રાહુલબાબા બોલ્યા કે મને સળંગ 15 મિનિટ સંસદમાં બોલવા મળ્યું હોત તો મોદીજીની સરકાર હલબલી જાત !
જવાબમાં મોદીજીએ કહ્યું કે ભાઈ, તમારી કર્ણાટક સરકારની સિધ્ધિઓ વિશે કોઈપણ ભાષામાં 15 મિનિટ કાગળમાંથી વાંચ્યા વિના બોલી બતાડો તોય ઘણું છે !
આ ‘ફિફ્ટીન મિનિટ ચેલેન્જ’વાળું સારું ચાલ્યું છે. અમને પણ વિચાર આવે છે કે…
***
પાકિસ્તાનનો આજનો કોઈપણ ક્રિકેટર સળંગ 15 મિનિટ સુધી ‘ઇંગ્લીશમાં’ બોલી બતાડે તો ખરો !
***
એ જ રીતે હિન્દી ફિલ્મોની આજની કોઈપણ હિરોઈન સળંગ 15 મિનિટ ‘શુધ્ધ હિન્દીમાં’ બોલે તો માની જઈએ !
***
અરે, મનમોહનસિંહ ભલે બોલે નહિ, સોનિયાજી સામે ઊભા રહીને માત્ર 15 મિનિટ સુધી ગળામાંથી અવાજો કાઢી બતાડે તો ખરા !
***
ચાલો, એ બધાને છોડો, લગ્નમાં પેલો ‘ડીજે’ દરેક ગાયનમાં અડધી અડધી મિનિટે ઘોંચપરોણા કર્યા કરે છે, તે સળંગ 15 મિનિટ સુધી ‘સખણો’ રહે તોય ઘણું !
***
એમ તો લગ્નમંડપમાં ગોર મહારાજોને પણ ચેલેન્જ છે કે સળંગ 15 મિનિટ લગી એકપણ મંગળાષ્ટક રિપિટ ના થાય એ રીતે ગાઈ બતાડો !
***
અરે, બેસણામાં બાજુબાજુમાં બેઠેલી બે પાડોશણો 15 મિનિટ માટે ‘ચૂપ’ રહી બતાડે તો ખરી !
***
બાકી, ગૃહિણીઓને ચેલેન્જ છે કે મોલમાં દાખલ થયા પછી...
15 મિનિટ સુધી કોઈ ચીજને હાથ લગાડ્યા વિના,
કોઈ ચીજનો ભાવ વાંચ્યા વિના
અને એકપણ ચીજની ખરીદીનો વિચાર સુધ્ધાં કર્યા વિના...
એક જ ઠેકાણે ઊભાં રહો તો ખરાં !
***
પતિઓને પણ ચેલેન્જ છે કે શોપિંગ ન કરી શકવાથી ગુસ્સે ભરાયેલી પત્ની આગળ સળંગ 15 મિનિટ સુધી પોતાની દલીલો ચાલુ રાખીને બતાડે !
***
યંગસ્ટર્સને ચેલેન્જ છે કે 15 મિનિટના ટ્રાફિક જામમાં એકેય વાર તમે તમારો મોબાઈલ હાથમાં લઈને ના મચડો તો ખરા !
***
બાકી, છાપાંની ચેલેન્જ અલગ છે. પ્રૌઢ વયનો વાચક સળંગ 15 મિનિટ છાપું વાંચે એમાં એકેય વાર નિસાસો ના નાખે તો ખરો…
અને યુવાન વાચક સળંગ 15 મિનિટ સુધી માત્ર છાપું ‘ઉથલાવી’ બતાડે તો ખરો !
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment