ખાલી ડેમનો સદુપયોગ કરો ને ?


એક આફત આવી પડી છે. નર્મદા ડેમ ખાલી થઈ ગયો છે!

આ શી રીતે થયું ? ભૂલથી થયું ? અજાણતા થયું ? કે  એમાં ‘સૌની’ કોઈ યોજના હતી ? જે હોય તે, પણ હવે શું ?

ચિંતા ના કરો, આફતને અવસરમાં પલટી નાંખવામાં ‘સાહેબ’ની માસ્ટરી છે. ખાલી ડેમનો શી રીતે સદુપયોગ થાય તેના વિચારો એમના દિમાગમાં ચાલતા જ હશે જેમ કે…

***

નર્મદા કિનારે યોગ-મહાકુંભ

૨૧ જૂને ઈન્ટરનેશનલ યોગ દિવસ આવે તેના બરોબર સવા મહિના પહેલાં નર્મદાના આ તટ ઉપર જબરદસ્ત યોગ મહાકુંભ યોજી નાંખવાનો !

બાબા રામદેવની આગેવાનીમાં ૧૦૦૧ બાબાઓ તથા ૧૦૦૧ બેબીઓ.... ૧૦૦૧ મિડીયા પરસનની હાજરીમાં ‘મહાયોગા’ કરશે... જેનું લાઈવ પ્રસારણ ૧૦૧ દેશોમાં થતું હશે !

વોટ એ ‘યોગા-નુ-યોગ’

***

નર્મદા તટે જલ-સંકલ્પ

વહી ગયેલો સમય અને વહી ગયેલું પાણી પાછું નથી આવતું.
પરંતુ આવનારા સમય (૨૦૧૯) અને આવનારું પાણી (કાર્યકર્તાઓનું) બંનેને સાચવી રાખવા માટે હવેથી ટીપેટીપું બચાવવાના મહાસંકલ્પ માટે રાજ્યભરમાંથી લાખો લોકોને ભેગા કરવામાં આવશે !

એટલું જ નહિં, આવનાર દરેક વ્યક્તિ પોતપોતાના ઘેરથી ૧-૧ લોટો પાણી લાવીને નર્મદા મૈયાના ખોળામાં ઠાલવશે !

અને હા, પાછા જતી વખતે સૌને એક એક પાઉચમાં ‘નર્મદા-નીર’ ભેટ આપવામાં આવશે.... જય નર્મદે !

***

સરદાર ચરણ-સ્પર્શ દોડ

આ જ ડેમમાં ક્યાંક સરદાર વલ્લભભાઈનું પૂતળું મુકવાનું છે, યાદ છે ને !

એ હિસાબે, ડેમનું તળિયું તો સરદારશ્રીના ચરણ સમાન ગણાય ને ?
બસ, આ તર્ક ગોઠવીને લાખો પાટીદારોની હાજરીમાં એક ‘સરદાર ચરણ-સ્પર્શ દોડ’નું આયોજન થશે !

જેમાં સરદારશ્રીનું નામ વટાવી ખાવાની હોડમાં ઉતરેલા નેતાઓ તથા આગેવાનો ભાગ લેશે.

… રન ફોર પાટીદાર વોટ !

***

વિવિધ નૌકા સ્પર્ધાઓ

તમને થશે કે યાર મન્નુભાઈ, જ્યાં નદીમાં માંડ બે ફૂટ જેટલું પાણી બચ્યું છે ત્યાં વળી નૌકા સ્પર્ધાઓ શી રીતે કરશો ?

પણ એનો ઉપાય છે !

આ નૌકાઓ કાગળની હશે ! જેમ કે,
“વાયબ્રન્ટ નૌકા…”
“મેઈક ઈન ઇન્ડિયા નૌકા…”
“બુલેટ નૌકા…”

-મન્નુ શેખચલ્લી

Comments