નવ ખાતાકીય સવાલો ...!


આટ-આટલાં વરસોથી ભારતમાં સરકારો ચાલે છે અને આટ-આટલાં વરસોથી સરકારનાં ખાતાંઓ ચાલે છે, છતાં અમુક સવાલોના જવાબો અમને હજી સુધી મળતા જ નથી ! જેમ કે…

***

સવાલ (૧)

ગૃહખાતાનું નામ ‘ગૃહ’ ખાતું શા માટે છે ?

કારણ કે બોમ્બ ધડાકા, ગોળીબાર, રમખાણો, પથ્થરમારો, ટિયરગેસ, લાઠીચાર્જ… આ બધું તો આપણાં ‘ઘર’ની બહાર જ થાય છે !

***

સવાલ (૨)

એ જે રીતે એને અંગ્રેજીમાં ‘હોમ’ ડિપાર્ટમેન્ટ કહે છે. પણ સવાલ એ છે કે હોમ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ જે કામ ઓફીસમાં બેસીને કરે છે તેને ‘ઓફીસ-વર્ક’ શી રીતે કહેવાય ?

… ‘હોમવર્ક’ના કહેવાય ?

***

સવાલ (૩)

અમને હંમેશાં એ સવાલ થાય છે કે ‘બાંધકામ ખાતા’ની ઓફિસોનાં મકાનો જ કેમ સાવ ખખડી ગયેલાં દેખાય છે ?

***

સવાલ (૪)

અચ્છા, ‘એન્ટી કરપ્શન’ એટલે કે લાંચ રિશ્વત વિરોધી ખાતાના લોકો લાંચ ક્યારે લેતા હશે ? ડ્યૂટી પૂરી થઈ જાય પછી ?

***

સવાલ (૫)

અને એક મિનિટ, આપણા દેશમાં જે ‘વિદેશ ખાતું’ છે એમાં વિદેશીઓને નોકરી કેમ નથી આપતા ? (બાંગ્લાદેશીઓ આવું પૂછાવે છે.)

***

સવાલ (૬)

હવામાન ખાતું જ્યારે ભારે વરસાદની આગાહી કરે છે તે દિવસે હવામાન ખાતાનાં કર્મચારીઓને રજા કેમ નથી આપી દેતા ?

***

સવાલ (૭)

મને એ કહો, કે શું માહિતી ખાતું બીજા ખાતાંની માહિતી મેળવવા માટે ‘માહિતી અધિકાર’ (RTI)નો ઉપયોગ કરે છે ખરું ? માહિતી આપો…

***

સવાલ (૮)

જો સંસદ સરખી રીતે કદી ચાલતી જ નથી હોતી તો ‘સંસદીય બાબતોના’ મિનિસ્ટર પાસેથી રાજીનામું કેમ નથી માગી લેતા ?

***

સવાલ (૯)

અને છેલ્લે, બસ એટલું જ કહી દો કે આ ‘ઈન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટ’નો ‘આઈ-ક્યૂ’ કેટલો છે ?

- મન્નુ શેખચલ્લી

Comments