છેક 1991થી ટીવીમાં સાસ-બહુની સિરિયલો આવ્યા કરે છે. આજે 20 વરસ થવા આવ્યાં છતાં એમાં કોઈ ફેરફારો થતા જ નથી.
અમારું માનવું છે કે સિરિયલો માટે હવે નવા નિયમો બનાવવા જોઈએ…
***
નિયમ (1) 20 વરસનો જમ્પ
જ્યારે જ્યારે વાર્તામાં 20 વરસનો જમ્પ આવે ત્યારે મહિલા પાત્રોના વાળની 2 લટને બદલે પુરેપુરી 20 લટો સફેદ કરવાની રહેશે.
***
નિયમ (2) પરિવારોમાં ટીવી
સિરિયલોના મલ્હોત્રા પરિવારો, ગુપ્તા પરિવારો કે ગડા પરિવારોનાં પોતાનાં ઘરોમાં પણ ટીવી હોવા જોઈએ. એટલું જ નહિ, એ પરિવારો પોતે કયા પરિવારોની સિરિયલો જુએ છે એ બતાવડવું પડશે.
***
નિયમ (3) વેશભૂષા સ્કોર
કોઈપણ મહિલા પાત્ર પરદા ઉપર આવે કે તરત તેનો વેશભૂષા સ્કોર બતાડવો પડશે. જેમકે સાડી નંબર 128, બ્લાઉઝ નંબર 253, સ્ટિકર બિંદી નંબર 7256, સેન્ડલ નંબર 445, બંગડી નંબર 3746થી 3756… વગેરે.
***
નિયમ (4) પ્લાસ્ટિક સર્જરી
જે પાત્રએ પ્લાસ્ટિક સર્જરી કરાવી હોય તેણે પોતાના ઓરીજીનલ ચહેરાનો પાસપોર્ટ સાઈઝનો ફોટો, ઓરીજીનલ આધાર કાર્ડ તથા ઓરીજીનલ વજન, ઉંચાઈ તથા દરજીનાં માપ વગેરેની આખી ફાઈલ પોતાની સાડીના પાલવમાં રાખવી પડશે.
***
નિયમ (5) ઘરઘથ્થુ કામો
સિરિયલનાં પાત્રો ગેસનો બાટલો બદલતાં હોય, ઊડી ગયેલી ટ્યૂબલાઈટ સરખી કરતા હોય, ફેસબુકમાં ધ્યાન રાખતાં રાખતાં બાબલા-બેબલીના વાળ ઓળી આપતાં હોય તથા ટીવી જોતાં જોતાં શાક સમારતાં હોય… એવાં ઘરેલું કામો પણ વારંવાર બતાડવાના રહેશે.
***
નિયમ (6) ઝગડા તથા કંકાસ
માત્ર પ્રોપર્ટી માટે નહિ પણ… દરજીએ બ્લાઉઝનું ફિટીંગ બગાડી નાંખ્યું હોય, પ્લમ્બરે ફીટ કરેલો નળ લીક થયા કરતો હોય, પસ્તીવાળો વજનમાં ગોલમાલ કરી ગયો હોય, કામવાળી બાઈ ફ્રીઝમાંથી હંમેશાં ઠંડા પાણીના બાટલા પી જતી હોય… એવા કારણોસર થતા ઝગડાઓ પણ બતાડવાના રહેશે.
***
નિયમ (7) ‘આગે દેખિયે…’
આવું ટીવીમાં નહિ, પણ રસ્તે ચાલતાં ચાલતાં મોબાઈલમાં મોં ખોસી રાખતા લોકોને પણ કહેવાનું રહેશે !
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment