ફેસબુકમાંથી માહિતીની ચોરીની જે બખેડો ચાલ્યો છે. એમાં બન્ને ટાઈપની માહિતીઓની ગમ્મત જામી છે ! જુઓ…
***
જાહેર માહિતી
‘ડિલીટ ફેસબુક’ની જે ઝૂંબેશ ચાલી છે તે ફેસબુક ઉપર જ ફેલાઈ રહી છે !
....આ તો એવી વાત થઈ કે “આ પૂલ તોડી પાડો ” એવી બૂમો પાડતું સરઘસ પૂલ ઉપર જ ઊભું છે !
***
ખાનગી માહિતી
ફેસબુક લોકોની ગમે એટલી ખાનગી માહિતી ભેગી કરે....
પણ બોલો, ફેસબુકને હજી ખબર નથી કે મારી પત્નીની સાચી ઉંમર કેટલી છે !
***
જાહેર માહિતી
અમારાં એક કાકી અમારા કાકા જોડે પરમ દહાડે જ ઝગડતાં હતાં કે “હું આખા ગામમાં કહેતી ફરું છું કે તમારામાં જરાય અક્કલ નથી, પણ એ ખાનગી વાત તમને કરી કોણે ? જરૂર તમારી કોઈ સગલી હશે…”
***
ખાનગી માહિતી
અમારા કાકા પણ ભડકેલા છે. મને કહે છે “મારી બેન્કના મેનેજરને ખબર પડી ગઈ છે કે મારા ખાતામાં કેટલા રૂપિયા છે ! સાલું, હવે રૂપિયા ઉપાડીને ઘરમાં લાવું તોય ઉપાધિ....
કારણ કે પેલા મેનેજર પાસે મારા ઘરનું એડ્રેસ પણ છે !”
***
જાહેર માહિતી
ભાજપ અને કોંગ્રેસ FBના ડેટા ઉપર જેટલી ચાંપતી નજર રાખે છે....
...એમાંની અડધી યે PNB, SBI, BOB વગેરેના ડેટા ઉપર રાખી હોત તો આપણા રૂ. 7.60 લાખ કરોડ આજે હલવાણા ના હોત !
***
ખાનગી માહિતી
ગઈકાલે જ નીરવ મોદી કોઈને કહેતો હતો કે એક પાસવર્ડ ચોરનારને તો સરકાર પકડી શકતી નથી...
.....ત્યાં 10 કરોડ લોકોનો ડેટા ચોરનારને ક્યાંથી પકડવાની હતી ?
***
જાહેર માહિતી
શું કહ્યું ? ફેસબુકનો ઉપયોગ લોકોનાં બ્રેઈન વોશિંગ માટે થાય છે ?
...... મતલબ કે હવે બાબા રામરહીમ, આસારામ કે નિર્મલબાબાની કોઈ જરૂર જ ના રહી ?
***
… અને સાચી માહિતી
સીધી વાત છે, તમારી પત્ની ક્યાં ફરે છે એની ભલે આખી દુનિયાને ખબર હોય....
..... પણ તમારી અરજીની ફાઈલ ક્યાં અટકી છે એ જાણવા માટે તો RTI જ કરવી પડે છે !
-મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment