રાજ્યસભાની ચૂંટણી વખતે જે ક્રોસ-વોટિંગ થયું એમા નાનો ધરતીકંપ આવી ગયો ! જોકે રાજકારણમાં આવું ચાલતું જ રહે છે….
પરંતુ આપણી મામૂલી જિંદગીમાં ક્રોસ-વોટિંગ ક્યારે થઈ જાય છે ? જુઓ નમૂના…
***
ક્રોસ-વોટિંગ ઘરમાં…
પત્ની ફેસબુકમાં નવું પિક અપલોડ કરે ત્યારે પતિ ‘વાઉ’, ‘નાઈસ’, ‘અંગૂઠો’ એવી રેગ્યુલર કોમેન્ટો કરે. પણ પત્નીની રૂપાળી ફ્રેન્ડના નવા પિક ઉપર ‘સુપર્બ’... ‘લુક સ્ટનિંગ !’.... ‘જાનલેવા…’ ‘આંખ પર ચોંટાડેલા દિલ’.... એવી મસ્ત કોમેન્ટો કરી નાંખે…
- એને ક્રોસ-વોટિંગ કહેવાય !
***
ક્રોસ-વોટિંગ ફ્રેન્ડઝમાં…
પોતાનો ખાસ ભાઈબંધ જેને ‘તારી ભાભી’, ‘તારી ભાભી’ કહી કહીને પોતાની ‘પરમેનેન્ટ’ માનતો હોય... એ જ છોકરીની સ્કુટીનો પીછો કરીને, પેલી મોં ઉપરથી દુપટ્ટો ઉતારે એ પહેલાં તો પોતાની હેલ્મેટ ઉતારીને ‘આઈ લવ યુ’ કહીને ભાગી છૂટે…
- એને ક્રોસ-વોટિંગ કહેવાય !
***
ક્રોસ-વોટિંગ સ્ટાફમાં…
કર્મચારી યુનિયનનો પોતે ખજાનચી હોય, અમુક તારીખે ‘સામૂહિક રજા’ મુકીને વિરોધ કરવાનું નક્કી હોય, એવા વખતે આ ‘ખજાનચી’ સવારના પહોરમાં બોસના ઘરે હાથમાં ફૂલોનો બુકે લઈને ‘હેપ્પી બર્થ-ડે’ કરવા પહોંચી જાય....
- એને ક્રોસ-વોટિંગ કહેવાય !
***
ક્રોસ-વોટિંગ ગલીમાં…
રાત્રે ગલીમાં અજાણ્યો માણસ આવતો દેખાય કે તરત સામટાં એક ડઝન કૂતરાં ભસા-ભસ કરવા માંડે… એવામાં પેલો માણસ બ્રેડનો એક જ ટુકડો નાંખે, એ જોઈને કૂતરું પૂંછડી જ પટપટાવતું તેની પાસે પહોંચી જાય…
- તેને ક્રોસ-વોટિંગ કહેવાય !
***
ક્રોસ-વોટિંગ ક્રિકેટમાં
‘કમ ઓન ઇન્ડિયા… કમ ઓન ઇન્ડિયા…’ કહીને ઉછળી ઉછળીને તમે મેચ જોતા હો અને છેલ્લી ઓવરમાં ઇન્ડિયા હારી જાય ત્યારે “સાલાઓ, સાવ નક્કામાં છે… શૂટ કરી નાંખવા જોઈએ બધાને !” એવું કહીને સોફાના તકિયામાં લાત મારો…
- એને પણ ક્રોસ-વોટિંગ કહેવાય !
***
ક્રોસ-વોટિંગ દિલ્હીમાં
બીજા નેતાઓ ઉપર આરોપોની ઝડીઓ વરસાવ્યા પછી અચાનક બદનક્ષીના કેસોમાં માફી માંગીને ‘માંડવાળી’ કરવા માંડે…
- એને પણ ક્રોસ-વોટિંગ ના કહેવાય ?
***
મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment