બિચારા સલમાનને પસ્તાવો થઈ રહ્યો છે.
આજથી 20 વરસ પહેલાં તેણે હરણાંનો શિકાર કર્યો હતો કે નહોતો કર્યો ?
એ તો બીજાં 20 વરસ પછી જ નક્કી થશે પણ દરમ્યાનમાં સલમાનની એક એવી ફિલ્મ આવશે જેમાં સલમાન ‘હરણ’નો રોલ કરશે !
ફિલ્મનું નામ છે... being hiran !
***
દ્રશ્ય : ૧ (જંગલ)
જંગલમાં હરણાં આમથી તેમ ચરી રહ્યાં છે. ત્યાં એક હરણ “Being Hiran”નું ટી-શર્ટ પહેરીને આવી પહોંચે છે. બીજા હરણાં પૂછે છે :
“યે ક્યા હૈ? ઐસા ટી-શર્ટ ક્યું પહના હૈ ?”
હરણ કહે છે "અગર સલમાન ‘ઈન-હ્યુમન’ હોકર ભી ‘બિઇંગ હ્યુમન’ કા ટી-શર્ટ પહન સકતા હૈ તો ક્યા મૈ ‘બિન-હિરન’ હોકર ‘બિઇંગ-હિરન’ નહીં હો સકતા ?"
“મતલબ ? ક્યા તુમ હિરન નહીં હો ?”
“નહીં, મૈં સલમાન હું ! મગર મૈં હિરન કા ભેસ બદલકર હિરન-મર્ડર-કેસ સોલ્વ કરને આયા હું…”
***
દ્રશ્ય : 2
જંગલમાં એ જ હરણાં એ જ રીતે આમથી તેમ ચરી રહ્યાં છે.
એક હરણું પૂછે છે “યાર, આ ઘાસ કેમ સૂકાઈ ગયેલું છે ? આ ઝાડના પાંદડાં પણ સૂકાઈને બ્રાઉન થઈ ગયાં છે…. અરેરે, આપણા જંગલમાં દુકાળ પડી ગયો છે ?”
બીજું હરણ કહે છે “ટોપા ! દુકાળ-બુકાળ કશું નથી. આ તો ફ્લેશ-બેક ચાલે છે ને, એટલે બધું બ્રાઉન-બ્રાઉન છે !”
ત્યાં દૂરથી એક જીપ આવતી દેખાય છે. જીપમાં ઊભેલા લોકો પાસે ગન છે. અચાનક ‘બિઇંગ હિરન’ ત્યાં આવીને કહેવા લાગે છે “દેખો દેખો ! સલમાન આયા ! સૈફ આયા ! નીલમ આઈ ! તબુ આઈ ! સોનાલિ બેન્દ્રે આઈ !”
હરણાં ગભરાઈને કહે છે “પણ એમના હાથમાં ગન છે ! એ લોકો હમણાં શૂટિંગ કરશે.”
બિઇંગ હિરન કહે છે “નહીં નહીં ! યે તો ફ્લેશ-ગન હૈ ! ઔર યે શૂટિંગ નહીં ફિલ્મ-શૂટીંગ કર રહે હૈ ! ચલો, મેરે સાથ બોલો… ઢીશ્કીયાઉં ! ઢીશ્કીયાઉં !!”
એવામાં ખરેખર ગોળીઓ છૂટે છે. બે હરણાં ઢળી પડે છે. બિઇંગ હિરન તરત જ મોબાઈલ કાઢીને બાકીનાં હરણાંઓને પાસે બોલાવતાં ગાવા લાગે છે ....“ચલ બેટા સેલ્ફી લે લે રે !”
હરણાંઓ ચીડાઈ જાય છે “નાલાયક, તને આવા સમયે સેલ્ફીઓ લેવાનું સુઝે છે ?”
બિઇંગ હિરન કહે છે “આપ લોગ સમજ નહીં રહે હો…. હમ સેલ્ફી નહીં, સબૂત લે રહે હૈં સબૂત !” પછી મનમાં બબડે છે :
“મૈં તુમ્હારે જંગલ મેં આઉંગા મગર તુમ્હારી સમજ મેં નહીં…”
(અહીં સસ્પેન્સ ટાઈપનું મ્યુઝિક વાગે છે. બિઇંગ હિરનના ચહેરા પર ભેદી સ્માઈલ આવે છે.)
***
દ્રશ્ય : 3, 4, 5, 6, 7, 8 વગેરે
બિઇંગ હિરન ફોટાઓ, સાબિતીઓ વગેરે લઈને ઊંચા ઊંચા કોર્ટનાં મકાનો આગળ જઈ જઈને ગાયા કરે છે : “ઊંચી હૈ બિલ્ડીંગ, લિફ્ટ તેરી બંધ હૈ, કૈસે મેં આઉં ? દિલ રજામંદ હૈ…”
બિચારાં હરણાંઓને લાગે છે કે કોર્ટ-કચેરીમાં તો ટાઈમ લાગવાનો જ છે. એટલે એ બધાં ફરી ચરવામાં લાગી જાય છે. દરમ્યાનમાં બિઇંગ હિરન અલગ અલગ હરિણીઓ સાથે રોમાન્સ કરવામાં બિઝી થઈ જાય છે.
ઐશ્વર્યાને કહે છે “તેરે મસ્ત મસ્ત દો નૈન…” કેટરિનાને કહે છે “ચલતી હૈ ક્યા નૌ સે બારા…” લુલિયા વંતૂર નામની ફોરેનર હરિણીને કહે છે “મુજ સે શાદી કરોગી ?”
બધાં હરણાં તેને ખખડાવી નાંખે છે “તું અહીં અમારો કેસ લડવા આવ્યો છે કે લફરાં કરવાં ?”
બિઇંગ હિરન રડી પડે છે “મૈં કરું તો સાલા, કેરેક્ટર ઢીલા હૈ…”
***
દ્રશ્ય : છેલ્લું…
આમ કરતાં કરતાં 20 વરસ નીકળી જાય છે.
કેસનો એક ચુકાદો તો આવે છે પણ ‘શૂટિંગ’ કરનારા જામીન પર છૂટી જાય છે !
હરણાં બિચારાં ઉદાસ થઈ જાય છે ત્યાં એક પત્રકાર ઉંદરડો આવીને તેમને એક ફોટો બતાડે છે.
ફોટામાં સલમાન, સૈફ, પોલીસવાળા, વકીલો, સરકારી ઓફિસરો, જંગલખાતાનો સ્ટાફ… બધા સાથે સાથે ખભો મિલાવીને ઊભા છે.
નીચે લખ્યું છે “હમ સાથ સાથ હૈં !”
બિચારાં હરણાંઓએ ‘શૂટિંગ’ વખતે જ ફિલ્મનું નામ પૂછી લેવાની જરૂર હતી ને ?
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment