આવી ભયંકર ગરમી ભલભલા માનવીને ફિલસુફ બનાવી દે છે. અમારા ઉનાળુ આત્મચિંતનમાંથી તો કેટલાંક ગરમાગરમ સત્યો બહાર આવી રહ્યાં છે !...
***
જેણે ગયા જનમમાં પૂણ્યનાં કામો કર્યાં હશે તેને આ જનમમાં એરકન્ડીશન્ડ ઓફીસમાં પટાવાળાની નોકરી તો જરૂર મળે છે.
***
અને જેનાં ગયા જનમનાં પૂણ્યો થોડાં ઓછાં પડ્યાં હશે એ બિચારો આ જનમમાં બરફગોળાની લારી ચલાવી ખાય છે !
***
જેણે આગલા જનમમાં ‘પાછલી’ ઉંમરે બહુ ‘પાપ’ કર્યાં હશે…
… તેના સ્કુટરને આ જનમમાં કદી ‘છાંયડામાં’ પાર્કિંગની જગા નહીં મળે !
***
ફ્રીજમાં પાણીના બાટલા ભરીને પાછા ના મુકનાર છોકરાને એક જ સજા મળે છે…
જ્યારે તે મોટો થઈને ‘ડ્રિંક’ લેવા બેસે છે ત્યારે એને કદી ‘ઠંડી’ સોડા મળતી નથી !
***
બગડેલા એસીવાળી કેબિનમાંથી બહાર આવેલો બોસ અને ભરબપોરે તડકામાંથી ઘરમાં આવેલી પત્ની… આ બન્ને જોડે કોઈ માથાકુટ કરવી નહીં !
***
આવા ઉનાળામાં ‘પોતાના પરસેવાની કમાણી’ માત્ર બે જ જણા ખાય છે…
એક, બેકરીની ભઠ્ઠીમાં પાંઉનો લોટ બાંધનારો કારીગર અને બીજો બપોરના સમયે ચાર રસ્તા વચ્ચે ડ્યૂટી બજાવતો પોલીસવાળો…
***
“અડધી રાત્રે કંઈ પણ કામ હોય તો મને ફોન કરજે.” એવું કહેનારો ભલે એસી રિપેર કરનારો મિકેનિક હોય…
… તોય એને અડધી રાત્રે “યાર, મારા બેડરૂમનું એસી બગડી ગયું છે” એવા ફોન કોઈ કરતું નથી !
***
સાંજે સાડા ચાર વાગે ફૂટપાથ પર મુકેલા સિમેન્ટના બાંકડા ઉપર ભલે છાંયડો દેખાયો હોય, છતાં એની ઉપર બેસતાં પહેલાં સો વાર વિચાર કરજો…
… કારણ કે હજી સવા ચાર વાગ્યા સુધી તો એ બાંકડો તડકામાં હતો !
***
એ ધારાસભ્યના નામને ઉનાળામાં સૌથી વધુ ગાળો પડે છે…
… જેણે પોતાની ગ્રાન્ટમાંથી બનાવેલા સિમેન્ટના બાંકડા સાવ ‘ખુલ્લામાં’ મુકાવ્યા છે !
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment