દેશની 16માંથી 14 બેન્કોએ ભેગા મળીને 50,000 કરોડની ખોટ કરી ! અને આ તો માત્ર્ 3 મહિનાનો હિસાબ છે. પિકચર અભી બાકી હૈ મેરે દોસ્ત…
આવા ભીષણ સંજોગોમાં બિચારી બેન્કો પોતાની ખોટ શી રીતે ભરપાઈ કરી શકશે ? અમારી પાસે કેટલાક ‘ચિલ્લર-આઈડિયા’ છે…
***
પાસિંગ ચાર્જ
અમને લાગે છે કે બેન્ક પાસેથી પસાર થઈએ તો પણ ચાર્જ ભરવો પડે એવી જે એક જોક ફરતી થઈ હતી તેને અમલમાં મુકવાની જરૂર છે ! લગાડો પાસિંગ ચાર્જ…
***
પાર્કિંગ ચાર્જ
બેન્કોની બહાર ઢગલાબંધ વાહનો આડેધડ પાર્ક થયેલાં હોય છે. આવી સર્વિસ હવે મફતમાં નહિ આપી શકાય. લગાડો પાર્કિંગ ચાર્જ…
***
એસી ચાર્જ
અમે જોયું કે અમુક મુફલિસ ટાઈપના લોકો અને નવરા વડીલ ટાઈપના માણસો માત્ર પાસબુકમાં એન્ટ્રી કરાવવાને બહાને આવે છે. પછી ટોકન લઈને દોઢ કલાક સુધી એસીમાં બેસી રહે છે… ટુંકમાં દરેક આવનાર ગ્રાહક ઉપર લગાડો એસી ચાર્જ…
***
દોરી ચાર્જ
પેલી પેનને ચોરાઈ જતી બચાવવા માટે જે દોરી બાંધવામાં આવે છે તે જ્યારે જ્યારે નવી લાવવાની થાય ત્યારે ખાતા દીઠ 1-2 રૂપિયા કાપી જ લેવાના ! દોરી ચાર્જ…
***
નોટ-દર્શન ચાર્જ
“50ની નવી નોટ બહાર પડે છે પણ છ-છ મહિના લગી એના દર્શન થતાં નથી” એવી ગ્રાહકોની ફરિયાદ હોય છે. ઘણીવાર ગ્રાહકો કેશિયર આગળ ડિમાન્ડ કરે છે “બે હજારની નોટો છે તો ખરી ! બતાડો… બતાડો… કેશ-બોક્સ બતાડો !”
આવા ભક્તો કરન્સી નોટોનાં ‘દર્શન’ કરી શકે તે માટે ચલણી નોટોનું એક નાનકડું મંદિર બેન્કની ભીંતે લટકાડવું અને… કાપી લેવાનો નોટ-દર્શન ચાર્જ !
***
આગોતરો સેફ્ટી ચાર્જ
આ તો સારું થયું કે દરેકના ખાતામાં પેલા 15-15 લાખ હજી જમા થયા નથી ! નહિતર એનું પણ કૌભાંડ થઈ જાત ને ?
ટુંકમાં, સરકારે તમારા 15 લાખ ‘બચાવીને’ રાખ્યા છે ! માટે ભરો, આગોતરો સેફ્ટી ચાર્જ….
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment