આપણી હિન્દી ફિલ્મો પતે પછી વિલન અને હીરો એકબીજાની દુશ્મની ભૂલીને કોઈ આઈટમ-સોંગ ગાવા મંડે છે ! એ તો ઠીક, ફિલમમાં મરી ગયેલાં પાત્રો પણ જીવતાં થઈને નાચવા માંડે છે !
પણ જરા કલ્પના કરો… આપણી ફેમસ ફિલ્મોના ‘એન્ડ’ આવી ગયા પછી પણ એમાં છેલ્લા સીનો કેવા કેવા હોઈ શકે !?
***
પીકે
પેલી પતરાંની બેગ લઈને પીકે રાજસ્થાનના રણમાં દૂર દૂર જઈ રહ્યો છે. બેગમાં પ્લાસ્ટિકની ઓડિયો કેસેટો છે, જેમાં અનુષ્કાના અવાજો છે…
પરગ્રહનું અવકાશયાન ઉપરથી નીચે આવે છે. પ્રકાશનો શેરડો પડે છે. પીકે બેગ સહિત ઉપર ખેંચાઈ જાય છે… પણ અચાનક પેલી પતરાંની બેગ ‘ધડામ્’ કરતી પાછી ફેંકાય છે !
અવકાશયાનમાંથી અવાજ આવે છે “ડોબા ! આવી પતરાંની બેગો તો ઈન્ડિગો એરલાઇન્સ પણ એલાઉ કરતી નથી !”
થોડીવાર પછી પ્લાસ્ટિકની કેસેટોનો વરસાદ થાય છે ! અવકાશયાનનો બુલંદ અવાજ કહે છે “ડફોળ પીકે ! આવો પ્લાસ્ટિક વેસ્ટેજ તો આપણે 8000 વરસ પહેલાં કચરાપેટીમાં કાઢી નાંખ્યો !"
ત્યાર બાદ પીકેનાં પહેરેલાં કપડાં ફેંકાય છે ! પીકે કહે છે “ઓત્તેરી ! મેરે કપડે કાહે નિકાલ કે ફેંક દિયે ?”
જવાબ મળે છે “ગધેડા ! એમાં પૃથ્વીનાં જીવાણુંઓ હોઈ શકે છે !”
અનુષ્કા આ બધું જોયા કરતી હોય છે, ત્યાં તો આખેઆખો પીકે વસ્ત્રવિહીન દશામાં જમીન ઉપર ફેંકાય છે ! પીકે રડી પડે છે “અરે, હમ કો કાહે ફેંક દિયે હો ?”
જવાબ મળે છે “સુસરે, તોહરે દિમાગવા મેં તો બહુત બડા વાઈરસવાલા કીડા હૈ !”
“કીડા ? કાહે કા કીડા ?”
“ભઈયા, લવ કા કીડા…. ” આટલું કહીને પેલું અવકાશયાન ઉડી જાય છે.
નિર્વસ્ત્ર દશામાં મદદ માટે પીકે અનુષ્કા તરફ દોડે છે… અને કપડાં પહેરેલી હાલતમા અનુષ્કા “હેલ્પ… હેલ્પ…” કરતી રણમાં આવેલી પોલીસ ચોકી તરફ દોડવા માંડે છે…. ધી એન્ડ !
***
ટાઈગર જિન્દા હૈ
સલમાન ખાન ભારત-પાકની 40 નર્સોને છોડાવીને સિરીયામાંથી ભાગી ગયો એ જોઈને ISISવાળા બહુ ગિન્નાયા છે ! એ લોકો બદલો લેવા માટે એક પ્લાન ઘડે છે.
સિરિયામાં એક હાઈ-ફાઈ નર્સિંગ કોલેજ ચાલુ થાય છે. એમાં દુનિયાભરનાં સેક્સી મોડલો અને હિન્દી ફિલ્મોની આઈટમ ગર્લ્સને એડમિશન આપવામાં આવે છે.
વેબસાઈટ ઉપર એમના ફોટા મૂકીને એ લોકો સલમાનને લલચાવીને ટ્રાય કરે છે. એને ઓફર પણ મોકલે છે કે “તમે આવીને આ કોલેજનું ઉદ્ઘાટન કરો…”
પરંતુ સલમાન લલચાતો નથી. છેવટે ISISનો કમાન્ડર એક આઈડિયા કરે છે. તે ઐશ્વર્યા રાયને એડમિશન આપી દે છે !
સલમાન ઐશ્વર્યાનો ફોટો જોઈને લલચાઈ જાય છે. એની ‘પુરાની મહોબ્બત’ જાગી ઊઠે છે. એ કેટરિના આગળ કંઈ અગડમ્ બગડમ્ બહાનું કાઢીને સિરિયા પહોંચી જાય છે….
… પણ ત્યાં ISISવાળા એને પકડી લે છે અને એનું ‘ઓપરેશન’ કરી નાંખે છે ! એન્ડમાં ટાઈટલ આવે છે….
“ટાઈગર જિન્દા તો રહેગા મગર બાપ નહીં બન પાયેગા….” ધી એન્ડ.
***
ધૂમ થ્રી
એન્ડમાં “ધૂમ મચાલે… ધૂમ મચાલે…” ગાયન પર ડાન્સ ચાલી રહ્યા છે. ત્યાં અભિષેક બચ્ચન રડતા મોં સાથે કેમેરા સામે આવીને કહે છે:
“પતા નહીં, અબ ‘ધૂમ ફોર’ કબ બનેગી… યે ભી પતા નહીં કે મુઝે ઉસ મેં લેંગે યા નહીં… ઇસલિયે અગર આપ મેરી સુરત દેખના ચાહતે હૈં તો પ્લીઝ દેખતે રહિયે… પ્રો-કબડ્ડી…. સ્ટાર સ્પોર્ટ્સ પર !”… ધી એન્ડ.
***
બજરંગી ભાઈજાન
સલમાન ખાનને ખરેખર જાસૂસીના આરોપમાં કેદ કરી લેવામાં આવે છે ! ભારત-પાકની બોર્ડર પર રાહ જોઈને ઊભા રહેલા હજારો લોકો કંટાળી જાય છે. સલમાન આવતો જ નથી…
છેવટે લોકો પાકિસ્તાની આર્મી ઓફિસરને પૂછે છે “આપ લોગોંને ઉસ કે સાથ ક્યા કીયા ?”
જવાબમાં આર્મી ઓફિસર કહે છે “વો જાનને કે લિયે દેખિયે… સરબજિત !!”
-મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment