જીવનની અમુક વાતો એવી હોય છે કે જેની સચ્ચાઈની ખબર આપણને બહુ મોડી મોડી પડે છે. ચાલો, વહેલાં વહેલાં એ સચ્ચાઈઓ સમજી લો…
***
સચ્ચાઈ નં. (૧)
તમારા શરીરનો એક હિસ્સો એવો છે જેને તમે કદી સાબુ વડે સાફ કરી શકતા નથી.. એ છે તમારી આંખો.
સચ્ચાઈ નં. (૨)
તમારા શરીરનો એક હિસ્સો એવો છે જેને તમારા પોતાના હાથ વડે પણ ખંજવાળી શકતા નથી… એ છે તમારી પીઠનું ઉપલું મધ્યબિંદુ.
સચ્ચાઈ નં. (૩)
તમે તમારા માથા ઉપર ઉગેલા વાળ કદી ગણી શકતા નથી. (પણ હા, કાપેલા વાળ ગણી શકો છો. ઓકે?)
સચ્ચાઈ નં. (૪)
તમે છીંક ખાતી વખતે બે ચીજો હરગિઝ કરી શકતા નથી. એક, છીંક ખાતી વખતે આંખો ખુલ્લી રાખવી અને બે, મોં બંધ રાખવું ! (ટ્રાય કરી લેજો)
સચ્ચાઈ નં. (૫)
તમે બગાસું ખાતાં ખાતાં પાણી નથી પી શકતા. (જો ટ્રાય કરશો તો કોગળા થશે, પણ બગાસું તો નહિ જ ખવાય.)
સચ્ચાઈ નં. (૬)
તમે તમારી કોણી ઉપર ચોંટાડેલી ચૂંઈગ-ગમ બીજા હાથની મદદ સિવાય મોંમાં મુકી શકતા નથી. (પોતાના મોંમાં મુકવાની વાત છે. ઓકે?)
સચ્ચાઈ નં. (૭)
તમે તમારી જીભ વડે તમારા મોંઢાનાં તમામ દાંતોને અડી શકતા નથી. ટ્રાય કરી જુઓ.
સચ્ચાઈ નં. (૮)
અત્યારે અડધો અડધ વાચકો સચ્ચાઈ નંબર ૭ વાંચીને મોંમાં જીભ ફેરવી રહ્યાં છે !
સચ્ચાઈ નં. (૯)
જે રીતે જીભ ફેરવ્યા પછી જ તમને ખબર પડે છે કે અમુક કહેવાતી સચ્ચાઈઓ સચ્ચાઈ નથી હોતી, એ જ રીતે ન્યૂઝ ચેનલ ફેરવ્યા પછી જ તમને સચ્ચાઈઓની સચ્ચાઈ ખબર પડે છે.
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment