ફોરવર્ડ કરતાં ફાટે છે?

મોબાઈલમાં રોજના સેંકડોના હિસાબે ફોરવર્ડેડ મેસેજો આવતા રહે છે. એમાં અમુકની નીચે લખ્યું હોય છે : ‘પ્લીઝ ફોરવર્ડ ઈફ યુ એગ્રી…’

પરંતુ અમે અમુક એવા મેસેજો બનાવી કાઢ્યા છે કે એની સાથે તમે ‘દાંત કચકચાવીને’ એગ્રી થતા હો છતાંય ફોરવર્ડ કરવાની હિંમત નહીં કરી શકો !

જોઈ લો… ઈટ્ અ ચેલેન્જ.

***

હું તમને છેલ્લા 157 દિવસથી ગુડ મોર્નિંગના ફોટા મોકલું છું પણ તમે એને ખોલીને જોતા પણ નથી ? જાવ… BAD MORNING !

***

હું તો આ ગ્રુપમાં હેપ્પી બર્થ-ડે, હેપ્પી એનિવર્સરી અને RIP કરવા જ બેઠો છું ...

બાકી અહીં તો TOTAL પકાઉ બકવાસ ચાલી રહ્યો છે ! હીહીહી…

***

એરંડાના પાન સળંગ સાત સુધી નરણે કોઠે ચાવવાથી ડાયાબિટીસ 100 ટકા ગેરંટીથી મટી જાય છે.

જો તમને ડાયાબિટીસ હોય, પરંતુ એરંડાના પાન ચાવવાની હિંમત ના થતી હોય…

તો આ મેસેજ એટલો ફોરવર્ડ કરો કે કોઈ ઘનચક્કર ‘હિંમતવાળો બબૂચક’ એરંડાના પાન ચાવીને કોઈકને તો ગાળો દેશે ? હાહાહા...

***

ગુડ ન્યુઝ !! ગુડ ન્યુઝ !!

આ મેસેજ વાંચીને મિનિમમ 20 જણાને ફોરવર્ડ કરો… અને માત્ર 1 જ સેકન્ડમાં તમને ગુડ ન્યુઝ મળશે ! મેસેજ છે…

“હું મુરખ છું અને તમે ય મુરખ છો!”

***

ફલાણી કેન્સર હોસ્પિટલ બહુ સારી છે. ત્યાંના સેવાભાવી ડોકટરો ગરીબ દર્દીઓને મફત સારવાર આપે છે. તમે પણ એમને મદદરૂપ થાવ… દાન કરો…

જોકે હું તો 1 પૈસાનું યે દાન કરવાનો નથી એટલે જ મેં તમને મેસેજ ફોરવર્ડ કર્યો છે !

તમે પણ દાન ના કરવાના હો તો બીજાઓને ફોરવર્ડ કરજો ! આ તો શું છે, સેવાનું કામ છે !

***

કાકા : મણિનગર જવું છે ?

રીક્ષાવાળો : હા.

કાકા : તો જા ને ?

આજે આ જોકને 75 વરસ થયાં ! મગર માર્કેટ મેં નયા હૈ ! જલદી ફોરવર્ડ કરો !

***

(ઉપરના અમુક મેસેજો તો કદાચ ફોરવર્ડ કરી પણ નાંખો, પરંતુ હવે પછીનો જે મેસેજ છે એ તમે ફોરવર્ડ કરવાની હિંમત હરગિઝ નહીં કરી શકો.)

તમે એ જ છો ને ! ....જે મને વરસમાં 1 વાર ‘હેપ્પી દિવાલી’ અને 2 વાર ‘હેપ્પી ન્યુ યર’ના મેસેજો મોકલે છે ?

… ના ના આ તો useless contactsનો કચરો કાઢવાનો વિચાર આવ્યો ને, એટલે યાદ આવ્યું !

- મન્નુ શેખચલ્લી

Comments