ચેતવણી (1) : ‘રેઈડ’નો અર્થ ગુજરાતીમાં ‘ધાડ’ થાય છે, પણ આ ફિલ્મને ગુજરાતી ફિલ્મ ‘ધાડ’ સાથે માથાના દુઃખાવાનો પણ સંબંધ નથી.
ચેતવણી (2) : ગુજરાતીમાં ‘ધાડ મારવી’નો જે અર્થ થાય છે એ જ ટાઈપની ધાડ અજય દેવગણે મારીને કોઈ ધાડ નથી મારી ! ઓકે ?
***
આ 'રેઈડ' નામની ફિલ્મમાં ઇન્કમટેક્સ ઓફિસર બનેલો અજય દેવગણ ઉત્તર પ્રદેશના બહુ ખતરનાક નેતાના ઘરમાં રેઈડ પાડીને 420 કરોડની મિલકત કબજે લે છે. પણ 1881માં પડેલી એ મહા-રેઈડના નિયમો આજે પણ એવા જ છે....
જો એનું પાલન થાય તો જ રેઈડ સફળ થઈ શકે છે… 'રેઈડ' ફિલમની રેડી મેઈડ રેઈડ પણ આ જ નિયમોને કારણે સફળ થઈ છે ...
નિયમ (1)
ઇન્કમટેક્ષ ઓફિસરની એક જ પત્ની હોવી જોઈએ. એ સિવાય એનાં મા-બાપ, ભાઈ-બહેન કે બાલ-બચ્ચાં હોવાં જ ન જોઈએ કારણ કે નેતાના ગુન્ડાઓ આટલા બધા લોકો ઉપર હુમલાઓ કરે તો બિચારો ઓફિસર રેઈડ એનાં સગાવહાલાંને બચાવવા દોડે કે રેઈડ પાડે ?
નિયમ (૨)
ઓફિસના સ્ટાફમાં એક જ કારકુન ફૂટેલો અને લાંચિયો હોવો જોઈએ. જો 90 ટકા સ્ટાફ ફૂટેલો હોય તો રેઈડમાં કશું મળે જ નહિં ને ? બધું એડવાન્સમાં સગેવગે થઈ જાય.
નિયમ (૩)
સ્ટાફમાં ફક્ત એક જ જણ એવો હોવો જોઈએ જે નેતાના ઉપકારો તળે દબાયેલો હોય અને એક જ માણસને ડર લાગવો જોઈએ કે સાલો નેતા પાછળથી મારું મર્ડર કરાવી નાંખશે તો ?
બાકીના સ્ટાફ મેમ્બરો તો પોતે મરી જાય તેનો કેવો મસ્ત વીમો પાકશે તેની જ ઇન્તેજારીમાં હોંશે હોંશે રેઈડમાં જોડાવા જોઈએ !
નિયમ (૪)
420 કરોડનો દલ્લો એક જ બંગલામાં સંતાડેલો છે એની પાક્કી ઇન્ફરમેશન નેતાના જ ઘરમાંથી કોઈ ફૂટેલી વ્યક્તિએ આપેલી હોવી જોઈએ. નહિતર પિક્ચર ઇન્ટરવલ પહેલાં જ પુરું થઈ જાય. (રેઈડ પણ!)
નિયમ (5)
ફક્ત ઇન્ફરમેશન આપવાથી કામ નહીં ચાલે, રેઈડ ચાલુ હોય અને બધા બંગલાના મંદિરીયામાં ઘૂસ્યા હોય ત્યારે ઓફિસરના ચામડાના પાકિટમાં ખજાનો ક્યાં ક્યાં સંતાડેલો છે એનો એક નકશો પણ સરકાવી આપવો પડશે !
નિયમ (6)
આવડી મોટી રેઈડ પાડતાં પહેલાં છેક દિલ્હી સુધી કેટલા ઓફિસરોની પરમિશન લેવી પડશે તેની લેખકને જ ખબર ના હોવી જોઈએ ! નહિતર પિકચરનો સસ્પેન્સ પરમિશન આપનારા જ ‘લીક’ કરી નાંખે ને !
નિયમ (7)
રેઈડ માટે રાતના રોકાવું પડે તો માત્ર મેઈન ઓફિસરની બૈરી જ ટીફીન લઈને આવવી જોઈએ. બધાનાં બૈરાં અને બધી લેડીઝ કર્મચારીઓના ધણીઓ ટિફીનો લઈને આવી પહોંચે તો જમણવારમાં ભીડ કેટલી થઈ જાય ?
નિયમ (8)
ઓફિસરની બૈરી જે બે ટિફીન લઈને આવે એમાંથી જ 22 સ્ટાફ મેમ્બરે પેટ ભરવાનું રહેશે. ભલે ને દરેકના ભાગે અડધી રોટલી અને એક એક ચમચી શાક આવે ?
નિયમ (૯)
ટિફીન સિવાય બહારથી કશું મોકલવું નહીં. . .
કારણ કે સ્ટાફનાં ધણી-ધણિયાણીઓ તો ઓઢવાની ચાદર, નાઈટ ડ્રેસનો પાયજામો, ખાવાના ખાખરા, ટુથબ્રશ, ટુથપેસ્ટ અને સવારે ખુલાસીને ઝાડો થાય એ માટે હરડેની ગોળીઓ પણ આપવા આવે !
નિયમ (10)
નેતાના ઈશારે જ્યારે તેના 2000 ગુન્ડાઓનું ટોળું લાકડીઓ, ધારિયાં, છરા અને દાતરડાં લઈને ચારે બાજુથી ધસી આવે ત્યારે ભાગી છૂટવા માટે બંગલાની પાછળની સાઈડે એક છૂપો રસ્તો અગાઉથી શોધી રાખવો પડશે.
નિયમ (11)
સ્ટાફ મેમ્બરો પાછલા રસ્તેથી ભાગી જાય પછી એક રૂમનાં બારણાં બંધ કરીને ઓફિસર ઈમાનદારી ટાઈપનું આખું ગાયન બેક-ગ્રાઉન્ડમાં વાગવા દે…
...ત્યારે પેલું 2000નું ટોળું રૂમના બે દરવાજા તોડી જ ના શકે એવા મજબૂત દરવાજા નેતાએ જાતે બનાવીને રાખવા પડશે !
નિયમ (12)
આખું ગાયન પુરું થાય પછી જ પોલીસની જીપો સાયરન વગાડતી આવશે અને હિન્દી ફિલ્મોની વરસો જુની પરંપરાનું પાલન કરશે.
નિયમ (13)
આ સૌથી અગત્યનો નિયમ છે…
....ગમે તેટલા પ્રેશર છતાં ખુદ પ્રાઈમ મિનિસ્ટર પણ નેતાને મદદ ના કરે તો જ સમજવું કે નેતાજીની વાટ લાગવાની છે !
તે વખતે ઇન્દિરા ગાંધી હતા, અને આજે કોણ છે ? વિચારી લેજો, પછી કહેતા નહિ કે અમે કીધું નહોતું ...
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment