સમાચારો ઉપર વઘાર ...!


કેટલાક સમાચારો ઓલરેડી મસાલેદાર હોય છે. પરંતુ એમાં જરી અમથો વઘાર કરીએ તો તે વધારે ચટાકેદાર બની જાય છે ! જુઓ નમૂના…

***

સમાચાર

રાહુલ ગાંધી ‘નમો’ એપ ડિલીટ કરવા માગતા હતા પણ કંઈક એવું થયું કે કોંગ્રેસની જ એપ બંધ થઈ ગઈ.

વઘાર

થોડા દિવસો પહેલાં મેઘાલયમાં પણ આવું જ કંઈક બની ગયું હતું ને !

***

સમાચાર

ક્યાંક કરોડોની તો ક્યાંક લાખો રૂપિયાની જૂની 500/1000ની નોટો ઝડપાઈ રહી છે.

વઘાર

જોયું ? જુની નોટોના હજી ભાવ ઉપજે છે ! એટલે જ માયાવતીજી ત્રીજો મોરચો રચવા માગે છે.

***

સમાચાર

ઇન્ટરનેટની સ્પીડના મામલે ભારત હજી દુનિયામાં છેક 109માં નંબરે છે.

વઘાર

એક મિનિટ, સ્પીડ આ રીતે ના મપાય... મુકેશ અંબાણીના દિકરાની સગાઈના ફોટા કેટલી ઝડપથી આખા દેશમાં ફેલાઈ જાય છે એની ઉપરથી ભારતની સ્પીડ નક્કી થવી જોઈએ !

***

સમાચાર

ધારાસભ્યોની મત-વિસ્તારની ગ્રાન્ટ 1 કરોડથી વધારીને 1.5 કરોડની કરવામાં આવી છે.

વઘાર

નવરા નાગરિકો માટે ખુશખબર… હવે રાજ્યભરમાં ‘બાંકડાઓની સંખ્યા’ વધી જવાની છે !

***

સમાચાર

બોલ-ટેમ્પરીંગના મામલે ઓસ્ટ્રેલિયાના ક્રિકેટરો દુનિયાભરમાં બદનામ થઈ ગયા.

વઘાર

એટલે જ કહીએ છીએ કે બોલ-ટેમ્પરીંગ કરતાં મેચ-ફિક્સિંગ જ વધારે સલામત છે ! પૂછી જુઓ લલિત મોદીને…

***

સમાચાર

તમારી કોઈ માહિતી ગુપ્ત નથી. સરકારને તમારું નામ, સરનામું, ફિંગરપ્રિન્ટ તથા લોકેશન… બધાની ખબર છે.

વઘાર

બીજું બધું તો સમજ્યા, પણ યાર, ‘લોકેશન’ની ખબર પત્નીને ના પડવી જોઈએ !

-મન્નુ શેખચલ્લી

Comments