10મું ફેઈલ છોકરાનો પત્ર ...


10માં ધોરણમાં માત્ર 53 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા. મતલબ કે 47 ટકા સ્ટુડન્ટો 'ફેઈલ?' 'નિષ્ફળ ?' 'ઠોઠ ?'

એમના દિલમાં શું ચાલતું હશે ? આવા જ એક નાપાસ છોકરાએ અમને એક પત્ર લખ્યો છે. (એ ગુજરાતીમાં પણ નાપાસ છે એટલું ગુજરાતી પણ એવું જ છે)

***

મનુભાઈ.

મુ દસમામા નાપાસ થયો. હવે મુ સુ કરીસ.

બાપાએ મને બે ધોલ મારી. તીજી મારે એ પેલા મુ ભાગી ગયો. અવે રાતે ઘેર જઈસ તારે વધારે મારસે. પછી થાકી જસે.

પણ પછી મારે સુ કરવાનુ.

બાપા રિક્સા ચલાવે છે એટલે મને રિક્સા ડાયવર બનાવસે. નંઈતર મુ ટેમ્પો ચલાઈસ. બઉ આવડસે તો ટક (ટ્રક). બીજુ સુ.

મારા એક ભઈબનના બાપા સાકની લારી ચલાવે છે. એને બી સાકની લારીમાં લગાડસે. બીજા  ભઈબનના બાપાને પાનનો ગલ્લો છે એટલે સારુ છે.

કારણકે અમને ઉધારીમાં સિગારેટ ને માવો મલસે.

પણ અમારું ભણવાનુ સુ કામમા લાગસે.રિક્સા ચલાવવામા ગણિતના xyz વારા દાખલા થોડા કામમા આવસે.

સાકની લારીમાં કઈ ભુગોરના સવાલ થોડી આવાના. પાનનો ગલ્લો ચલાવવામાં ફિજીક - કેમેસ્ટી સુ કામમાં આવસે.

મુ તો ગુજરાતીમા બી નાપાસ થયો.

કારણકે એ લોકો છંદ ને વ્યાકરણ ને એવુ બધું અઘરુ અઘરુ પૂછે. ને નિભંનમા બઉ માર્ક કપઈ જાય. કારણકે જે ગોખીએ એ યાદ જ ના રે.

પાછુ કોણે કોને કિયારે સુ કીધુ એવું પૂછે. સરસતીચંદે ગુહત્યાગ કેમ કરિયો એની મને સી ખબર. સરસતીચંદને પૂછો ને.

ને મુ રિક્સા ચલાઈસ તો એમાં સરસતી ચંદ થોડો સાઈડ બતાડવા આવસે.

કાલે મને બધાએ ડોબો ને ગધેડો ને ઠોઠ ને એવું બધુ કીધુ. મુ તો રડવા જેવો થઇ ગયો.

પછી એક કાકાએ છાપામાં જોઈને કીધુ કે તારા જેવા તો પાંચ લાખ છોકરા નાપાસ થયા છે. બોલો.

તો સુ મારા જેવા પાંચ લાખ બીજા ગધેડા છે. દર વરસે પાંચ લાખ ગધેડા પેદા કરવા તા તો અમને ભણાયા સુ કામ.

તમે હોસિયાર છોકરાઓને ડોક્ટર બનાવસો. એન્જિનીયર બનાવસો. કોમ્પ્યુટર બનાવસો.
પણ અમને બધાને સુ બનાવસો. ગધેડા ?

મોદી સાયેબ મને કોઈ ફેરી મલે તો મારે પૂછવું છે કે તમે મારા જેવા પાંચ લાખ ઠોઠીયાઓ માટે સુ યોજના બનાઈ છે.

મનુભાઈ, તમને મલે તો તમે બી પૂછજો.

....લિખિતન એક ઠોઠ છોકરો.

-મન્નુ શેખચલ્લી

Comments