ઈંગ્લિશ મિડીયમ બચ્ચાં માટે ગુજલિશ ડિક્શનેરી !


આખરે ગુજરાત સરકારે જાહેરાત કરી દીધી કે હવે થી શાળાઓમાં ગુજરાતી વિષય ફરજિયાત ભણાવવો પડશે.

ઇંગ્લિશ મિડિયમમાં  ભણતા બાળકો માટે તો આ ગુજરાતી લર્ન કરવાનું બહુ હાર્ડ પડવાનું છે. આવા 'યો' જનરેશનના કિડ્ઝ માટે અમે થોડાક ગુજુ વર્ડઝનું સિમ્પલ ગુજરાતીમાં 'મીનિંગ' લખ્યું છે. (એ પણ એમને અન્ડરસ્ટેન્ડ થાય એવી લેંગ્વેજમાં !)

ફ્યુચરમાં અમે હાર્ડ ગુજુ - વર્ડઝની આખી ડિક્શનેરી બહાર પાડવાના છીએ (ઓનલાઇન), બટ રાઈટ નાવ તો થોડા સેમ્પલ્સ...

***

સમશીતોષ્ણ કટિબંધ 

રીડિંગમાં ભલે ડિફિકલ્ટ લાગે, બટ રીયલમાં આ એક જ્યોગ્રાફિકલ વર્ડ છે. સેપરેટ-સેપરેટ અન્ડરસ્ટેન્ડ કરો.... 'કટિબંધ' એટલે બેલ્ટ. અને 'સમ-શીત-ઉષ્ણ' એટલે વેરી હોટ બી નહિ અને વેરી કોલ્ડ બી નહિ.

ઈન શોર્ટમાં કહો, તો એસીની ફીલિંગ આપે એવો બેલ્ટ !

***

પાણીચું 

આ એક ટાઈપના મેંગો-પિકલની રેસિપી છે. કાચી મૅન્ગોને કટ કરીને, સોલ્ટ-વોટરમાં ડ્ર્રાઉન કરીને, પછી બહાર નીકાળીને ટેરેસ ઉપર સનલાઈટમાં એને ડ્રાય કરવાનું હોય છે. જયારે કમ્પ્લીટ ડ્ર્રાઇંગ થઇ જાય તો એને પાણીચું કહેવાય.

બટ, એનો રીયલ મિનિંગ 'કોથળો' છે !

કેવી રીતે ? સમજી લો. જયારે કોઈને જૉબમાંથી ગેટ-આઉટ કરી દેવામાં આવે છે ત્યારે આપણે નથી કહેતા ? "હિ વોઝ સેકડ..."

'સેક એટલે ? કોથળો ! તો ગુજરાતીમાં એને કહેવાય 'પાણીચું આપ્યું...' યુ ગોટ ઈટ ?

***

પરવડે

આ એક મરાઠી સરનેમ છે પણ ગુજરાતીમાં આવી ગઈ છે. ગુજરાતીમાં એનું મિનિંગ સમજવાનું બહુ 'એફોર્ડેબલ' નથી એટલે લેટ ગો. ઓકે ?

***

વૈશ્વિકરણ

હવે બધા હાર્ડ ગુજરાતી વર્ડઝ આવે છે હોં ? બી કેરફૂલ !

આ વૈશ્વિકરણ એ કોઈ કરણ જોહરના શોનું નામ નથી. એ 'કૉફી-વીથ-કરણ'નું ગુજરાતી વર્ઝન  પણ નથી. એક્ચ્યુલી, એનો મિનિંગ એટલો ગોલગોલ છે કે બસ,  પૃથ્વીનો ગોળો જોઈ લો...

***

આનુષંગિક 

એક્ચ્યુલી, આ વર્ડની પાછળ એક સ્ટોરી છે. આનુષંગિક એ અનુ મલિકનો ભાઈ થાય. બંને જુડવા ભાઈ હતા. બટ એમના બચપનમાં એવી ઘટના ઘટી કે એક લાઈબ્રેરીના ઉપરના રેકમાંથી લોટ્સ ઓફ બુક્સ નીચે પડી ગઈ એમાં એ બે ભાઈ વચ્ચે બુક્સની દીવાર ચુનાઈ ગઈ.

તો બી, બંને ઈમોશનલી તો હજી જુડવા જ છે એટલે અનુષંગિકનું મીનિંગ 'જોઈન્ટ રહેલા' એવું સમજી લેવાનું. ઓકે ?

***

અનુગોધરા 

અનુગોધરા એ અનુ મલિકનો ભાઈ નથી યાર !

અને અનુગોધરા એ કોઈ ગોધરા નામના ટાઉનનું જુડવા ટાઉન છે એવું બી નથી. એક્ચ્યુલી, અનુગોધરા મિન્સ... ગોધરા પછી !

હવે બોલો, ગોધરા પછી શું ? અરે યાર, ગોધરા પછીનું રેલવે-સ્ટેશન ! (ગુગલ મેપમાં જોઈ લો. )

***

અનુનાસિક

લો, આ તો સિમ્પલ છે ને ! અનુનાસિક એટલે નાસિક પછીનું રેલવે સ્ટેશન ! (આમાં હિમેશ રેશમિયાનું નામ કોણ બોલ્યું ?)

***

સહિષ્ણુતા

'સહી' એટલે શું એ તો ખબર છે ને ?

'સિગ્નેચર' નહિ યાર ! સહી બોલે તો બરોબર. ઠીક હૈ ? તો હવે બોલો, સહિષ્ણુતા એટલે શું ?

સંધિ છૂટી પાડીને સમજો. સહી + ઉષ્ણતા = પ્રોપર ગરમાટો. (બોલો, ગર્લ ફ્રેન્ડની યાદ આવી ગઈ ને !)

***

પપૂધધૂ 

આ એક ટાઇપની સાઉન્ડ ઈફેક્ટ છે.

સમજો કે તમે એકદમ ચિલ્ડ એસી હોય એવા મલ્ટીપ્લેક્સમાં હોરર મૂવી જોવા બેઠા છો. પછી ઈન્ટરવલ પડે છે. હવે તમે ઈમિજિયેટલી ક્યાં જવાના ? પોપકોર્ન પેપ્સી લેવા નહિ ... તમે દોડીને જાઓ છો ટોઇલેટમાં !

હવે ત્યાં જે સાઉન્ડ ઈફેક્ટ આવે છે ને ! એ જ છે પપૂધધૂ...  પપૂધધૂ...  પપૂધધૂ...

***

સીડી

આ ગોળ નથી હોતી. એની ઉપર રૈન-બો ટાઈપના કલર્સનું રિફલેકશન પણ નથી મારતું . એનું કોમ્પ્યુટરમાં બી કોઈ યુઝ નથી થતું . સો, વોટ ઈઝ સીડી ? ઈન ગુજરાતી ?

- જરા ધ્યાનથી સમજો. તમે ઠાઠડી જોઈ છે ? જેની ઉપર ડેડબોડીને સુવડાવીને ચાર જણા શોલ્ડરથી ઉઠાવીને લઇ જાય છે ?

ઓકે, તો એ લાકડાની ઠઠાડીને ઉભી કરો એટલે બની ગઈ સીડી।

***

ઠાઠડી

નાવ, ધીસ ઇસ વેરી સિમ્પલ.સીડીને આડી કરો, એ !

***

સાળાવેલી

નથી ખબર ? અચ્છા, 'તાલાવેલી' ખબર છે ? 'વીણાવેલી' ખબર છે ? નથી ? ઓકે, સિલિકોન વેલી તો ખબર છે ને ?

બસ, તો જ્યાં ઢગલાબંધ ક્વોન્ટીટીમાં 'સાળા' રહે છે એવી એક ખીણને  (એટલે કે વેલીને) 'સાળાવેલી' કહે છે ! ગોટ ઈટ ?

સેઈમ વે, 'તાલાવેલી' એટલે જ્યાં લોટ્સ ઓફ તાળાં મારેલા છે એ...

***

સાંસ્કૃતિક ખસીકરણ 

આ એક્ચ્યુલી બહુ જ  મીસ્ટીરિયસ અને ટ્રિકી વર્ડ છે કારણ કે જેને આ વર્ડનો મીનિંગ સમજાય છે તેનું આ કદી થતું નથી અને જેને આનો મીનિંગ નથી સમજાતો એનું જ આ થઇ ગયેલું હોય છે ! એટલે બેસ્ટ ઓફ લક.

- મન્નુ શેખચલ્લી

Comments