ધતિંગ ઉપવાસોમાં વરાયટી છે !

આ ખડૂસ નેતાઓ મંડપો બાંધીને ઉપવાસ કરવાના દેખાડા કરે એની આટલી બધી ચર્ચા ?

Farce (યાને કે અતિશયોક્તિથી ભરેલું ધતિંગ) હવે કોમેડી નાટકોમાંથી નીકળીને વાસ્તવિક્તામાં આવી ગયું છે ! તો ચાલો, એ ફાર્સનું જ પિષ્ટપેષણ કરીએ ?

***

અચોક્કસ ઉપવાસ

અચોક્કસ મુદતના નહીં, અચોક્કસ મુદ્દાના ઉપવાસ ! જાણે સડક ઉપર ઉપવાસ કરવાથી સંસદનો શોર બંધ થઈ જવાનો હોય !

***

કટિંગ ઉપવાસ

અડધી ચાયની જેમ હવે કટિંગ ઉપવાસ ચાલુ થયા છે ! સવારે 10-30થી સાંજે 4.30… અસહિષ્ણતાનો વિરોધ પણ સહનશીલતા વિનાનો !

***

સ્ટિંગ ઉપવાસ

કોઈ છોલે ભટુરે ખાતાં ઝડપાય, કોઈ પીવાના પાણી વડે  કુલરો ચલાવતા દેખાય, અને કોઈ મંડપોની  પાછળ ‘ભૂખ’ સમર્થકો માટે ‘ફૂડ’ પેકેટો વહેંચાય !

શેક્સપિયર કહી ગયો હતો : “ધ વર્લ્ડ ઈઝ અ સ્ટેજ !”

જી હા, કોમેડી નાટકોના તખતા વિશાળ થઈ ગયા છે.

***

પ્રતિ-ઉપવાસ

પ્રતીક ઉપવાસ નહીં...
પ્રતીક ઉપવાસની સામે પ્રતીક ઉપવાસ…
યાને કે ‘એન્ટી-ઉપવાસ!’
(કોઈ ખાઉધરા બનીને ઉપવાસનો વિરોધ  કરો ને ?)

***

ના-મરણાંત ઉપવાસ

બિચારા ગાંધીજીના આમરણાંત ઉપવાસને લીધે આખા દેશને ટેન્શનો થઈ જતાં હતાં, હવે તો ના-મરણાંત ઉપવાસો જ છે !

નેતા ? અને ભૂખે મરે ? ખાંડ ખાઓ છો, ખાંડ…

***

લોકપાલ ઉપવાસ

આ ઉપવાસ ઇન્સ્ટોલમેન્ટમાં કરી શકાય છે. હમણાં તો છ મહિનાનું ઇન્સ્ટોલમેન્ટ લીધું છે, આગળ જતાં એકાદ મન્થલી હપ્તો આવશે ?

કે પછી બે ‘કટિંગ’ હપ્તા ?

***

ગુપ્ત ઉપવાસ

હેં ? કોણ કરી રહ્યું છે. ગુપ્ત ઉપવાસ ?

ઓફિસોમાં, બંગલાઓમાં ખૂણે ખૂણે છુપા કેમેરા ગોઠવો ! શોધી કાઢો કે આ ગુપ્ત કારસ્તાન કોનું છે ?

… છેવટે ખબર પડે કે બિચારાં ગરીબ મા-બાપ પોતાના સંતાનો ભૂખ્યાં ના રહે એ માટે પોતે ભૂખ્યા રહ્યા છે એ વાત છૂપાવી રહ્યા હતા…

- મન્નુ શેખચલ્લી

Comments