આહાહા... પેટ્રોલની સસ્તાઈના એ દિવસો !


અરેરે… આજે યાદ આવી રહ્યા છે પેટ્રોલની ‘સોંઘવારી’ના એ દિવસો !

***

જ્યારે આપણે મીટરમાં ભાવ જોયા વિના વટથી ઓર્ડર આપતા હતા “ચલ, વીસનું ભરી દે બકા !”

***

અરે, મધરાતે ૧૨ વાગ્યાથી પેટ્રોલનો ભાવ 25 પૈસા વધવાનો છે એવી ખબર પડે તો ‘ટાંકી ફૂલ’ કરાવવા માટે બબ્બે કિલોમીટર લાંબી લાઈનોમાં ઊભા રહેતા હતા !

***

એ તો ઠીક, પેટ્રોલના ભાવવધારા સામે વિરોધ કરવા માટે પૂતળું પણ ‘પેટ્રોલ’થી જ બાળતા હતા ! આહાહા… શું લકઝરી હતી !

***

પેટ્રોલની ટાંકી સ્હેજ ટપકતી હોય તો ચાર ચાર દહાડા લગી ગેરેજવાળાને બતાડવા ય નહોતા જતા !

***

ક્યાંક પેટ્રોલનું ટેન્કર ઊંધુ વળી ગયું એવા સમાચાર સાંભળીને ‘નુકસાન’ કેટલું થયું એ પૂછવાને બદલે ‘જાનહાનિ’ કેટલી થઈ એની જ ચિંતા થતી હતી…

***

અરે, પેટ્રોલની ચોરી કરનારી ગેંગને તો આપણે ‘ગરીબ’ સમજતા હતા !

***

કોઈ પૂછે કે તમારું બાઈક કેટલી એવરેજ આપે છે ? ત્યારે કરોડપતિની સ્ટાઈલમાં જવાબ આપતા હતા કે “ઠીક મારા ભઈ, ૧૦૦ રૂપિયાનું પેટ્રોલ એકાદ મહિનો ચાલે છે…”

***

અને બૉસ, છ-છ મહિના લગી પેટ્રોલના ભાવ એ ના એ જ રહેતા હતા !

***

એ તો ઠીક, બેરલ દીઠ ક્રૂડ ઓઈલનો ભાવ શું ચાલે છે એય મોઢે હતું !

***

‘ખાડી યુદ્ધની આર્થિક અસરો’નો નિબંધ ગોખાઈ જાય, પરીક્ષામાં લખાઈ જાય, અને એના માર્ક્સ પણ આવી જાય ત્યાં સુધી ભાવ એ જ રહેતા હતા ! બોલો.

***
અને આજે?
પેટ્રોલના ભાવમાં રુપાણી સાહેબે ચાર રુપિયાનો ધરખમ ઘટાડો ક્યારે કરેલો એ પણ આપણે ભૂલી ગયા છીએ ... શેઈમ શેઈમ.

-     મનુ શેખચલ્લી

Comments