હવે તો ઘેર ઘેર વિધાનસભા!

કર્ણાટક વિધાનસભામાં જે ‘ફ્લોર-ટેસ્ટિંગ’ થયું, એમાં લોકશાહી બચી ગઈ કે શહીદ થઈ ગઈ તેની ખબર નથી પણ હવે તો દરેક ઘર વિધાનસભા જેવું જ થઈ ગયું છે !

ફ્લોર-ટેસ્ટિંગ, અવિશ્વાસ પ્રસ્તાવ, વિશ્વાસ મત, પ્રશ્નકાળ… આવું બધું દરેક ઘરમાં હોય છે !

***

રવિવારે સાંજે પત્ની કહેવા માંડે છે : “કહુ છું, કેટલા દિવસથી બહાર જમવા નથી ગયા… રોજ આ ગરમીમાં રાંધી રાંધીને ત્રાસ થાય છે.. બાબો બેબી પણ ક્યારના કહે કહે કરે છે કે ક્યાંક બહાર જમીએ… હવે તમે શું નીચું મોં ઘાલીને માથું ખંજવાળો છો ?”

- આને કહેવાય ‘ફ્લોર ટેસ્ટિંગ’ !

***

“તમને તો મારી કંઈ પડી જ નથી. આ વેકેશન પડી ગયું છતાં એમ થાય છે કે ચાલ, ક્યાંક જોડે ફરવા જઈએ ? ના ના, ઓફિસના કામે તો દસ દસ દહાડાની ટુર કરી આવો છો… ત્યાં કઈ સગલી તમારી જોડે હોય છે ?”

- આને કહેવાય ‘અવિશ્વાસનો પ્રસ્તાવ’ !

***

“અરે, હોતું હશે ગાંડી ? ઓફિસનું કામ હોય એટલે જવું તો પડે ને ! ચલ, આ વખતે બોનસ મળે એમાંથી મહાબળેશ્વર જઈશું ! અરે, આ મારો પ્રોજેક્ટ પતી જાય તો ગોવા પણ જઈ આવીશું, બસ  ? તારા માટે જ તો આટલી મહેનત કરું છું…”

- આને કહેવાય ‘વિશ્વાસમત’નો પ્રસ્તાવ !

***

“ક્યાં હતા અત્યાર લગી ? જરા જુઓ, ઘડિયાળમાં કેટલા વાગે છે ? એક ફોન તો કરાય કે નહિ ? ઓફિસનું બહાનું કાઢીને ક્યાં રખડ્યા કરો છો ? મિટિંગનું નામ દઈને કોની જોડે મિટિંગો કરો છો ? પૂછું છું એનો જવાબ કેમ નથી આપતા ?”

- આને કહેવાય ‘પ્રશ્નકાળ’ !

***

“સાંભળો, બેબી કહે છે કે એને નવું સ્કૂટી જોઈએ છે. બાબાની સાઈકલ હવે ફાવતી નથી. બાબો પણ એને સ્કૂટર પર લિફ્ટ નથી આપતો…. કહું છું, આવતા વીકમાં સ્કુટીના શો-રૂમમાં જઈ આવવું છે ?”

- આને કહેવાય ‘ખરડો’ રજુ કર્યો.

***

“ચૂપ ! કોઈએ કશું બોલવાનું નથી. સ્કુટી મળશે પણ સેકન્ડ હેન્ડ, પોકેટમનીમાં કોઈ વધારો થશે નહિ, રાતના અગિયાર વાગ્યા પહેલાં ઘરે આવી જ જવાનું… અને તમે પણ સાંભળી લો, હવે તમારા પાન-મસાલાના ખર્ચાનો હિસાબ લખવાનું રાખો !”

- આને કહેવાય, ‘કાયદો’ પસાર કર્યો…

- મન્નુ શેખચલ્લી

Comments