કાનૂની ચેતવણી :
આ ફિલ્મની સ્ટોરીને મિડિયામાં ચગેલા કોઈપણ બળાત્કાર કેસ સાથે કોઈ સંબંધ નથી. જો કોઈ સંબંધ હોય તો તે માત્ર અને માત્ર મિડિયા સાથે જ છે !
***
એક યુવતીનો બળાત્કાર થઈ જાય છે. એ ફરિયાદ લખાવવા પોલીસ સ્ટેશને જાય છે. “સાહેબ, સાહેબ, મારી ઉપર બળાત્કાર થયો છે. તમે ફરિયાદ લખો….”
“એમ કંઈ ફરિયાદ ના લખાય !” હવાલદાર એને તતડાવી નાંખે છે.
“તું સગીરવયની છે ? લઘુમતી કોમની છે ? દલિત જાતિની છે ? ભટકતી જનજાતિની છે ? ગરીબ છે ? તારી ઉપર બળાત્કાર કરનારાઓ બહુમતી કોમના છે ? સવર્ણો છે ? કોઈ મિનિસ્ટર છે ? કોઈ નેતા છે ? તારી ઉપર ગેંગ રેપ કરીને તને મારી નાંખવામાં આવી છે ? તારી કોઈ લાશ છે ?”
છેલ્લા બે સવાલો સાંભળીને યુવતી ડઘાઈ જાય છે. “તમે કેવી વાહિયાત વાત કરો છો ? મારી ઉપર ગેંગ રેપ નથી થયો ! અને હજી હું જીવતી છું…”
“ઠીક છે, પણ મેં આગળ જે સવાલો પૂછ્યા એનું શું ?”
હવાલદારના સવાલથી યુવતી મુંઝાઈ જાય છે. “સાહેબ, હું તો પુખ્તવયની, બહુમતી કોમની, મધ્યમ જ્ઞાતિની સાધારણ છોકરી છું. અને મારી ઉપર બળાત્કાર કરનારો કોઈ મોટો નેતા કે મિનિસ્ટર પણ નથી.”
“અરેરે….” હવાલદાર નિરાશ થઈ જાય છે. તે સહાનુભૂતિથી આંસું સારતાં કહેવા લાગે છે “દિકરી, હું તારો કેસ નોંધી તો લઈશ, પણ એનાથી કશો ફેર નહિ પડે. વરસોનાં વરસો નીકળી જશે. એના કરતાં તું એક કામ કર. કોઈ મિડિયાવાળાને પકડ…”
***
“યુવતી એક મિડિયાવાળા રિપોર્ટરને પકડે છે.” રિપોર્ટર કહે છે “જુઓ બહેન, આમાં કોઈ સેન્સેશનલ સ્ટોરી બનતી નથી. હું તમારી બાઈટ તો લઈ લઉં, પણ…”
યુવતી ભડકે છે “મારી બાઈટ ? તમે મને બચકું ભરવાની વાત કરો છો ? શરમ નથી આવતી ?”
રિપોર્ટર ગભરાઈ જાય છે. “ના ના મેડમ, બાઈટ એટલે ? તમારાં કેમેરામાં બોલેલાં બે ચાર વાક્યો ! અમારી ચેનલની લાઈનમાં એને બાઈટ કહે છે…”
“ઓહ… એવું છે ?” યુવતીને નવાઈ લાગે છે. “જો બે ચાર વાક્યોને તમે બાઈટ કહો છો તો ટીવીમાં જે નેતાઓનાં આખેઆખાં ભાષણો બતાડો છો એને શું કહેવાય ?”
“એ તો અમારું બ્રેડ એન્ડ બટર છે !”
રિપોર્ટર કહે છે “તમે એ બધું છોડો. હું તમને એક મહિલા વકીલનો નંબર આપું છું. તમે એને જઈને મળો. એ એક એનટી સોશિયલ એનજીઓ ચલાવે છે.”
“એન્ટી સોશિયલ એનજીઓ?” બિચારી યુવતી ગભરાઈ જાય છે. “એવી અસામાજિક સંસ્થામાં જતાં તો મને ડર લાગે !”
મિડિયાવાલો હસી પડે છે. “ના એવું નથી, એમની એનજીઓનું નામ NT છે.... NON TERRRORIST સોશિયલ સેવા સંસ્થાન.”
***
બિચારી યુવતી કંટાળીને પેલી મહિલા વકીલ પાસે જાય છે ! જાડા ચશ્મા પહેરતી એ મહિલા વકીલને ઘણા વખતથી કોઈ ફેમસ કેસ મળ્યો નથી. એટલે તે યુવતીનો કેસ લેવા તૈયાર થઈ જાય છે. એ કહે છે :
“જો છોકરી, સૌથી પહેલાં તો તું એક કામ કર. તારું જાતિ પરિવર્તન કરાવી નાંખ !”
યુવતી ચોંકી જાય છે. “હાય હાય ! મારે એવું ઓપરેશન નથી કરાવવું હોં ?”
ચશ્માવાળી મહિલા વકીલ કહે છે “ના ના, જાતિપરિવર્તન એટલે ? જ્ઞાતિ પરિવર્તન ! હું તને પછાત જ્ઞાતિનું સર્ટિફિકેટ અપાવી દઈશ. પછી તું એક મોટા નેતા ઉપર બળાત્કારનો આરોપ મુકજે !”
“પણ કોઈ નેતાએ મારી ઉપર બળાત્કાર કર્યો જ નથી !”
“ખબર છે ! પણ આપણે આરોપ કરીશું એટલે પોતાની જાતને નિર્દોષ સાબિત કરવા માટે એ આખા પોલીસતંત્રને ધંધે લગાડી દેશે ! એમાં ને એમાં તારો અસલી બળાત્કારી મળી આવશે !”
“વાહ ! પછી એ બળાત્કારીને સમજા મળી જશે ?” યુવતી ખુશ થઈ જાય છે.
પણ મહિલા વકીલ ઠંકથી કહે છે “ના… અમે મિડિયામાં એટલી બધી હોહા મચાવીશું કે લોકો એમ જ માનશે કે નેતાએ જ કોઈ બોગસ ડમી માણસને બલિનો બકરો બનાવ્યો છે ! હા… હા…. હા… બહુ મઝા આવશે”
***
છેવટે, 'ભલે એમ કરતાં યે પેલો બળાત્કારી જેલમાં તો જશે ને ?' એમ વિચારીને યુવતી કેસ ઠોકી દે છે. ટીવીમાં એનો ચહેરો બતાડતા નથી પણ એ ‘અનામિકા’ના નામથી ફેમસ થઈ જાય છે.
આમ કરતાં કરતાં છ વરસ સુધી કેસ ચાલે છે.
છેલ્લે ચુકાદો આવે છે કે મિનીસ્ટર નિર્દોષ છે.
બીજા દિવસે છાપામાં હેડલાઇનો છપાય છે.. “નો વન રેપ્ડ અનામિકા !” યુવતી ઉપર બળાત્કાર થયો જ નહોતો… બોલો.
Comments
Post a Comment