આમ જુઓ તો સાવ સાદી સીધી નૈસર્ગિક ક્રિયા છે. ગાયો અને ભેંસો જાહેરમાં કરે છે. એટલું જ નહિ, કરી રહ્યા પછી માણસો એના કરેલાં ‘દ્રવ્ય’નો ઉપયોગ પણ કરે છે. એમાં માટી, ઘાસ વગેરે ઉમેરીને લીંપણ, બળતણ કે ખાતર બનાવે છે. ગામડાઓમાં તો આ ‘ગોબર’ વડે ‘ગેસ’ પણ બને છે.
પ્રોબ્લેમ એ છે કે માણસ જ્યારે આ ક્રિયા કરે છે ત્યારે તેને બીજા માણસથી છુપાવવી પડે છે. કદાચ એટલે જ એનાં નામો પણ ‘કાળક્રમે’ બદલાતાં રહ્યાં છે.
***
જંગલ જવું
એક જમાનામાં આ ક્રિયાનું સીધું સાદું નામ હતું ‘જંગલ જવું !!’ પ્રાગૌતિહાસિક માનવ જંગલમાં જ ઉછર્યો હતો ને ? ધીમે ધીમે માણસે ગામડાં તો વસાવ્યાં પણ જંગલનું આકર્ષણ ગયું નહિ. એટલે બિચારો માનવી દિવસમાં કમ સે કમ એક વાર જંગલે જવાની લાલસા રોકી શકતો નહોતો.
પરંતુ કાળક્રમે, જંગલો ઘટતાં ચાલ્યાં, એટલે નવો શબ્દ આવ્યો, ‘ઝાડે ફરવા’ જવું….
***
ઝાડે ફરવા જવું
જરા વિચારવા જેવી વાત છે કે જંગલમાંથી ઝાડ શી રીતે થઈ ગયું ?
અમને લાગે છે કે જ્યારે જંગલો હશે ત્યારે જમીન ઉપર જ એટલી બધી જાતજાતની વનસ્પતિ, ઝાંખરાં, છોડવા, ઘાસ વગેરે ઊગી નીકળતા હશે કે તમે ‘ગમે ત્યાં’ બેસી જાવ તો ખાસ કોઈને દેખાય નહિં. પણ જંગલો ખતમ થતાં જ માણસને કોઈને કોઈ ઝાડનું ઓથું લેવું પડતું હશે.
આમાં પ્રોબ્લેમ એક જ કે ઝાડી-ઝાંખરાની તો ‘વચ્ચે’ બેસી શકાય પણ ઝાડનું ઓથું માત્ર એક જ દિશામાંથી મળે ! એટલે, સંજોગો તથા ‘આગંતુકો’ની સંખ્યા મુજબ તમારે અહીંથી તહીં ‘ફરતા’ રહેવું પડે !
આમાં ને આમાં શબ્દપ્રયોગ બની ગયો. ‘ઝાડે ફરવા’ જવું ! તમે કોઈ વૃધ્ધ વડીલને પૂછી જોજો. જે દિવસે તમારે વધારે ક્વોન્ટિટીનો નિકાલ કરવાનો હોય ત્યારે હકીકતમાં વધારે ઝાડ ફરવા પડતાં હતાં. અમને લાગે છે કે આયુર્વેદમાં જેને ‘અતિસાર’ (યાને કે વારંવાર આ ક્રિયા કરવી પડે) તેનું દેશી નામ ‘ઝાડ’નું બહુવચન ‘ઝાડા’ પણ આ જ રીતે પડ્યું હશે !
***
જાજરૂ અને સંડાસ
સમય જતાં માણસ કુદરતનો ખોળો છોડીને ઘરની ચાર દિવાલોમાં વસવા લાગ્યો. હવે, આ જે ક્રિયા છે તેના માટે માણસ ઘરમાં ‘જંગલ’ કે ‘ઝાડ’ શી રીતે ઊભું કરે ? એટલે સાંકડામાં સાંકડી ચાર દિવાલો ઊભી કરીને તેનું નામ પાડ્યું ‘જાજરૂ’!
જાણકારો કહે છે કે ‘જાજરૂ’ શબ્દનો મૂળ અર્થ છે : ‘જા-હે-જરૂર’ યાને કે જવું-પડે-જરૂર ! જોકે ‘સંડાસ’ શબ્દ ક્યાંથી આવ્યો તેની ખબર નથી. અમને લાગે છે કે આટલો વાહિયાત શબ્દ જરૂર સંડાસમાંથી જ આવ્યો હશે !
***
ડબલ્યુ.સી.
આ શબ્દ માટે ભારતીય રેલવે જવાબદાર છે ! થયું શું, કે સમય જતાં સારા ઘરનાં લોકોને ‘ઝાઝરુ’ અને ‘સંડાસ’ જેવા શબ્દો બોલવામાં શરમ નડવા લાગી.
ખાસ તો આપણે કોઈને ઘરે મહેમાન બનીને ગયા હોઈએ ત્યારે “તમારા ઘરનું સંડાસ બતાડોને, કાકી !” એવું કહેવાનું ખરાબ લાગતું હતું. આપણે લોકો ‘બાથરૂમ જવું છે’ એવું પણ કહેતા હતા પણ સામેવાળાએ પૂછવું પડે “બાથરૂમ એટલે એક નંબર કે બે નંબર ?” કારણ કે નહાવાના ઓરડાને પણ આપણે બાથરૂમ જ કહેતા.
એવા સમયે રેલવેના ડબ્બાઓ અને સ્ટેશનોનાં પ્લેટફોર્મો ઉપરના શૌચાલયોમાં એમણે મોટા અક્ષરે લખવાનું શરૂ કર્યું… W.C. ! આપણે એ શબ્દ અપનાવી તો લીધો, પણ બહુ ફાવ્યો નહિ, કારણ કે ‘ડબલ્યુ સી’ બોલતી વખતે આપણે હાથ વડે ‘ડબલુ છે ?’ એવો ઈશારો કરતા હતા.
***
ટોઈલેટ
વડીલો ‘ઝાડે ફરવા’ જતા ત્યારે હાથમાં લોટો લઈને જતા. આ કારણથી ‘લોટે જવું’ એવો શબ્દપ્રયોગ પણ ઠીકઠીક સમય સુધી ચાલ્યો. ધાતુઓ મોંઘી થવા લાગી પછી લોટાને બદલે પતરાંના ડબલાં આવી ગયાં. ત્યારે આપણે કહેતા કે ‘ડબલું લઈને ગયા છે, હમણાં આવશે.’
પરંતુ કાળક્રમે (આ ‘કાળક્રમે’ વારંવાર આવવાનું. ભઈલા.) ‘ફરવા જવાની’ આકી ક્રિયા જ સમાપ્ત થઈ ગઈ. ‘ક્રિયા’ શું, આખી ‘આઝાદી’ ખતમ થઈ ગઈ ! ઉલ્ટું, આ ક્રિયા કરવાનું સ્થળ ખસીને છેક આપણા બેડરૂમની અડોઅડ આવી ગયું !
હવે તો એનું ચીતરી ના ચડે એવું રૂપાળું નામ પાડવું જ પડે તેમ હતું. બસ, એ વખતે અંગ્રેજોએ આપણને રૂપાળો શબ્દ આપ્યો ‘ટોઈલેટ’ !
હકીકતમાં અંગ્રેજોએ પણ ફ્રેન્ચ ભાષામાંથી ઉઠાંતરી કરી હતી. જેમ ‘યુ-દ-કોલોન’ એટલે કે ઝરણાનું પાણી એ જ રીતે ‘યુ-દ-તોઈલેત’ એટલે કે સફાઈનું પાણી ! અંગ્રેજોએ આગળનું ‘યુ-દ’ કાઢીને આપણા ઘરમાં ‘ટોઈલેટ’ ઘૂસાડી આપ્યું.
***
વૉશ-રૂમ
થયું એવું કે ટોઈલેટો માત્ર શૌચક્રિયા માટે નહોતાં. મોટા બંગલાઓમાં તો નહાવાનું ટબ એક બાજુ હોય અને બીજી બાજુ છીછી કરવાની ‘બેઠક’ હોય ! ત્રીજી બાજુ વળી શાવર પણ હોય ! ટુંકમાં, શરીર ધૂઓ કે ‘પેલું’ ધૂઓ… બન્ને માટે કોમન શબ્દ હતો ‘વોશરૂમ’ !
આમાં લોચા એ પડે છે કે જ્યારે હાઈ સોસાયટીના કોઈ સન્નારી મિડલ-ક્લાસનાં ઘરમાં જઈને પૂછે કે ‘વોશરૂમ ક્યાં છે ?’ તો પેલાં બહેન એમને વોશિંગ મશીન મુકેલી ચોકડી બતાડે છે !
***
શૌચાલય
આખરે વિદ્યા બાલન, અક્ષયકુમાર અને મોદીજીના સહિયારા પ્રયત્નોથી આપણને આ શબ્દ મળ્યો… શૌચાલય !
ભારતમાં જે રીતે હિન્દુવાદનું પુનરુથ્થાન થયું છે એ જ રીતે ‘હિન્દીવાદ’ યાને કે શુધ્ધ હિન્દી શબ્દોનું પણ પુનરાગમન થયું છે. ક્રિકેટની કોમેન્ટ્રીમાં પણ રણનિતિ, બલ્લા, ભીતરી કિનારા જેવા શબ્દો આવ્યા એ રીતે ‘વિદ્યાલય’, ‘ભોજનાલય’ અને ‘મદિરાલય’ની જેમ ‘શૌચાલય’ શબ્દ પણ આવી ગયો.
મઝાની વાત એ છે કે ‘ટોઈલેટ’ની સાથે ‘એક પ્રેમકથા’ જોડાઈ ગઈ છે અને ‘શૌચ’ની સાથે ‘સોચ’ જોડાઈ ગઈ છે ! જ્હાં સોચ વહાં શૌચાલય. યાને કિ સોચનેવાલી બાત હૈ ના !
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment