શરૂ કરાવો 'લૂ' રાહતકાર્યો !


‘લૂ’ એટલે ? ગુજરાતીવાળી  લૂ…. હિન્દીવાળી લૂ… પેલું ઇંગ્લીશવાળું ‘લૂ’ નહીં યાર ! (સોચમાંથી ‘શૌચ’ને દૂર કરો, પ્લીઝ.) અમે વાત કરી રહ્યા છીએ આ ધોમધખતા ઉનાળામાં સૌને દઝાડી રહેલી ‘લૂ’ની !

વાત સાવ સીધી ને સટ છે. જો લોકો પૂરમાં તણાઈ જાય, આગમાં બળી જાય, કોમી રમખાણમાં ભોગ બની જાય કે રેલ્વે અકસ્માતમાં મરી જાય તો સરકાર બેથી પાંચ લાખ રૂપિયાની મદદ કરે છે. તો પછી માણસ લૂ લાગવાથી પતી ગયો હોય એવા કેસમાં સરકાર કંઈ આપે છે ખરી ?

રમખાણોના કેસમાં તો વિરોધપક્ષોને પણ ખિચડી પકાવવાનો ચાન્સ મળતો હોય છે. (આમાં ને આમાં ઘણીવાર બબ્બે ઠેકાણેથી બે-પાંચ લાખ મળી જતા હોય છે.) જ્યારે લૂ પોતે જ એટલી ગરમ હોય છે કે એમાં ખિચડી તો શું ખિચડો પણ પાકી શકે છે ! છતાં કોઈ પાર્ટીને એમાં રસ કેમ નથી ? બિચારી લૂ કોમવાદી નથી એટલે ? બિચારી લૂ જ્ઞાતિવાદી નથી એટલે ? અરે, બિચારી લૂ આતંકવાદી પણ નથી ! છતાં, જુઓને, કેવો આતંક મચાવે છે ? આમાં સરકાર કંઈ વળતર યોજનાઓ કેમ નથી બનાવતી ?

***

લૂ-મરણ વળતર યોજના

રૂપાણી સાહેબને અમારું સૂચન છે કે તાત્કાલિક ધોરણે લૂ-વળતર યોજના જાહેર કરી દેવી જોઈએ. માણસ લૂ લાગવાથી મરી જાય તો એને બે-પાંચ લાખ રૂપિયા આપી દેવાના. (એને એટલે, એનાં સ્વજનોને. હજી સળગીને મરી ગયેલું મડદું બેઠું થતું હોય એવું સાંભળ્યું છે પણ લૂ લાગવાથી બફાઈને લોચો થયેલી લાશ બે સેન્ટિમીટર પણ જાતે હલી શકતી નથી.)

જોકે, આમાં વળતર આપતાં પહેલાં સરકારી તપાસો તો કરવી જ પડશે, કે ભઈ, “લૂ ક્યાંથી લાગી ? ડાબી બાજુથી લાગી કે જમણી બાજુથી ? ઉપરથી લાગી કે નીચેથી ? લૂ લાગી ત્યારે મરનાર શું કરતા હતાં ? મરનાર લૂ લાગવાથી જ મર્યા છે તેની શું સાબિતી છે ? ડેથ સર્ટિફીકેટ અને પોસ્ટ-મોર્ટમનો રિપોર્ટ ક્યાં છે ? અને હા, આધારકાર્ડ તો છે ને…”

આવું બધું તો બીજા અપમૃત્યુના કેસમાં પણ પૂછાતું હોય છે એટલી ધીમે ધીમે આખું તંત્ર ગોઠવાઈ જશે. (તંત્ર ગોઠવાઈ જશે, એટલે ? રાહત આપવાના તંત્રની વાત છે ! દરેક વાતમાં કૌભાંડો ના શોધ્યા કરો.)

***

લૂ-રાહત કેન્દ્રો

આખા ગુજરાતમાં, ખાસ કરીને ગુજરાતનાં તમામ શહેરોમાં લૂ-રાહત કેન્દ્રો ખોલવાં જોઈએ. જેથી બપોરના સમયે શ્રમજીવી મજુરવર્ગ તથા ‘ટાર્ગેટ’ એચિવ કરવા માટે દોડાદોડ કરતો સેલ્સમેનવર્ગ આવાં કેન્દ્રોમાં જઈને ઠંડક મેળવી શકે.

જાપાનમાં ઠેરઠેર સ્ટીમ-બાથ હોય છે. જાપાની લોકો ત્યાં જઈ, કપડાં કાઢીને, માત્ર ટુવાલ વીંટીને ગરમાગરમ વરાળથી સ્નાન કરીને ફ્રેશ થતા હોય છે. આપણે અહીં ઊંધુ કરવું પડે ! વરાળને બદલે એસીની ઠંડી હવા ચાલતી હોવી જોઈએ ! મોટા હોલમાં અથવા નાના નાના ઓરડાઓમાં ‘મફત એસી હવા-કેન્દ્ર’ શરૂ કરવાં જોઈએ. રેલ્વે સ્ટેશનો તથા એસટી બસ ટર્મિનસો પર જેમ જાહેર શૌચાલય તથા જાહેર સ્નાનાલય હોય છે એ જ રીતે આવાં જાહેર હવા ‘શીત-હવાલય’ હોવાં જોઈએ. (અને હા, ટુવાલ ઘેરથી લાવવાના રહેશે.)

શહેરના અન્ય સ્થળોએ જો જગ્યાની મારામારી હોય તો અમારું એક જોરદાર સૂચન છે. મ્યુનિસિપાલિટીઓના જે ટાઉન-હોલો છે (જેમાં બપોરે આમેય કોઈ નાટકના શો કે સાંસ્કૃતિક કાર્યક્રમો હોતા નથી) એમાં ફૂલ-એસી ચાલુ કરીને મફત ‘હોલ-ટિકીટ’ આપી દેવાની ! (હા, પ્રવેશ માટે ભલે આધારકાર્ડ ફરજિયાત રાખો ને ? વાંધો નથી.)

***

પદ-પ્રક્ષાલન કેન્દ્રો

મોટા મોટા નેતાઓ, મહાનુભાવો કે સાધુ બાવાઓનાં પગ ધોવાની વાત નથી. અહીં તો પોતાના જ પગ પલાળવાની વાત છે. અગાઉના જમાનામાં જ્યારે નદી-તળાવો ખુલ્લાં રહેતાં હતાં, અર્થાત્ એને ઊંડા કરીને આજુબાજુના ‘રિવર-ફ્રન્ટ’ કે ‘લેક-ફ્રન્ટ’ નહોતા બાંધતા, ત્યારે લોકો એના કાંઠે બેસીને પોતાના પગ પલાળતા. આજે વિકાસ કરી ગયેલા ગુજરાતમાં આવા નદી-તળાવો ઉપલબ્ધ નથી, તો શું થયું ? આપણે ‘હવાડા’ તો બનાવી શકીએ ને !

અમારી સ્કીમ એવી છે કે ઉનાળાના સમયે આમ પણ સરકારી સ્વિમિંગ પૂલો પાણીના અભાવે (કે ટીકાખોરોના ડરથી) બંધ રાખવામાં આવે છે. ત્યાં લોકો પાળી પર બેસીને પોતાના પગ ઝબોળી શકે એવા નાના નાના ‘હવાડા’ કેમ ના બાંધી શકાય ? અચ્છા, ચાલો હવાડા ના બાંધવા હોય તો નાની નાની નીકો બનાવો, જેમાંથી પાણી ખળખળ વહ્યા કરતું હોય અને આપણા શ્રમજીવીઓ (તથા સેલ્સવાળા) એમાં પોતાના પગ ઝબોળીને લાકડાની બે્ચો પર શાંતિથી બેઠા હોય ! બોલો, સારો આઇડિયા છે ને !

વળી, કોઈ એમ પણ નહિ કહી જાય કે “કૂવામાં હોય તો હવાડામાં આવે ને ?”

***

બરફગોળાનું વિતરણ

જે રીતે શિયાળામાં અમુક ઉત્સાહી સેવાભાવી લોકો રાતના ફૂટપાથ સૂતેલા ગરીબોને ધાબળા વહેંચવા નીકળી પડે છે એ જ રીતે ભરબપોરે બરફગોળા વહેંચાવા જોઈએ !

આમાં તો નેતાઓને પણ લોકપ્રિય થવાની ભરપૂર તકો છે કારણ કે ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં જઈને તેઓ ત્યાંના ગરીબ બાળકોને બરફગોળા ખવડાવતા હોય તેવા ફોટા પણ બહુ સારા લાગશે. ભાજપના નેતાઓ તો એમાંય વર્લ્ડ રેકોર્ડો કરી શકશે કે “એક જ કલાકના સમયમાં ૧ લાખ ૧૧ હજાર બરફગોળા ખવડાવ્યા… ગિનીસબુકમાં તેની નોંધ લેવાશે… ગિનીસબુકના અધિકારીઓએ પણ માણ્યો ગુજરાતી બરફગોળાનો સ્વાદ….”

***

નિઃશુલ્ક સીટ-પોતાં સેવા

લૂ જેવી ખતરનાક કુદરતી આફત તો બહારથી ત્રાટકે છે પણ બાઈક અથવા સ્કૂટરની સીટ તડકામાં ત્રણ કલાક સુધી ગરમ થઈ હોય પછી તેની ઉપર ના-છૂટકે બેસવું જ પડે ત્યારે એ આફત ‘અંદરથી’ ત્રાટકે છે !

અમારૂં સૂચન છે કે શહેરભરનાં રેલ્વે સ્ટેશનો, બસ ટર્મિનસો, શોપિંગ સેન્ટરો કે ઓફીસ કોમ્પલેક્ષોની બહાર જ્યાં જ્યાં ‘ખુલ્લામાં પાર્કિંગ’ થાય છે. (યાર, ‘ખુલ્લામાં શૌચ’નો વિચાર કાઢો, મગજમાંથી !) ત્યાં ફરજિયાતપણે ઠંડા પાણીનાં પોતાંની વ્યવસ્થા ગોઠવવાની ફરજ પાડો !

હવે આની વધુ વિગતોમાં અમે નથી ઉતરતા પણ એક જ ડિટેલનો ઉકેલ શોધવો પડે કે સાંજ પડતાં સુધીમાં પોતું જ ગંધાતું થઈ જાય તો શું કરવાનું ? ‘દાઝે’ તે સહન કરી લેવાનું કે ‘ગંધાય’ તે સહન કરી લેવાનું ?

(આ સિવાય પણ બીજાં સૂચનો હોય તો જણાવજો. આપણે એટલા ફોરવર્ડ કરીશું કે છેક રૂપાણી સાહેબ સુધી પહોંચી જાય.)

Comments