ફિલ્મની શરૂઆતમાં ‘આ બધું કાલ્પનિક છે… આને રિયલ ઘટનાઓ કે માણસો જોડે કોઈ સંબંધ નથી…’ એ ટાઈપની જે સૂચના લખેલી આવે છે એટલાથી નહિ ચાલે !
અમને લાગે છે કે દરેક ફિલ્મ પહેલાં એ ફિલ્મને લાગુ પડે એવી સૂચના પણ હોવી જોઈએ ! આ રીતે…
***
ટોઈલેટ : એક પ્રેમકથા
આ ફિલ્મમાં ભલે ભેંસના લગ્ન માણસ સાથે થતાં બતાવાયાં હોય પણ ફિલ્મના નિર્માતાઓ કંઈ 'ભેંસો પરણાવવાનો' મેરેજ-બ્યુરો ચલાવતા નથી... તેની નોંધ લેવી. પાડાઓ પ્લીઝ માફ કરે !
***
ટાઈગર ઝિન્દા હૈ
આ ફિલ્મમાં વરુઓ તથા બીજાં કોઈપણ પ્રાણીઓ ઉપર અત્યાચાર કરવામાં આવ્યો નથી. અત્યાચાર તો માત્ર પ્રેક્ષકો ઉપર કરવામાં આવ્યો છે ! ધન્યવાદ.
***
ઇત્તેફાક
ઇસ ઈત્તેફાક ફિલ્મ કા પુરાની ઇત્તેફાક કા રિ-મેક હોના કેવલ એક ઇત્તેફાક હૈ ! ઇતના હી નહીં, પુરાની ઈત્તેફાક ફિલ્મ કા ગુજરાતી નાટક ‘ધુમ્મસ’ કા રિ-મેક હોના ભી ઈત્તેફાક હૈ ! ક્યું કિ ગુજરાતી નાટક ‘ધુમ્મસ’ કા કિસી અંગ્રેજી નાટક સે પ્રેરિત હોના ભી એક ઈત્તેફાક હો સકતા હૈ !
***
પેડમેન
આ ફિલ્મમાં દર્શાવેલા તમામ પેડ કાલ્પનિક છે. તેમજ જે મહિલાઓને પેડ વાપરતાં દર્શાવાયાં છે તેમણે પણ તેનો કાલ્પનિક ઉપયોગ જ કર્યો છે. આ બાબતમાં વધુ કલ્પનાઓ નહિ કરવાની ખાસ વિનંતી છે.
***
દંગલ
નિષ્ણાતોની સલાહ વિના ઘરમાં જાતે આ ટાઈપની કુશ્તીઓ કરવી નહિ ! છતાં જો એમ કરવા જતાં તમારા હાથ-પગ ભાંગે અને વીમો પાસ ના થાય તો તેની જવાબદારી અમારી નથી !
***
ઠગ્સ ઓફ હિન્દુસ્તાન
નીરવ મોદી, વિજય માલ્યા, મેહુલ ચોકસી, લલિત મોદી તથા અન્ય વાસ્તવિક ઠગો સાથે અમારો કોઈ સંબંધ નથી.
***
ડર્ટી પિકચર
આ પિકચરના સ્પોન્સરો ‘સર્ફ’, ‘નિરમા’, ‘ઘડી’ કે ‘એરિયલ’ નથી ! ‘હાર્પિક’ પણ નથી ! એટલું જ નહિં, કોઈપણ શહેરના કોઈપણ શૌચાલય સાથે પણ આનો કોઈ સંબંધ નથી !
***
હાફ-ગર્લફ્રેન્ડ
અડધી ગર્લ ફ્રેન્ડ તમે ઘરેથી લઈને આવો અને બાકીની અડધી અમે આપીશું... એવું નથી !
***
સરકાર-થ્રી
આ સરકાર તમને પસંદ ના હોય તો એમાં અમારો કોઈ વાંક નથી કારણ કે અગાઉની બે સરકાર UPAના રાજમાં બની હતી ! એનું જ આ પરિણામ છે ! અને હા, તમારી ટિકિટને તમારા આધારકાર્ડ સાથે લિન્ક કરવાનું ફરજિયાત છે !
***
કડવી હવા
જો થિયેટરની અંદર તમને કડવી હવાની વાસ આવતી હોય તો મેનેજરને ફરિયાદ કરો. કદાચ શૌચાલય અને સિનેમા હોલ વચ્ચેની દિવાલમાં કોઈ લીકેજ હશે ! જો લીકેજ ના હોય તો જરૂર આ કામ બીજા કોઈ પ્રેક્ષકનું છે !
***
ડેડી
આ ફિલ્મને ‘મોમ’ સાથે કોઈ લેવાદેવા નથી.
***
મોમ
આ ફિલ્મને ‘ડેડી’ સાથે કોઈ લેવા દેવા નથી.
***
ચિલ્લર પાર્ટી
અને આને માટે જોન અબ્રાહમ કે શ્રીદેવી જવાબદાર નથી !
***
હિન્દી મીડિયમ
ઇસ ચલચિત્રમેં ઉચ્ચારીત વિદેશી ભાષા કે શબ્દોં કા હિન્દી અનુવાદ પ્રાપ્ત કરને કે લિયે આપ સંગણક યંત્ર એવમ્ દૂરભાષ ચલિતયંત્ર દ્વારા રાષ્ટ્રભાષા મહાશબ્દકોશ કા આવેદન અધોભારિત કર સકતે હૈં. યદિ યહ હિન્દી સમજ મેં ના આયે તો આપ ભાડ મેં જા સકતે હૈં ! ધન્યવાદ !
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment