કર્ણાટકના પોલિટિકલ બજારમાં કેટલીક ટચૂકડી જાહેરખબરો ખાનગી ધોરણે ફરવા માંડી છે…
***
રિસોર્ટ મળશે
સંપૂર્ણપણે સુરક્ષિત, ગુપ્ત અને તમામ સુવિધાઓ સાથેનો રિસોર્ટ દેશના કોઈપણ ખૂણે મેળવી આપવામાં આવશે. દરેક પ્રકારના સ્વાદિષ્ટ ભોજન, અને ટીવી ચેનલો તથા સ્વિમિંગ પૂલની સગવડ સાથે.
નોંધ : મહેમાનોની સુરક્ષાનો ખર્ચ અલગથી ચૂકવવાનો રહેશે.
***
કિલ્લેબંધ સિક્યોરીટી સર્વિસ
કોઈ પંખીડું પાંખ પણ ના મારી શકે (તો ઊડી ક્યાંથી જાય?) એવી જડબેસલાક સિક્યોરીટી સર્વિસ મળશે. ઠેકઠેકાણે 24 કલાક ચાલતા સર્વેલન્સ કેમેરા, 10 કિલોમીટર સુધી અંધારામાં પણ જોઈ શકે તેવાં નાઈટ-વિઝન દૂરબીનો તથા કમાન્ડો કક્ષાના બોડીગાર્ડો સાથેની સોલીડ સુરક્ષા માટે ખાનગીમાં સંપર્ક કરો.
નોંધ : ગેરંટી સુરક્ષાની જ છે, વફાદારીની નહીં.
***
દુભાષિયા મળશે
હિન્દી, અંગ્રેજી કે ગુજરાતી સહિત કોઈપણ ભાષાનું કન્નડમાં રૂપાંતર કરીને સામેવાળી પાર્ટી સાથે વાટાઘાટો કરી આપે તેવા ચતુર અને ઝડપી દુભાષિયાઓની આખી ટીમ તૈયાર છે.
અમુક દુભાષિયાઓ ઈશારાની સાંકેતિક ભાષા પણ જાણે છે. તાત્કાલિક સંપર્ક કરીને લોકતંત્રને બચાવવામાં સહભાગી થાવ.
***
કચરાની સફાઈ
દેશભરના ભાજપ કાર્યાલયોમાં જે ફટાકડાઓ ફોડવાથી બિનજરૂરી કચરો ફેલાયો છે તે તાત્કાલિક ધોરણે સાફ કરવાનો છે. કોન્ટ્રાક્ટરના માણસોએ સફાઈ કરતી વખતે નમ્રતાથી વર્તવું. કોઈ જાતના મેણાં-ટોણાં કે મજાક ચલાવી લેવામાં આવશે નહીં.
***
VIP લુંગીઓ સસ્તામાં
ચૂંટણી પ્રચાર દરમ્યાન ઝખ મારીને પહેરેલી છતાં સાવ જુજ રીતે વપરાયેલી નવી નક્કોર VIP લુંગીઓ સસ્તા ભાવે કાઢી નાંખવાની છે. રસ ધરાવતી પાર્ટીઓને દરેક પાર્ટીની VIP લુંગી એક જ ઠેકાણેથી મળી રહેશે.
***
માનસરોવર યાત્રા
કોંગ્રેસીઓની માનસરોવર યાત્રા હાલ પુરતી થોડા દિવસો માટે મોકુફ રાખવામાં આવી છે. છતાં સંપર્કમાં રહેવા વિનંતી છે.
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment