દુનિયામાં એવું ઘણું બધું છે જે, ‘ભાગ્યે જ’ બને છે ! દાખલા તરીકે…
***
કોઈ અબજોપતિ ‘સામ્યવાદી’ નીકળે અને કોઈ વકીલ ‘સત્યવાદી’ નીકળે…
… એવું ભાગ્યે જ બને !
***
કોઈ કરિયાણાની દુકાન ચલાવતો માણસ કવિ નીકળે અને કોઈ પસ્તીનો વેપાર કરતો માણસ લેખક નીકળે…
… એવું પણ ભાગ્યે જ બને !
***
ઐતિહાસિક સ્થળનો ગાઈડ ઈતિહાસના વિષયમાં ‘પાસ’ થયેલો નીકળે ...
અને ફૂટપાથ પર બેસેલો જ્યોતિષી ‘પોતાનું તકદીર’ જાણીને બેઠો હોય…
… એવું ભાગ્યે જ બને !
***
જોવાલાયક સ્થળો ફેરિયા વિનાના નીકળે ...
અને ગાર્ડનના ખૂણેખાંચરેથી કપલિયાં ‘ના’ નીકળે…
… એવું પણ ભાગ્યે જ બને !
***
ફ્રી ઓફરમાંથી ‘ફૂદડી’ ના નીકળે અને
ફૂદડીમાંથી ‘શરતો લાગુ’ ના નીકળે…
… એવું ભાગ્યે જ બને !
***
આઈપીએલની મેચો ‘સિક્સરો’ વિનાની નીકળે અને એનાં રિઝલ્ટો ‘ફિક્સરો’ વિનાનાં નીકળે..
… એવું ભાગ્યે જ બને ને ?
***
લગ્નમંડપમાં બેઠેલી કન્યાનો ફોટો...
અને એ જ નવી વહુનો ૧૦ દિવસ પછી કિચનમાં કામ કરતો ફોટો એક જ છોકરીનો લાગે…
… એવું ભાગ્યે જ બને !
***
કોઈ છોકરો કંજૂસ હોય છતાં એ બ્યુટિફુલ છોકરીનો બોયફ્રેન્ડ નીકળે…
… એવું પણ ભાગ્યે જ બને !
***
બાકી, આ દેશમાં, ઢોંગી બાબાઓને ચેલા ના મળે અને રાહુલ બાબાને ચમચાઓ ના મળે…
… એવું તો હરગિઝ ના બને ને ?
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment