CBSE બોર્ડ કહે છે કે 1 થી 7 ધોરણનો અડધો અડધ સિલેબસ કશા કામનો નથી.
અમે પણ એ જ કહીએ છીએ કે આજના યંગસ્ટર્સને 1થી7માં ભણેલું શું કામમાં આવે છે? જેમ કે…
***
નફા-ખોટના દાખલા…
ભણી તો ગયા, છતાં કદી એવો સવાલ નથી થતો કે અલ્યા, હવા ભરેલી કોથળીમાં માંડ 20 પોટેટો ચિપ્સ મુકીને આપે છે એના 20 રૂપિયા કયા હિસાબે થઈ ગયા ?
***
નાગરિક શાસ્ત્રના પાઠ…
એ પણ ભણી ગયા હતા છતાં જ્યારે કોઈપણ ચૂંટણી આવે છે ત્યારે યંગસ્ટર્સ પૂછે છે, “લો, હવે વળી પાછું કયું ઈલેક્શન આવી ગયું ?”
***
ભૂગોળનાં ચેપ્ટરો…
ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ર્ચિમ, નકશાપોથી … બધું ચીતરવા છતાં આજે કોઈનું સરનામું શોધવું હોય તો મોબાઈલમાં ‘લોકેશન’ મંગાવવું જ પડે છે !
***
ક્ષેત્રફળના દાખલા…
ટ્યુશન સરે સાત સાત વાર કરાવેલા, છતાં નવો ફ્લેટ બુક કરાવવા જાય ત્યારે બિલ્ડર જે ‘કાર્પેટ એરિયા’ ‘બિલ્ટ-અપ એરિયા’ અને ‘સુપર બિલ્ટ-અપ એરિયા’નું ગણિત ગણાવે છે એમાં સમજ નથી જ પડતી !
***
ઘનફળના દાખલા…
એ શીખવા માટે તો એકસ્ટ્રા ક્લાસ ભરેલા, છતાં આજે 1 લિટર આઈસ્ક્રીમનું ખોખું ફ્રીજમાં મુકવાનું ભૂલી જવાય, પછી એ આઈસ્ક્રીમ ઓગળીને માત્ર અડધા લીટરનો કેમ થઈ જાય છે ? નથી સમજાતું !
***
કોમ્પ્યુટર એજ્યુકેશન…
ભણી તો ગયા, છતાં આજની છોકરીઓ એકબીજીને પૂછે છે “કયું લેપટોપ લઉં ? યલો કલરનું કે પિન્ક કલરનું ?”
***
અરે, લખતા વાંચતા શીખ્યા…
છતાં આજે છાપાં, મેગેઝિન કે પુસ્તકો કોઈ વાંચે છે ? બોલો, નક્કામું કહેવાય ને, આવું ભણતર…
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment