બે ત્રણ દિવસ પહેલાં ‘અધિક માસ’ ચાલુ થયો. ગુજરાતીમાં કહેવત છે કે “દુકાળમાં અધિક માસ…” તો એનો અર્થ શું ?
લો, અહીં ‘ઉદાહરણો આપીને’ સમજાવ્યું છે…
***
એક તો કડકી ચાલતી હોય, એમાં ગર્લ-ફ્રેન્ડનો બર્થડે આવી જાય…
… એને કહેવાય દુકાળમાં અધિક માસ !
***
એક તો કોઈ ઉધાર ના આપતું હોય, એમાં વળી ATM પણ બંધ નીકળે…
… એને કહેવાય દુકાળમાં અધિક માસ !
***
એક તો ઘણા ટાઈમથી દારૂનો પ્રોગ્રામ ના બનતો હોય, એમાં વળી આપણા એરિયાના બુટલેગરોની પોલીસ ધરપકડ કરીને એમનું સરઘસ કાઢે…
… આને કહેવાય દુકાળમાં અધિક માસ !
***
એક તો લિફ્ટ બગડી ગઈ હોય, અને ઉપરથી દાદરામાં ડાઘિયો કૂતરો બેઠો હોય…
… આને કહેવાય દુકાળમાં અધિક માસ !
***
અરે, બૈરી પિયર ગઈ હોય, એમાં વળી મિસ્ટેકથી કામવાળી જોડે ઝગડો થઈ જાય..
…. એને કહેવાય, દુકાળમાં અધિક માસ !
***
એ તો ઠીક, બૈરી પિયર ‘ના’ ગઈ હોય, એમાં વળી સાળો અને સસરો આપણે ત્યાં વેકેશનમાં ‘ફરવા’ આવે…
… આને કહેવાય દુકાળમાં અધિક માસ !
***
એક તો મોંમાં ફોલ્લા પડ્યા હોય, એમાં વળી ગુસ્સાવાળી બૈરી રોજ તીખું શાક જ બનાવવા માંડે…
…. એને કહેવાય દુકાળમાં અધિક માસ !
***
એક તો પેટ્રોલ બચાવવા બાઈક ઉપર ચાર-ચાર સવારીમાં નીકળ્યા હોઈએ, એમાં વળી પોલીસ પકડે, અને ‘તોડ’માં પૈસાને બદલે પેટ્રોલ જ માગે…
… એને કહેવાય દુકાળમાં અધિક માસ !
***
એક તો વરઘોડામાં ભરબપોરે નાચી નાચીને નીચોવાઈ ગયા હોઈએ, એમાં વળી મંડપે પહોંચીએ ત્યારે ખબર પડે કે પાણીની ટાંકીમાંથી મરેલી ઘરોળી નીકળી છે…
… આને કહેવાય, દુકાળમાં અધિક માસ !
***
બાકી, આમેય માથું ચડ્યું હોય અને કિટલી પર કોઈ ઓળખીતો કવિ મળી જાય…
… સોરી સોરી.
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment