસો માત્ર 1 કલાકના રહેશે.
(કોંગ્રેસીઓને આ ગમશે. હવે આલુ-ચાટ, પકોડા વગેરે ખાવાને બદલે માત્ર પૌંવાથી કામ ચાલી જશે.)
***
મેદાનોમાં ક્રિકેટરો માત્ર 1 કલાક માટે જ રમશે.
(ધીરજ રાખો… ત્રણ ચાર વરસમાં તમામ ક્રિકેટ મેચો 1 કલાકની જ થઈ જવાની છે.)
***
કબડ્ડીની મેચો પણ 1 કલાકની જ રહેશે.
(આનો વિરોધ માત્ર અભિષેક બચ્ચન કરશે. “મારી રહી સહી વ્યુઅરશીપ તોડી નાંખવાનું આ કાવતરું છે !”
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment