ફોરવર્ડ કરવાથી ફોરવર્ડ ના થવાય
ને શેર કરવાથી સવાશેર ના થવાય.
***
ગૂગલ કરે તેને જડે… પણ
ગૂગલમાં હોય તો મગજમાં જડે ને ?
***
પૂછતાં પૂછતાં પહોંચી જવાય
ગૂગલ મેપમાં ગોળ ગોળ ફરાય.
***
ગુરુ સાચો માર્ગ બતાડે
ગૂગલ તો માર્ગમાં ટ્રાફિક પણ બતાડે !
***
SIM હોય તો સીમાડે જવાય
SIM વિના સ્માર્ટ ના થવાય.
***
SIM ભલે હોય ‘જીઓ’
પણ ‘લાઈફટાઈમ’ હોય તોય મરો !
***
ગરબા વિનાનું ‘લોલ’
પ્રાઈઝ વિનાનું ‘ટેગ’
અને ઓળખાણ વિનાના ‘ફ્રેન્ડ’...
બધું સ્માર્ટફોનમાં જ હોય.
***
DPમાં જે ‘પાઉટ’ કરે
ને ‘પોસ્ટ’માં મુકે ‘કીસ’
એની ફેસબુક ફાંકડી
ફ્રેન્ડઝ મલે એકસો વીસ.
***
જેની સેલ્ફી બગડી એની સાંજ બગડી
અને જેનો DP બગડ્યો એનો દહાડો બગડ્યો.
***
વહેંચવા છતાં ખૂટે નહિ…
એને કહેવાય ‘શેર’ કર્યું !
***
બેઠાં બેઠાં ફોલો કરે
ચાલ્યા વિના ફોલો કરે
સમજ્યા વિના ફોલો કરે
એને અંધશ્રદ્ધાળુ નહિ
‘સ્માર્ટ’ ફોનવાળા કહેવાય !
***
સર્ચ કરવા એન્જિન છે
તોય માગે ‘લિન્ક’
ખુરશીમાંથી હલવું નથી
તોય માગે ‘સ્પીડ’ !
***
યુ-ટ્યુબ જોઈને રસોઈ કરે
ને ફેસબુક જોઈને ફેશન
ઓનલાઈન જોઈને શાક મંગાવે
એનું નામ મોડર્ન વુમન !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment