એક ભાઈનું વોટ્સએપમાં સ્ટેટસ છે… Typing…
એ વાતને 11 મહિના થઈ ગયા ! શી ખબર એવું તે શું ટાઈપ કરે છે કે પતતું જ નથી ?
***
બીજા એક ભાઈનું સ્ટેટસ છે,
Running in Surat Marathon…
ઓ, હલોઓઓ… એ મેરેથોન ચાલુ થયાને બે મહિના થવા આવ્યા ! હજી દોડો છો ? ક્યાં પહોંચ્યા ? માથેરાન કે મહાબળેશ્વર ?
***
એક બહેને લખી રાખ્યું છે
“Can’t talk. Whatsapp only…”
પણ જ્યારે બી એમને ફોન લગાડો તો સાંભળવા મળે છે કે “ધ પરસન ઈઝ ટોકિંગ ટુ સમવન એલ્સ !”
(લો બોલો, તોય સ્ટેટસમાં લખે છે ‘કાન્ટ ટોક’)
***
બીજી એક કન્યાનું છેલ્લા 33 દિવસથી સ્ટેટસ છે
It’s my birthday today !
જરા વિચારો, સતત કેટલી વાર જન્મી હશે આ બેબી ?
***
એક ભાઈનું સ્ટેટસ છે
“પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા…”
હકીકત એ છે કે જ્યારે જુવો ત્યારે એ નવરો પાનને ગલ્લે જ ઊભો હોય છે !
***
અમુક લોકોના સ્ટેટસ બહુ ફિલોસોફીકલ હોય છે. જેમકે “નીકળ્યો છું શાંતિની શોધમાં…”
ઓ વડીલ, શાંતિથી ઘરમાં બેસીને ઓનલાઈન સર્ચ કર્યા કરો ને ? ક્યાંક ખોવાઈ જશો તો ઉપાધિ થશે !
***
એક બકાનું સ્ટેટસ છે
“પ્રયત્નને પૂજનારા કદી નિષ્ફળ નથી જતા…”
સાચી વાત એ છે કે બકો 10મા ધોરણમાં ત્રીજા પ્રયત્ને પાસ થયો છે અને 12મા માં ચોથા પ્રયત્ને !
***
“આપ ભલા તો જગ ભલા.”
સ્હેજે વિચાર આવી જાય કે આ ભાઈની પ્લાસ્ટિકના ‘જગ’ બનાવવાની ફેકટરી તો નહિં હોય ને ?
***
એક મિત્રએ એમના સ્ટેટસમાં માત્ર એક ટપકું કર્યું છે. અમે વિચારી વિચારીને થાકી ગયા કે યાર, માત્ર એક ટપકું ? એનો મતલબ શું ?
છેવટે ટ્યૂબલાઈટ થઈ… Fullstop!!
ચાલો, પત્યું ?
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment