ચાલો, ઝીણી ઝીણી કચકચ છોડીને આજે જરા જાડી, એટલે કે એલિફન્ટ સાઈઝની જોક્સ માણીએ.
* * *
એક હાથી હતો.
એની સામે 12 કેળાં હતાં.
પણ એણે 11 જ ખાધાં.
12મું કેળું કેમ ના ખાધું ?
- કારણ કે એ પ્લાસ્ટિકનું હતું !
* * *
ચલો, હજી એક…
આ વખતે પણ એક હાથી હતો.
12 કેળાં હતાં.
પણ એણે બારેબાર કેળાં ના ખાધાં.
કેમ ?
કારણ કે આ વખતે હાથી પ્લાસ્ટિકનો હતો.
રમકડાંનો, યાર !
* * *
ચલો, હજી એક…
આ વખતે હાથી અસલી હતો.
કેળાં પણ અસલી હતાં.
છતાં એણે બારેબાર કેળાં ના ખાધાં
કેમ ?
કારણ કે કેળાં ટીવીમાં હતાં !
* * *
હજી એક છે…
હાથી પણ અસલી, કેળાં પણ અસલી.
બન્ને ટીવીની અંદર,
છતાં હાથીએ કેળાં ના ખાધાં.
કેમ ? કારણ કે બન્ને અલગ અલગ ચેનલમાં હતાં !
* * *
ચીડાવાનું નહિ, હજી એક છે…
હાથી અસલી, કેળાં અસલી.
બન્ને એક જ ટીવી ચેનલમાં.
છતાં હાથી કેળાં નહોતો ખાતો.
કેમ ? કારણ કે વચમાં કોમર્શિયલ બ્રેક હતો !
* * *
દાંત ના કચકચાવો. હજી એક છે…
હાથી અસલી, કેળાં અસલી.
હાથી એક, કેળાં 12.
હાથી ટીવીમાં નહોતો.
કેળાં પણ ટીવીમાં નહોતાં.
બન્ને રિયલમાં હતાં.
છતાં હાથીએ ૧૧ જ કેળાં ખાધાં.
બારમું ના ખાધું કેમ ?
કારણ કે ‘બારમું’ તો ‘બોર્ડ’નું હોય ને ?
બારમું તો ‘હાર્ડ’ હોય, બકા.
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment