નીચે લખેલો સીન વાંચતા જાવ અને મનમાં ‘વિઝ્યુલાઈઝ’ કરતા જાવ…
***
વિલન ભાગી રહ્યો છે. હિરો એની પાછળ પડ્યો છે. વિલન કારમાં છે, હિરો બાઈક ઉપર છે…. સનસનાટ રેસ જામી છે….
શહેરના ભરચક ટ્રાફિકમાં વિલનની કાર શાકભાજીની લારીઓ ગબડાવતી, રસ્તામાં ગોઠવેલાં લીલાં તડબૂચો ઉડાડતી, ઘડીકમાં ફ્લાયઓવરની ઉપરથી તો ઘડીકમાં અંડરબ્રિજની નીચેથી ધસમસતી ભાગી રહી છે.
પાછળ આવી રહેલો હિરો પણ કંઈ કમ નથી. એની બાઈક ફ્લાયઓવરની ઉપરથી ઉછળતી, નીચેથી પસાર થતી ટ્રક ઉપર પછડાતી, બીજી કારોના છાપરાંઓ ઉપરથી કૂદકા મારતી, ચાર રસ્તે આડા ઉતરેલાં વિશાળ ટેન્કરની નીચેથી આડી થઈને સરકતી, ઘોડાની માફક આગલું પૈડુ ઊંચુ કરીને હણહણતી અને ગટરનાં પાણી ઉપર સરકતા સાપની જેમ વાંકીચૂકી થતી છેવટે વિલનની કારને આંતરી લે છે.
“ચીંઈઈઈ….” કરતી બ્રેક મારીને હિરોની બાઈક વિલનની કાર સામે આવીને ઊભી રહી જાય છે.
વિલન અચાનક કારમાંથી ઉતરીને ભાગે છે. હિરો હવામાં ડાઈવ મારીને એને ઝડપી લે છે. વિલન ટાંગ છોડાવીને છટકી જાય છે. ફરી પીછો…. ફરી સનસનાટી… છેવટે વિલનના અડ્ડામાં ઘૂસી, ધૂંવાધાર ગોળીઓ ચલાવ્યા પછી, ૨૩ ગુન્ડાઓને ઠાર મારીને 44 ટપોરીઓને ઘાયલ કરી નાંખ્યા પછી હિરો વિલનને ઝબ્બે કરી લે છે…
વિલનના લમણા ઉપર રિવોલ્વર ધરીને તે ટ્રિગર દબાવવા જાય છે ત્યાંજ વાતાવરણ પોલીસની સાયરનોથી ગુંજી ઊઠે છે. ચીંઉં… ચીંઉં… ચીંઉં…. ચીંઉં…
“રુક જાવ !” ઇન્સપેક્ટરનો અવાજ સંભળાય છે.
તમને થાય છે કે યાર, આ પોલીસે ખોટા ટાઈમે એન્ટ્રી મારીને બધી મઝા બગાડી નાંખી.
પણ ના. ખરી મઝા તો હવે આવે છે.
ઇન્સપેક્ટર આવીને હિરોના ખભે ટપલી મારતાં કહે છે. “બોસ, જરા આમ આવો ને?”
હિરો ગુંચવાઈ જાય છે. ઇન્સપેક્ટર કહે છે. “ભઈ, બહાર પેલું બાઈક પડ્યું છે એ તમારું જ છે ને ? રોંગ સાઈડમાં પાર્ક કરેલું છે. જરા ડ્રાઈવિંગ લાયસન્સ બતાડો ને ?.... અને હા, આ રિવોલ્વર તમારી છે ? એનું બી લાયસન્સ કાઢજો ! એમાં ભરવા માટે આટલી બધી ગોળીઓ ક્યાંથી લીધી ? અને ક્યાં વાપરી ? રજીસ્ટર રાખો છો ? ચલો ભઈ, નામ લખાવો…”
હિરો ડઘાઈ ગયો છે. ઇન્સપેક્ટર મોં બગાડીને કહે છે. “જોયા શું કરો છો? રસ્તામાં તમે ચાર ઠેકાણે રેડ સિગ્નલ તોડ્યા છે, છ જગાએથી રોંગ સાઈડમાં ઓવરટેક કર્યો છે. બે ઠેકાણે સ્પીડ-લિમિટથી ડબલ સ્પીડમાં બાઈક ચલાઈ છે, અને ભઈ, પીયુસી ક્યાં છે ?”
- જોયું ? આને કહેવાય રિયાલીટીનો ટ્વિસ્ટ !
*** મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment