બકાએ માંડી 'એવેન્જર્સ'ની વારતા...


આપણો મહેસાણાવાળો બકો ‘એવેન્જર્સ – ધ ઇન્ફિનીટી વોર’ જોઈ આવ્યો છે ! એને આખી વાર્તામાં શું સમજ પડી એ તો એ જ જાણે પણ તમે સાંભળો બકાને મોઢે એ જ વારતા…

***

મન્નુભાઈ, હું એવેન્જર પિકચર જોઈને આયો… હાહરું એવું અવળચંડુ પિકચર બનાયું છે કે મગજના તાર ગુંચવઈ જ્યા !

આપડે તો આની આગળવાળી એકે પિકચર જોયેલી જ નંઈ એટલે થોડી હમજ ના પડી,પણ આખી વાતમોં એટલી હમજ પડી કે બબાલ ખાલી છ પથરાની છે !

બાકી, પિકચરની સરુઆત તો એકદમ ‘શોલે’ના સીનથી જ થાય છ… ગબ્બરના પગ બતાડેલા, એમ આ વિલનના ય પગ બતાડે છે. એ હેંડતો હેંડતો લાશોની વચ્ચેથી જાય છે ને પૂછે છે “કિતને આદમી થે ?” જવાબ મલે છે “દો મિલિયન…” “ઔર અબ કિતને હૈં ?” “એક મિલિયન !”

ટુંકમોં, એ હાહરો બાવીસ ફૂટ ઊંચા ડુંગર જેવો વિલન આખા બ્રહ્માંડની અડધો અડધ વસ્તીને ચમ મારી નોંખવા નેંકર્યો છ એ જ હમજાતું નહીં.

મને તો ડાઉટ છ કે હાહરો ગયા જનમમોં કુટુંબ નિયોજન ખાતામોં નોકરી કરતો હસે ! ને ઈને લોંચ-રૂસ્વતના કેસમોં સસ્પેન્ડ બી કરેલો હસે !

અથવા ઈનોં અડધો ડઝન ભાઈ-બેંન હશીં એટલે બાપ-દાદાની મિલકતમાં ઓંને શકોરું ય નંઈ મલ્યું હોય !

જે હોય તે, પણ વિલનની એક વાત નક્કી કે ગોંડીયાને જાતે દાઢી કરતોં નહીં આવડતું ! કારણ શું ? કે અસ્ત્રા વડે જાતે દાઢી કરવામોં ભઇએ દાઢી ઉપર, ને ગાલ ઉપર લોંબા લોંબા ચીરા પાડી મેલ્યા લાગે !

એ વિલનને કોઈએ મગજમોં એવું ભરાઈ માર્યું છે કે બ્રહ્માંડના 6 પાવરફૂલ પથરા જો એના પંજામોં જડતર કરાઈ લે તો એ ભગવોંન કરતોંય પાવરફૂલ થઈ જશીં, અને આખું બ્રહ્માંડ ઈની મુઠ્ઠીમોં આઈ જશે !

આખી વાતમાં વિલને લોચો ઇમ માર્યો કે ભઈ, પેલા પથરા હથેળીની મોંય આવે એવી રીતે જડાબ્બાના હતા, ઈને બદલે મુઠ્ઠીની બા’રની સાઈડે જડાયા ! પછી બ્રહ્માંડ મુઠ્ઠીમોં ચ્યોંથી આવે ? બોલો.

પણ એન્ડની ફાઈટ વખતે તો સીન અદ્લો અદ્લ ‘શોલે’ જેવો જ છે ! છ-સાત સુપ્પરમેનો ઓંયથી ને ત્યોંથી ઈનો હાથ ખેંચવા હારુ જોર લગાડે છે : “યે હાથ મુઝે દે દે ઠાકુર્રર્રર્ર…”

બાકી, બાવીસ ફૂટના આ ડુંગર જેવા વિલનની હોંમેં લડવા માટે જે છ-છ ફૂટિયા સુપ્પરમેનોની ફોજ ભેગી કરી છ ઈમોં તો નકરા કાર્ટુનો જ ભર્યા છે.

બે તૈણ જણા તો લડવાનો ટાઈમ આવે તાણે હાથ વડે તારામંડળ ગોળગોળ ફેરવીને મોંયથી લાલ લાલ લીટા જ છોડે છે ! અલ્યા ભઈ, તમારા લાલ લીટાનું દિવાળી-લાઈટિંગ જોવા નહીં આયો પેલો વિલન !

બીજી બે તૈણ છોકરીઓ જોણે ઇલેક્ટ્રીશીયનનો કોર્સ કર્યો હોય ઇમ જનરેટર વગર વીજળીના કરંટો માર માર કરે છે ! આપડોં ને થાય કે બોંન, તમીં ઓંની પેંલો રિલાયન્સ પાવરમોં નોકરી કરતા’તા ? કે ટોરેન્ટ પાવરમોં ?

એ શિવાય એક ભઇ લડવાનો વારો આવે તાણે 18 ફૂટ ઊંચા લોખંડી મોંણસની મંઈ ઘૂશીને જોણે જેબીસીનું મશીન ચલાવતો હોય ઇમ ફેંટમ્ બાજી કર છ.

મેં કીધું, એ તો બરોબર, પણ પોંચ ટન વજનનો આવડો મોટો દાગીનો તુ કઇ ટ્રકમોં લઇને ફરે છે ? એ તો બતાડતો જ નહીં.

આવી તો કંઈ કેટલીયે ધૂપ્પલો છે પિક્ચરમોં. એક હિરોઇનની બેનને વિલને હવામોં લટકાઈને રાખી છે. આપડે બટેટાની કાતરી કરીએ ઇમ બચાડીનું આખું બોડી કાતરીની જેમ કાપી નોંખ્યું છે.

વચમોં ક્યોંય વાયર નહીં, લોહીની નસો ય નહીં, તોય મારી બેટી જીવતી છે ! વળી ઈને બે બાજુથી ખેંચે તો બચારી ચીસો પાડે છ ! બોલો. ચ્યોં દુઃખતું હશી ?

વિલનના ચમચાઓ ય હાવ બબૂચક છ. અમેરિકાના એક શહેર ઉપર હૂમલો કરવા હારુ જે અવકાસયાન લઇને આવ છે  હાહરું દેખાવમોં જ સાઇકલના ફાટેલા ટાયર જેવું છ ! ભઇ, કમ સે કમ, મોંય હવા તો ભરઇને આવવું તું ?

છેલ્લે એન્ડમોં તો હાવ ગોંડા જેવું બતાડ છે. વિલન મરતોં મરતોં કંઈ એવી હળી કરતો જાય છ કે હીરો-ઈરોઈનો ને ઇમની આખી ફોજ કોંકરા કોંકરા થઈને તૂટવા મોંડે છે.

મેં કીધું અલ્યા, તમીં આટલા બધા સુપ્પરમેનો ભેગા થ્યા, તો ભેગાભેગી એક ‘ફેવિકોલ-મેન’ બી લાયા હોત તો ?

બધા કોંકરા કોંકરા થઈને વિખેરાતા હોય તાણે ફેવિકોલથી જોડી ના દેવાય ?

- મન્નુ શેખચલ્લી

Comments