અત્યારે તો પેટ્રોલના માત્ર ભાવ જ વધ્યા છે. જતે દહાડે પેટ્રોલને લગતા ક્રાઈમ પણ વધી જવાના છે. આવે વખતે આવશે એક જબરદસ્ત ક્રાઈમ થ્રીલર ટાઈપની ફિલ્મ… “ક્રાઈમ પેટ્રોલ 100 તક”
***
“ચૂંઉંઉં ચૂઉંઉં… ચૂઉંઉંઉં… ચૂઉંઉં…” એવા અવાજો કરતી પોલીસની જીપો ઉપર જે લાલ-ભૂરી લાઈટો થાય છે તેના વારાફરતી ક્લોઝ-અપ દેખાઈ રહ્યા છે.
આપણને લાગે છે કે ક્રાઈમ સીન ઉપર ડઝનબંધ પોલીસની જીપો 100 કિલોમીટરની સ્પીડે ધસી આવતી હશે….
પણ ના ! જીપોને તો બિચારા હવાલદારો ધક્કા મારી રહ્યા છે !
જીપો આવીને શહેરના મુખ્ય પોલીસ કમિશનરની ઓફિસે ઊભી રહે છે. અંદરથી વારાફરતી અલગ અલગ પોલીસ સ્ટેશનના ઇન્સપેક્ટરો નીકળે છે. સામે છેડેથી કમિશનર સાહેબ આવે છે. સામસામી સલામીઓ ઠોક્યા પછી કમિશનર સાહેબ પૂછે છે :
“ક્યા હુઆ ? સારે પુલિસ સ્ટેશનવાલે યહાં ક્યું આયે હૈ ?”
એક ઇન્સપેક્ટર કહે છે : “સર, મામલા સિરિયસ હૈ ! શહર મેં એક ખતરનાક ક્રિમિનલ ઘૂસ આયા હૈ ! વો હરેક પોલીસ સ્ટેશન કે બાહર ખડી પુલીસ વાન સે રોજ રાત કો સારા પેટ્રોલ-ડિઝલ ચૂરા લેતા હૈ !”
“તો મેરા મુંહ ક્યા દેખ રહે હો ?” કમિશનર સાહેબ ધૂંધવાઈ ઉઠે છે. “જાકર પકડો ઉસે !”
“સર કૈસે પકડેં ? હર પોલીસ સ્ટેશન કા સરકારી પેટ્રોલ-ડિઝલ કા ક્વોટા ખતમ હો ગયા હૈ !"
"હૈં?"
" ઈતના હી નહીં, પેટ્રોલ કી હેરાફેરી કરનેવાલે પેટ્રોલ માફિયા લોગને ભી હમારી બાઈક મેં... પેટ્રોલ કા હપ્તા દેને સે ઇનકાર કર દિયા હૈ !”
***
રાતનો સન્નાટો છે…
ગુજરાત અને મહારાષ્ટ્રની સૂમસામ બોર્ડર પરથી પસાર થતા પહાડી વિસ્તારના ડામર રોડના છેડે આવેલી એક તંબૂ ટાઈપની પોલીસ ચોકીમાં વાયરલેસ રેડિયોમાં કર્કશ અવાજ આવી રહ્યો છે :
“હાઈ એલર્ટ… હાઈ એલર્ટ…”
થોડીવારે દૂરથી પેશાબ કરીને પાછો આવેલો હવાલદાર વાયરલેસનો કોલ ઉપાડે છે. “હેલો, ડેડીયાપાડા બોર્ડર ચોકી… યાર, પેશાબ તો કરવા દો ?”
હેડ ઓફિસથી અવાજ આવે છે. “નાલાયકો, સાવધાન રહો ! પોલીસ ફોર્સની ઇજ્જતનો ફાલુદો કરી નાંખનારો કોઈ ખતરનાક પેટ્રોલ – ચોર આખેઆખું પેટ્રોલનું ટેન્કર લઈને બોર્ડર પાર કરવાનો છે ! એને પકડી લેવાનો છે !”
“ધત્તેરેકી ! પહેલાં કહેવું જોઈએ ને ? હમણાં જ આપણે ચાર ટેન્કર જવા દીધાં ! અમને એમ કે યાર, દારૂ ભરેલાં ટેન્કર હશે !”
***
પેલો ખતરનાક પેટ્રોલ–ચોર હવે ભૂરાયો થયો છે. એ માત્ર ચોરીથી નથી અટકી રહ્યો.
હવે તો એ જુદા જુદા વિસ્તારોમાં જઈને રાતના સમયે પેટ્રોલ પંપો ઉપર ત્રાટકે છે ! પછી આખેઆખા પેટ્રોલ-પંપમાં આગ લગાડીને જતો રહે છે !
બિચારી પોલીસ ઘાંઘી થઈ ગઈ છે. દરેક પેટ્રોલ પંપે જઈ જઈને પૂછે છે “વો કૈસા દિખતા થા ? કહાં સે આયા ? કિધર બાજુ ગયા ?”
પેટ્રોલપંપવાળા કહે છે “એ તો તમને કહીશું, પણ પહેલાં એ કહો કે અહીં આગ લાગ્યા પછી તમે છેક દસમા દિવસે કેમ આવ્યા ?”
“શું કરીએ ?” સાઈકલ પર આવવું પડે છે..."
"પણ કેમ?"
" કારણ કે અગાઉનાં પેટ્રોલ-એલાવન્સના બિલો જ પાસ નથી થતાં ! એકાઉન્ટ્સ ખાતાવાળા બિલ પાસ કરવા માટે રૂપિયા નહિ, પેટ્રોલ માગે છે !"
***
આખરે મહામહેનતના અંતે પેલો સનકી પાગલ જેવો પેટ્રોલ-ક્રિમિનલ પકડાઈ જાય છે. એ કબૂલાતમાં કહે છે :
“હું રિટાયર્ડ આર્મી કર્મચારી છું. સૈન્યમાં હું ટ્રક ચલાવતો હતો. મેં પેટ્રોલપંપના લાયસન્સ માટે અરજી કરી હતી. પૈસા પણ ખવડાવ્યા હતા. છતાં છેલ્લી ઘડીએ એક મિનિસ્ટરના ભાણિયાને પેટ્રોલપંપ મળી ગયો !
બસ, એ દિવસથી મેં નક્કી કર્યું કે જ્યાં સુધી પેટ્રોલના ભાવ 100 રૂપિયા સુધી ના પહોંચી જાય ત્યાં લગી હું પેટ્રોલપંપો સળગાવતો રહીશ !”
આ સાંભળીને કમિશનર સાહેબ મુંઝાઈ જાય છે.
એ કહે છે “દોસ્ત, તને સજા પણ શી રીતે કરી શકાય ? કારણ કે સરકારનો પણ એ જ ટાર્ગેટ છે… 100 રૂપિયે લીટર પેટ્રોલ…”
-મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment