રેલ્વે મુસાફરોનો દેશી સર્વે!


એક સંસ્થાએ વિમાનમાં સફર કરતાં ભારતીયોના વર્તનનો સરસ સર્વે કર્યો છે. પણ રેલ્વે મુસાફરોનું શું ? અમારી પાસે ઓલરેડી એક ‘અવલોકન-સર્વે’ મોજુદ છે ! જુઓ…

***

બારીમાંથી કોઈ ચીજ મુકીને પોતાની સીટ રોકવાની ઘટનાઓ શિયાળામાં 300 ટકા વધી જાય છે ! કારણ કે હાથ-રૂમાલ એક જ સીટ રોકે છે જ્યારે મફલર ત્રણ સીટ રોકી શકે છે !

***

80 ટકા પેસેન્જરો ભીડથી ભરેલી ટ્રેનમાં જાણી જોઈને પહોળા થઈને બેસે છે ! એમાંથી 40 ટકા પ્રવાસીઓ બીજા કોઈને સાઈડમાં બેસાડ્યા પછી એના જ ખભે માથું નાંખીને ઘસઘસાટ ઊંઘતા હોય છે !

***

50 ટકા મહિલાઓ અજાણ્યા પેસેન્જરને થેપલાં, છુંદો જેવી ચીજ ઓફર કરીને પછી બારીમાંથી પાણીની બોટલ, ગોટા, દાળવડા, સમોસા, ચા-કૉફી વગેરે મંગાવતી રહે છે !

એમાંથી 5 ટકા મહિલાઓ પોતાના બાબલાની ભીની થયેલી ચડ્ડી બારીના સળિયા ઉપર સુકવાવી લે છે !

***

સ્લીપર કોચમાં નીચેની બર્થ મેળવનારા 90 ટકા યુવાનોએ કોઈને કોઈ (અજાણ્યા) આન્ટી, અંકલ કે દીદી માટે થઈને વચલી બર્થમાં સૂવું પડે છે !

***

વચલી બર્થમાં સૂનારા 70 ટકા પ્રવાસીઓ સવાર પડવાના બે કલાક પહેલાં જાગી ગયા હોય છે, પણ નીચેની બર્થના ઊંઘણશી પ્રવાસીને લીધે તેમને બબ્બે કલાક સુધી જાગતા પડ્યા રહેવું પડે છે !

***

આટ આટલાં વરસ પછી પણ સ્લીપર કોચમાં મિડલ તથા અપર બર્થના 90 ટકા પ્રવાસીઓને રેલ્વેએ આપેલી ચાદરો સરખી રીતે પાથરતા આવડતી નથી !

***

દિવસે અપ-ડાઉન કરતા 90 ટકા પ્રવાસીઓ ઊભા-ઊભા પત્તાં રમી શકે છે.
60 ટકા અપ-ડાઉન મુસાફરો સીટની 6 ઈંચની ત્રિકોણ જગામાં બેસી શકે છે
અને માત્ર 20 ટકા અપ-ડાઉનવાળા ઝઘડો, ટોળ ટપ્પાં કે હાહાહીહી કર્યા વિના મુસાફરી કરે છે.

***

અજાણ્યાની ઓળખાણ થાય કે તરત જ તેનું વિઝિટિંગ કાર્ડ માગી લેનારા મુસાફરોમાંથી 90 ટકા લોકો એ કાર્ડનો ઉપયોગ ખાટી-તીખી ચટણી ખાવા માટે કરે છે !

***

ડબ્બામાં પોલિટિક્સની ચર્ચા શરૂ કરવામાં સરેરાશ માત્ર ૫ મિનિટ લાગે છે.

આજકાલ એવી ચર્ચામાં ‘મોદી તરફી’ અને ‘મોદી વિરોધી’ એવા સ્પષ્ટ ભાગલા પડવામાં પણ 5 મિનિટ જ લાગે છે ! હેપ્પી જર્ની…

- મન્નુ શેખચલ્લી

Comments