આવા ધોમધખતા ઉનાળામાં કવિને કવિતાઓ સુઝે ? સુઝે તો સુઝે, પાછી એ સારી યે હોય ? એવું જરૂરી તો નથી…
***
કાળી સડક પર છત્રી
છત્રીમાં હોય છાંયો
પણ છાંયામાં હોય ઠંડક
… એવું જરૂરી તો નથી.
***
શિયાળે વહેંચે ધાબળા
શેઠ ગરીબોને જઈ
ઉનાળે, એસીમાં સૂવરાવે ?
… એવું જરૂરી તો નથી.
***
ડિગ્રીઓ હોય ગરમીને
ચાલીસ કે બેંતાલીસ
પણ ગરમી હોય ‘ભણેલી’
… એવું જરૂરી તો નથી.
***
બરફના એ પહાડો
ને ઠંડા ઠંડા ઝરણાં
સાબુમાં જોડે આવે
… એવું જરૂરી તો નથી.
***
કેબિન બોસની એસી
અરે, કાર પણ છે એસી
પણ ના હોય એમની ‘તપેલી’
… એવું જરૂરી તો નથી.
***
બંધ દુકાનો, બંધ બજારો
સડક ઉપર સન્નાટો
આ હોય ‘સ્વયંભૂ બંધ’
… એવું જરૂરી તો નથી.
***
ગરમાગરમ છે છાપું,
એનો બનાવો પંખો
નીકળે હવાઓ ઠંડી
… એવું જરૂરી તો નથી.
***
ભર તડકે પડ્યું પંચર
ઢસડીને ચાલતા હો
તોય ગર્લફ્રેન્ડ આપે કંપની ?
… એવું જરૂરી તો નથી.
***
ગરમ થયું હોય માથું
ને ચા મળે સાવ ઠંડી
તો ઠંડકથી થાય ઠંડક ?
… એવું જરૂરી તો નથી.
***
ધાબે તમે સૂતા હો
હજી ગોદડાં હોય ગરમ,
ત્યાં, આવે સપનાં ‘હોટ’
… એવું જરૂરી તો નથી !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment